|
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારની સરકારી હોસ્પિટલનો મેડિકલ ઑફિસર સરકારની પ્રસૂતિ પ્રોત્સાહન યોજના પેટે મળતી સહાયમાં ગોલમાલ કરીને ૧૭.૪૭ લાખ રૂપિયા હજમ કરી ગયો હોવાની ફોજદારી ફરિયાદ નોંધાઈ છે. વિજિલન્સના અહેવાલ અને ખાતાકીય તપાસ અને હુકમ બાદ હોસ્પિટલના વર્તમાન સુપરિન્ટેન્ડેન્ટે ડૉ. વિરલ યશવંત વાઘેલા વિરુધ્ધ ઈપીકો કલમ ૪૦૯ તળે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ૭ વર્ષ સુધી સરકારી નાણાં હજમ કરતો રહેલો
આરોપી ડૉક્ટર વિરલ વાઘેલા (DGO) આ હોસ્પિટલમાં ૧૭-૧૨-૨૦૧૫થી ૨૩-૦૨-૨૦૨૩ દરમિયાન મેડિકલ ઑફિસર તરીકે ફરજ બજાવતો હતો. આ હોસ્પિટલ ત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તરીકે કાર્યરત હતી. વર્ષ ૨૦૧૬-૧૭થી ૨૦૨૧-૨૨ દરમિયાન હોસ્પિટલમાં થયેલી વાસ્તવિક પ્રસૂતિ અને પ્રસૂતાઓને પ્રોત્સાહન પેટે અપાતી નાણાંકીય યોજનાનો લાભ મેળવવા માટે દર્શાવાયેલી સંખ્યાના આંકડામાં ભારે વિસંગતતા જોવા મળેલી.
આરોગ્ય વિભાગની વિજિલન્સ ટીમે સઘન તપાસ કરતાં એ પણ સ્પષ્ટ થયેલું કે ડૉક્ટર વાઘેલાએ ચોપડા પર વધુ પ્રસૂતિઓ બતાવવા ઉપરાંત ઘણાં કિસ્સાઓમાં એક જ પ્રસૂતિને બે અલગ અલગ નાણાંકીય સદરમાં દર્શાવી વધુ રકમ મેળવેલી.
ખાતાકીય તપાસ દરમિયાન વાઘેલાએ યોજના માટેના GTR44 ફોર્મમાં પોતાની સહી હોવા છતાં તે સહી પોતાની ના હોવાનું ખોટું નિવેદન આપી તપાસને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કરેલો. સરકારી યોજના પેટે મળેલા ૧૭.૪૭ લાખ રુપિયા ડૉક્ટરે પોતાના અંગત બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યાં હતા.
૩૪.૯૪ લાખ જમા કરાવવાના હુકમને ઘોળીને પી ગયો
ખાતાકીય તપાસના અંતે ડૉ. વાઘેલાને ૧૭.૪૭ લાખ રૂપિયા સાથે તેટલી જ રકમનો દંડ કરાઈ ૩૪.૯૪ લાખ રૂપિયા જમા કરાવવા હુકમ કરાયો હતો. વાઘેલાએ આજ દિન સુધી આ નાણાં જમા કરાવ્યાં નથી. જેના પગલે ગાંધીનગરથી ફોજદારી ફરિયાદ નોંધાવવા થયેલા હુકમને અનુલક્ષીને હોસ્પિટલના અધીક્ષક ડૉ. રોબિનસિંહ રાઠોડે આજે સરકાર જોડે નાણાંકીય ઉચાપત અને છેતરપિંડી કરવા સબબ ફરિયાદ નોંધાવી છે.
ડૉક્ટર વાઘેલા હાલ દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ગાયનેક તરીકે ફરજ બજાવે છે.
અંજાર પીઆઈ એ.આર. ગોહિલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Share it on
|