કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામની ભાગોળે પડાણા નજીક ગયા ગુરુવારે રાત્રે ૧૧.૩૦ના અરસામાં લૂંટના ઈરાદે યુવકની હત્યા કરી નાસી ગયેલી બાઈકસવાર ત્રિપુટીને પોલીસે ઝડપી પાડી છે. પોલીસની વિવિધ ટીમોએ ૧૧૦ કિલોમીટર લાંબા રૂટ પરના ૨૧૫ સીસીટીવી કેમેરાના ૮૫૦ ગિગાબાઈટ્સ ફૂટેજનું સર્વેલન્સ કરીને આ સફળતા હાંસલ કરી છે. પગપાળા જતા યુવકની લૂંટના ઈરાદે હત્યા કરેલી
મરણ જનાર સુનિલ નટ અને તેની માસીનો દીકરો વિશાલ નટ (બંને રહે. મૂળ બિહાર) બેઉ કામસર મોરબી ગયેલા અને મોરબીથી બસમાં બેસીને ઘરે પરત ફરતાં હતા. રસ્તામાં તેઓ પડાણા પાસે ઉતરી ગયેલાં અને પગપાળા ઘર તરફ જતા હતા ત્યારે જૂની એઆરસી હોટેલ પાસે સર્વિસ રોડ પર બાઈક પર આવેલી અજ્ઞાત ત્રિપુટીએ તેમને અટકાવ્યા હતા.
આરોપીઓએ છરી બતાડીને બંનેના ખિસ્સામાં રહેલા પૈસા અને મોબાઈલ ફોન કાઢવા પ્રયાસ કરેલો.
મરણ જનાર સુનિલે પ્રતિકાર કરવા પ્રયાસ કરતા એક જણે તેને છાતીમાં છરી મારી દીધી હતી. ગંભીર ઈજાથી સુનિલ નીચે ફસડાઈ પડેલો અને આ ત્રિપુટી બાઈક પર નાસી છૂટી હતી.
બ્લેન્ક કેસમાં સીસીટીવી ફૂટેજથી પગેરું મળ્યું
ઘટનાને ગંભીરતાથી લઈને બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે આરોપીઓને પકડી પાડવા માટે અંજાર વિભાગના નાયબ પોલીસ અધીક્ષક મુકેશ ચૌધરીના વડપણ હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની વિવિધ ટીમ બનાવી હતી.
આ મર્ડર કેસમાં પોલીસ પાસે કોઈ કડી નહોતી. પરંતુ, પોલીસે માર્ગો અને વિવિધ વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરી આરોપીઓનું પગેરું દબાવવા નક્કી કર્યું હતું.
ઘટનાસ્થળથી લઈ ચારે દિશા તરફ જતાં ૧૧૦ કિલોમીટર લાંબા રૂટ પરના ૨૧૫ સીસીટીવી કેમેરાના ૮૫૦ જીબીના ફૂટેજ બૅકઅપ લઈ ઝીણવટભરી રીતે તપાસ શરૂ કરી હતી. એ જ રીતે, આ પ્રકારે ગુનાઓ આચરતાં હિસ્ટ્રીશીટર શકમંદોની પૂછપરછ શરૂ કરી હતી. દરમિયાન, હત્યામાં વપરાયેલી બાઈક સાથેના ત્રણે આરોપી અંજારના મોટી નાગલપર ગામે પાસે સ્પોટ થતાં પોલીસે ત્યાં ધસી જઈને ત્રણેને દબોચી લીધા હતા.
નિંગાળનો સિકંદર ઊર્ફે સિકલો સૂત્રધાર
પોલીસે ગુનો આચરનારા સિકંદર ઊર્ફે સિકલો લતીફ બાફણ (રહે. નિંગાળ, અંજાર), રમજાન અલીમામદ ચાવડા અને ઓસમાણ ઊર્ફે ઓમા હાજી સાંઘાણી (બંને રહે. મોટી નાગલપર, અંજાર)ની ધરપકડ કરી છે. સિકંદર ઊર્ફે સિકલો ગુનાનો સૂત્રધાર છે. આ ત્રિપુટી રાત્રિના સમયે એકલદોકલ જતા રાહદારીઓને છરી બતાવી મોબાઈલ ફોન અને રોકડ રકમ લૂંટી લેવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. સિકલા સામે અગાઉ અંજારમાં મારામારી, હથિયારબંધીના જાહેરનામા ભંગ તથા ભુજમાં ચોરીના ગુના નોંધાયેલા છે.
એલસીબી પીઆઈ એન.એન. ચુડાસમા અને પીએસઆઈ એલ.એન. વાઢીયા તથા ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ એસ.વી. ગોજીયા, પીએસઆઈ ડી.જી. પટેલ તથા સ્ટાફે જહેમતભરી કામગીરી આદરીને એક અઠવાડિયામાં ગુનો આચરનારી ત્રિપુટીને શોધીને અંદર કરી દીધી છે.
Share it on
|