click here to go to advertiser's link
Visitors :  
10-Jul-2026, Friday
Home -> Gandhidham -> East Kutch LCB caught IMFL worth Rs 79.52 Lakh from Tappar Farm
Saturday, 13-Jun-2026 - Dudhai 27793 views
ટપ્પરની વાડીમાં કટિંગ ટાણે ત્રાટકી LCBએ ૭૯.૫૨ લાખનો દારૂ બિયરનો જથ્થો જપ્ત કર્યો
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ કચ્છનો રીઢો લિસ્ટેડ બૂટલેગર પુના ભાણા ભરવાડ વધુ એકવાર એક્ટિવ થયો છે. પુનાએ અન્ય છ બૂટલેગરો સાથે પાર્ટનરશીપમાં મગાવેલો ૭૯.૫૨ લાખનો ઈંગ્લિશ દારૂ બિયરનો જથ્થો પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે જપ્ત કર્યો છે. જો કે, એકેય બૂટલેગર કે તેના માણસો પોલીસને હાથ લાગ્યા નથી!

ગત રાત્રે પેટ્રોલીંગ દરમિયાન LCBને બાતમી મળેલી કે પુના ભરવાડે તેના સાગરીત રામા ભરવાડ (પલાંસવા), યુનુસ ફકીરમામદ મીર (અંજાર), વાલજી ઊર્ફે વાલો ભીખા દેસાઈ (હલરા, ભચાઉ), મેરૂભા ઉદેસંગ વાઘેલા (રહે. અંતરજાળ, આદિપુર) અને અરજણ હિરા હેઠવાડિયા (રહે. ગોપાલનગર, ટપ્પર, અંજાર) સાથે પાર્ટનરશીપમાં ટેન્કરમાં ઈંગ્લિશ દારૂ બિયરનો જથ્થો મગાવ્યો છે અને હાલ ટપ્પર ડેમ પાસે અરજણની વાડીમાં તેનું કટિંગ ચાલી રહ્યું છે.

પોલીસે પંચો સાથે મધરાતે ત્રણ વાગ્યે વાડીમાં રેઈડ પાડી હતી. પોલીસ વાહનોની હેડલાઈટનું અજવાળું જોઈને વાડીમાં માલનું કટિંગ કરી રહેલા તમામ લોકો અંધારામાં નાસી ગયાં હતા.

વાડીમાં ૧૨ વ્હિલવાળું અને ૫ ખાનાંવાળું GJ-12 BV-9881 નંબરનું ટેન્કર પડ્યું હતું. તેની પાસે ૧૦ વ્હિલવાળું GJ-12 AT_9880 નંબરનું આઈવા ડમ્પર, નંબર પ્લેટ વગરની બોલેરો કેમ્પર, એક મોટર સાયકલ અને એક ભંગાર હાલતમાં પડેલું પ્લેઝર દ્વિચક્રી પાર્ક હતા. વાહનો ઉપરાંત વાડીમાં બનાવાયેલી બે ઓરડીમાં પણ દારૂની પેટીઓ પડેલી હતી.

દારૂ સહિત એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

LCBએ વિવિધ બ્રાન્ડની વ્હિસ્કી અને બિયર મળી કુલ ૭૯.૫૨ લાખનો શરાબ તથા ૬ લાખના ટેન્કર, ૫ લાખના ડમ્પર, ૪ લાખની બોલેરો, ૫૦ હજારની મોટર સાયકલ વગેરે મળી કુલ ૧ કરોડ ૪ લાખ ૭૪૦૦નો મુદ્દામાલ કબજે કરી બાતમી મુજબના છ બૂટલેગરો સામે નામજોગ તથા વાહનોના ચાલકો, નાસી ગયેલાં મજૂરો સહિતના શખ્સો, માલ મોકલનાર વગેરે સામે દુધઈ પોલીસ મથકે પ્રોહિબિશનની વિવિધ ધારાઓ તળે ગુનો નોંધાવ્યો છે. ટેન્કરમાંથી એક રાજસ્થાની શખ્સનું આધાર કાર્ડ અને મોબાઈલ ફોન મળી આવ્યા છે. કામગીરીમાં પીઆઈ જે.એમ. વાળા, પીએસઆઈ ડી.જી. પટેલ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

દારુનો દરિયો ઠાલવવા માટે કુખ્યાત છે પુનો 

પુના ભરવાડ લાંબા સમયથી ભુજના ગણેશનગરમાં સ્થાયી થયો હતો. કેરાના લિસ્ટેડ બૂટલેગર અનોપસિંહ રાઠોડ સાથે પાર્ટનરશીપમાં તેણે અગાઉ કરોડોનો માલ મગાવ્યો હતો. કચ્છમાં દારૂનો જથ્થાબંધ માલ ઠાલવનારાં જે ગણ્યાંગાંઠ્યા બે પાંચ બૂટલેગરો છે તેમાં પુનો અને અનોપ મુખ્ય ગણાય છે.

થોડાંક વર્ષો અગાઉ પુનાએ કચ્છમાં દારૂનો દરિયો વહાવતાં તે સમયના સીનિઅર IPS અધિકારીને ઉપરથી ઠપકો સાંભળવો પડ્યો હતો અને અંતે પુનો ભીંસમાં આવ્યો હતો.

ગળપાદરમાં જેલમાં બેઠાં બેઠાં પુનાએ મોબાઈલથી એક બાતમીદારને મારી નાખવાની ધમકી આપેલી અને તે મામલો પણ ભારે ચકચારી બન્યો હતો. છેલ્લે ફેબ્રુઆરી માસમાં ભુજના વડવાળા ગામે એસએમસીએ ચાર કરોડનો વિક્રમી દારૂનો જથ્થો ઝડપ્યો ત્યારબાદ પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ‘મોટી ગાડીઓ’ને મંજૂરી આપવાનું બંધ કરી દેવાયેલું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ ફરી સેન્ક્શન આપવાનું શરૂ કરાયું હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે. પશ્ચિમ કચ્છમાં ખાખરના રઘુડાને મોટી ગાડીઓની મંજૂરી મળી ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
Share it on
   

Recent News  
ગાંધીધામમાં ૫૨ વર્ષની મહિલા પર દુષ્કર્મ આચરનાર ૨૫ વર્ષના યુવકને ૧૦ વર્ષની કેદ
 
મુંદરા પોલીસે બિહારમાં જઈને સ્થાનિક ગ્રામજનોનો વેશ પહેરીને હત્યારાને ઝડપી પાડ્યો
 
કચ્છ કાંઠે મળેલા કરોડોના બિન વારસી ડ્રગ્ઝના ૮ કેસની તપાસ NCBએ બંધ કરી દીધી!