કચ્છખબરડૉટકોમ, ભુજઃ એશિયાના સૌથી સમૃધ્ધ ગામ ગણાતાં માધાપર નવા વાસ ગામમાં (જૂના વાસ વળી અલગ ગ્રામ પંચાયત છે) ગ્રામ પંચાયતે ‘ઓપરેશન વંડી’ શરૂ કર્યું છે. આ ઓપરેશન શરૂ થતાં જ ગામના સરપંચ વાલાભાઈ આયર પર અધિકારીઓ અને રાજકીય નેતાઓનો ફોન પર ભલામણોનો મારો શરૂ થઈ ગયો છે.
ગામની ભાગોળે આવેલાં વિસ્તારો કે જ્યાં નવી નવી સોસાયટીઓ બની રહી છે તે વિસ્તારોમાં છેલ્લાં ત્રણ માસથી પીવાના પાણીની ભયંકર તંગી પ્રવર્તી રહી છે. આ તંગી નિવારવા પંચાયતે ‘ઓપરેશન વંડી’ શરૂ કર્યું છે.
માધાપરના કોટકનગર, મલવાડી સહિતના અનેક વિસ્તારોમાં હજાર ચોરસ મીટરથી લઈ પાંચ હજાર ચોરસ મીટર સુધીના અનેક પ્લોટને ચોતરફ ઊંચી, પાકી કંપાઉન્ડ વૉલ બાંધીને વંડી કે વંડા બાંધી લેવાયાં છે. આ વંડીઓમાં પંચાયતના પેયજલના કનેક્શન લઈને શાક-બકાલાંથી લઈ દાડમ, કેરી, ખારેક સહિતના બાગાયતી પાકની ખેતી ચાલી રહી છે.
ખેતી માટેના પાણીનો મુખ્ય અને એક માત્ર સોર્સ છે પંચાયત દ્વારા અપાતું ઘર વપરાશ માટેનું પાણી! પાણીની સરેઆમ ચોરીના કારણે છેવાડાના વિસ્તારોના લોકો પાણી વગર ટળવળી રહ્યાં છે. પંચાયતે આજે કોટકનગરમાં જેસીબીની મદદથી ૨૨ વંડીના નળ જોડાણ કટ કરી નાખ્યાં છે.
સરપંચે જણાવ્યું કે અમે કરેલા સર્વે મુજબ પાંચસોથી વધુ વંડીઓમાં આ રીતે પાણીની બેફામ ચોરી થઈ રહી છે. કોટકનગરની અનેક વંડીઓમાં મોટાં વ્યાસની પાઈપો જોડીને ખેતી કરાય છે.
દિવાલબંધ વંડીઓમાં ઉગાડાયેલાં લીલાંછમ્મ વૃક્ષો જ બેફામ પાણી ચોરીની સાબિતી આપે છે.
લોકોના પીવાના પાણીમાંથી ઉગાડાતું શાક બકાલું અને ફળો પાછાં ઊંચા ભાવે બજારમાં વેચાય છે! અમુકે ગયા વર્ષે બે લાખની ખારેક વેચેલી તો અમુકે આ વર્ષે દોઢ લાખની કેસર કેરી વેચી છે!
ઘણી વંડીઓના માલિક વિદેશ વસતાં NRI છે, ભાડૂઆતો ખેતી કરે છે.
જિલ્લા પંચાયતમાં પ્રમુખ રહેલા એક મહિલાના પતિએ તો પાણીની પાઈપલાઈનમાં ચાર ઈંચનો પાઈપ જોડીને ગંગેશ્વર રોડ પર આવેલી પોતાની વાડી સુધી કનેક્શન ખેંચીને મોઢું કારું કર્યું છે. એક પોલીસવાળો પણ તેના ગેરકાયદે દબાણવાળા ફાર્મ હાઉસમાં પાણીનું કનેક્શન મેળવી, સ્વિમીંગ પુલ ભરીને ત્યાં સ્પાવાળી છોકરીઓને બોલાવી અવારનવાર પાર્ટીઓ કરે છે.
આગામી દિવસોમાં પંચાયતના પેયજલની પાઈપ લાઈનમાંથી ગેરકાયદે જોડાણ લઈને ખેતી કરતાં લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવાશે. આ ઝુંબેશ હજુ ચાલુ રહેશે. કાર્યવાહીના પગલે સરપંચ પર નેતા અધિકારીઓ સહિતના અનેક લોકોની ભલામણોનો મારો શરૂ થઈ ગયો છે.
Share it on
|