|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ ભીમાસર નેશનલ હાઇવે નિર્માણ અંતર્ગત ભુજ તાલુકાના રેલડી ગામ પાસે બનનારો સૂચિત ઓવરબ્રિજ જૂની ડિઝાઈન મુજબ જ બનાવવા એટલે કે મૂળ ઉપરથી જ બનાવીને ૧૯ ખેડૂતોની ફળદ્રુપ જમીનો બચાવવા કચ્છ કોંગ્રેસે માગ કરી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે આરોપ કર્યો કે નેશનલ હાઈવે ઑથોરિટી ખેડૂતોની જમીનો ઉપરથી જ ઓવરબ્રિજ બનાવવાની જીદ્દ લઈને બેઠી છે. ખેડૂતો અને હાઈવે ઑથોરિટી વચ્ચે આ મામલે લાંબા સમયથી ઘર્ષણ ચાલી રહ્યું છે. કચ્છના ધારાસભ્યો, મંત્રી, સાંસદ, જિલ્લા સંગઠન પ્રમુખ સહિતના એકેય જણ ખેડૂતોને મદદરૂપ થવા તૈયાર નથી. પોતાની જમીન બચાવવા માટે ખેડૂતે આ ભાજપના નેતાઓ સમક્ષ અવારનવાર જૂની ડિઝાઈન મુજબ જ ઓવરબ્રિજ બનાવવા હુંબલે રજૂઆત કરી છે.
છેક દિલ્હીનો ધક્કો ખાઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સુધી રજૂઆતો કરી છે. પરંતુ ખેડૂતોને સાંભળવા કોઈ તૈયાર નથી.
સરકાર કોઈપણ ભોગે ખેડૂતોની જમીનમાંથી જ ઓવરબ્રિજ બનાવવા માંગે છે ત્યારે સવાલ એ થાય છે કે શા માટે જૂના ક્રોસિંગ ઉપરથી ઓવરબ્રિજ બનાવવામાં આવતો નથી?
હાઈ વે ઑથોરિટી એવો જવાબ આપે છે કે બ્રિજ માટેની ડિઝાઈન ફીટ થતી નથી. પરંતુ, અગાઉ આ જ ક્રોસિંગ પરથી બ્રિજ બનાવવા ડિઝાઈન બનાવાયેલી. સદભાવના કન્સ્ટ્રક્શન નામના ઠેકેદારને કોન્ટ્રાક્ટ પણ અપાઈ ગયેલો. તેથી, જૂની નવી ડિઝાઈનના બહાનાનો છેદ ઉડી જાય છે.
અગાઉ આ જ રીતે ભીમાસર ગામના ફાટક ઉપરથી બ્રિજ ના બની શકે તેવો હાઈવે ઑથોરિટીએ દાવો કરેલો, ત્યાં પણ ડિઝાઈનનો પ્રશ્ન હોવાનું જણાવાયેલું પરંતુ ગ્રામજનોની રજૂઆતોના પગલે ફાટક ઉપરથી જ ઓવરબ્રિજ બનાવાયેલો. ભારત વિશ્વગુરુ બનવા માગે છે ત્યારે શું નિષ્ણાત એન્જિનિયરો જ નથી? વીજ લાઈનો પસાર કરવાનો મુદ્દો હોય કે રોડ-રેલવે લાઈનોના નિર્માણનો આ સરકારમાં ખેડૂતોને કોઈ સાંભળતું જ નથી.
પોલીસની મદદથી ખેડૂતો સાથે આતંકવાદી હોય તેવો વ્યવહાર કરાઈ રહ્યો છે. હવે તો ખેડૂતો બોલી રહ્યાં છે કે આવી લોકશાહી કરતાં તો અંગ્રેજો સારાં હતા, તેઓ પણ આટલો જુલમ ગુજારતાં નહોતા.
Share it on
|