કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામમાં ટીમ્બર વેપારીની ધાર્મિક વૃત્તિ ધરાવતી પત્નીને ભોળવીને, અજાણ્યો બાવો ધાર્મિક વિધિ કરવાનું નાટક કરીને ૩૬ તોલા સોનાના ઘરેણાં કપટપૂર્વક સેરવી નાસી ગયો હોવાના ગુનામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે ત્રણની ધરપકડ કરી છે. પોલીસે અંજારના મિંદીયાળા ગામે ઝૂંપડામાં રહેતાં મૂળ ભચાઉના વાદીનગરના ત્રણ ચીટરોની ધરપકડ કરીને સોનાના દાગીના સાથે ગુનામાં વપરાયેલાં મોબાઈલ ફોન, મોટર સાયકલ વગેરે કબજે કર્યાં છે. આ રીતે ગૃહિણી જોડે કરી હતી ઠગાઈ
શનિવારે બપોરે ગાંધીધામના વોર્ડ ૭-ડીમાં રહેતા દિનેશ ભાણજીભાઈ પટેલના ઘેર અજાણ્યો બાવો ગયો હતો. ફરિયાદીના પત્ની ગીતાબેને થોડાંક માસ અગાઉ પડી જવાથી કમરે બેલ્ટ પહેરેલો, તે જોઈ બાવાએ તેમને શરીરમાંથી નડતર દૂર કરી આપવાની વિધિ કરી આપવાનું કહેલું.
બાવાએ ગીતાબેનને વિશ્વાસમાં લેવા માટે ફોન પર તેના ગુરુ જોડે વાત કરાવેલી અને ગુરુએ પણ આ વિધિ બાદ શરીરમાંથી નડતર દૂર થઈ જશે તેવી ખાતરી આપેલી.
અજાણ્યા બાવાએ પાણી ભરેલો ગ્લાસ મગાવી, મંત્ર ફૂંકીને તે પાણી ગીતાબેન પર છાંટીને ‘તમારા ઘરમાં ખોટાં સમયે સોનાના દાગીના આવી ગયાં છે અને તેનું શુધ્ધિકરણ કરવું પડશે’ કહીને ઘરમાં પડેલાં ઘરેણાં માટલાંમાં લઈ આવવા જણાવેલું. બાવાની વાતોથી ભોળવાઈને અથવા વશીકરણથી હોશ ગૂમાવી ચૂકેલાં ગીતાબેને તમામ દર-દાગીના માટલાંમાં ભરીને બાવાને આપ્યાં હતા.
બાવો વિધિ કરવાનું નાટક કરીને છળકપટથી માટલાંમાં રહેલા ૩૬ તોલા સોનાના ઘરેણાં લઈને છુમંતર થઈ ગયો હતો.
બનાવ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતાં રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને એસપી સાગર બાગમારે તેને ગંભીરતાથી લીધી હતી.
એસપી બાગમારે ગુનાનો ભેદ ઉકેલવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમ બનાવીને શહેરમાં ઠેર ઠેર લાગેલાં સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીઓને ટ્રેસ કરવા જાતે સુપરવિઝન કર્યું હતું.
આરોપીઓની બોલવા ચાલવાની રીત, પહેરેલાં કપડાં, આવવા જવાના રૂટ પરથી એલસીબીની ટીમે આરોપીઓનું પગેરું દબાવીને તેમને અંજારના મિંદીયાળા ગામની સીમમાંથી ઝડપી પાડ્યાં છે.
ભચાઉના વાદીનગરની ત્રિપુટી ઝડપાઈ
ઝડપાયેલાં આરોપીઓમાં બાવો બનનાર તૂફાનનાથ ઊર્ફે શેતાનનાથ મીરકાનાથ વાદી, તેનો ગુરુ બનનાર જુલાનાથ રુમાલનાથ વાદી અને ગુનામાં મદદગારી કરનાર દેવનાથ પોપટનાથ વાદી (રહે. ત્રણે મૂળ વાદીનગર, ભચાઉ)નો સમાવેશ થાય છે. ફરિયાદમાં ૧૪.૪૦ લાખના દાગીનાની ઠગાઈ થઈ હોવાનું લખાવાયું હતું પરંતુ પોલીસે આરોપીઓના કબજામાંથી કુલ ૨૧.૪૬ લાખના દાગીના રીકવર કર્યાં છે. તદુપરાંત, ગુનામાં વપરાયેલાં ત્રણ મોબાઈલ ફોન, એક નંબર પ્લેટ વગરની મોટર સાયકલ, સાધુના ઉપયોગમાં લેવાતું કમંડલ, માળાઓ, ગમછો વગેરે કબજે કર્યાં છે.
આરોપીઓ સાધુનો સ્વાંગ સજીને શહેરો ગામડાંમાં રહેતી એકલ દોકલ મહિલાઓને વિશ્વાસમાં લઈ ધાર્મિક વિધિ કરવાના બહાને માટલાંમાં દાગીના રખાવીને સેરવી જવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.
ગુનાના ડિટેક્શનમાં પીઆઈ એન.એન. ચુડાસમા, પીએસઆઈ ડી.જી. પટેલ અને અન્ય સ્ટાફ જોડાયો હતો.
Share it on
|