કચ્છખબરડૉટકોમ, ભુજઃ ‘એક કા તીન’ની લાલચ આપીને બે રાજસ્થાની યુવકોને ભુજ બોલાવીને નકલી નોટોના બંડલો પધરાવી ઠગાઈનો કારસો પાર પડે તે પહેલાં જ સતર્ક પોલીસે ભુજના બે ધુતારા સહિત ચારની અટક કરી લીધી છે. સોમવારે સાંજે મળેલી બાતમીના આધારે ભુજ બી ડિવિઝન પોલીસની ટીમે આરટીઓ સર્કલ નજીક વૉચ રાખીને ધુતારા અને બે રાજસ્થાની શખ્સોને દબોચી લીધાં હતાં. ભુજના સાહિલ રમજુ સમેજા (ઉ.વ. ૨૩, રહે. મુસ્લિમ સ્કુલ પાસે, એરપોર્ટ રોડ) અને રશિદ આમદ સમા (ઉ.વ. ૪૨, રહે. રાહુલનગર, ભારતનગર પાસે)એ એક લાખ સામે ત્રણ લાખ રૂપિયા આપવાની લાલચ આપીને રાજસ્થાનના બિકાનેરના બે જણને ભુજ બોલાવ્યાં હતાં.
બિકાનેરનો મોહિત વિજયરાજ જૈન અને શેરારામ ભાગુ બેઉ જણ પચાસ હજાર રૂપિયા સામે દોઢ લાખ રૂપિયા લેવા ભુજ આવ્યાં હતાં.
લેતી-દેતી માટે ભુજના યુવકોએ બેઉ રાજસ્થાનીને આરટીઓ સર્કલ પાસે કતિરા કોમ્પ્લેક્સ પાસે બોલાવ્યાં હતાં. સાહિલ અને રશિદ બેઉ જણ એક્સેસ મોપેડ લઈને તેમની પાસે પહોંચીને વાતો કરી અસલી નકલી નાણાંની લેતી-દેતી કરે તે પહેલાં જ વૉચમાં રહેલી પોલીસે ચારેને દબોચી લીધાં હતાં.
ડીકીમાંથી નકલી નોટના ત્રણ બંડલ મળ્યાં
એક્સેસની ડીકીમાંથી પોલીસને પાંચસો પાંચસોની નોટના ત્રણ બંડલ મળી આવ્યાં હતાં. બંડલમાં સૌથી ઉપરની નોટ અસલી હતી અને નીચેની તમામ નોટો નકલી હતી જેની ઉપર ભારતીય મનોરંજન બેન્ક લખેલું હતું. પ્રાથમિક પૂછપરછમાં સાહિલ અને રશિદે ગુનો કબૂલી લીધો હતો. બેઉની અંગઝડતીમાંથી પોલીસે બે-બે મોબાઈલ ફોન સાથે તેમના કબજામાં રહેલાં પંદરસો રૂપિયા રોકડાં અને એક્સેસ મોપેડ કબજે કર્યું છે. તો, શેરારામની અંગઝડતીમાંથી પચાસ હજાર રૂપિયાની અસલી નોટો તથા બે મોબાઈલ ફોન કબજે કર્યાં છે. ચારે સામે પોલીસે સરકાર તરફે BNSની કલમ ૩૧૮(૩) અને ૫૪ હેઠળ એકમેકની મદદગારીમાં ચીટીંગ કરવાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Share it on
|