કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ નલિયા વચ્ચે પથરાયેલી ૧૦૧ કિલોમીટર લાંબી રેલવે લાઈન પર કાલે બુધવારે સવારે પેસેન્જર ટ્રેન દોડાવીને ટ્રાયલ રન કરાય તેવી શક્યતા છે. પશ્ચિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ જો ટ્રાયલ રન સફળ રહે તો ૨૬ મેના ભુજ આવી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ટ્રેક પર પેસેન્જર ટ્રેન દોડાવવાની જાહેરાત કરાય તેવી શક્યતા છે. ગત ફેબ્રુઆરી માસમાં જ આ ટ્રેક પરનું ઈલેક્ટ્રીફિકેશનનું કાર્ય પૂર્ણ થઈ ગયેલું છે. રેલવે દ્વારા આ ટ્રેક પર ગુડ્ઝ ટ્રેન દોડાવાઈ રહી છે. પરંતુ, પેસેન્જર ટ્રેન ક્યારથી શરૂ થશે તેના પર સહુની ખાસ કરીને નખત્રાણા, લખપત અને અબડાસા તાલુકાની જનતાની મીટ મંડાયેલી છે.
મુંબઈના ચર્ચગેટસ્થિત પશ્ચિમ રેલવેના મુખ્ય મથકના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ મુંબઈ રેલવે ડિવિઝનના વરિષ્ઠ અધિકારી રાજન શ્રીવાસ્તવ અને તેમની ટીમ બુધવારે પેસેન્જર ટ્રેનની દોડાવીને ટ્રાયલ રન લેશે.
સવારે નવથી ભુજથી ટ્રેન ઉપડશે અને બપોરે એક-દોઢના અરસામાં ટ્રેન નલિયા પહોંચશે, રસ્તામાં સૂચિત રેલવે સ્ટેશનો પર ટ્રેન થોભશે.
જો ટ્રાયલ રન સફળ રહે તો આગામી સપ્તાહે ભુજ આવી રહેલા પીએમ મોદીના હસ્તે નવી ટ્રેન સેવાનો પ્રારંભ કરાય તેવો તખ્તો ગોઠવાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે સવારે સામખિયાળી સહિત દેશમાં નવનિર્મિત ૧૦૩ રેલવે સ્ટેશનનું પીએમ મોદીના હસ્તે વીડિયો કોન્ફરન્સિંગથી લોકાર્પણ થવાનું છે. ભુજ નલિયા વચ્ચેની પેસેન્જર ટ્રેન સેવા આમજનતાની સુવિધામાં વધારા સાથે ઔદ્યોગિક અને વ્યૂહાત્મક રીતે ખૂબ પ્રોત્સાહક બની રહેશે તેમાં કોઈ બેમત નથી.
Share it on
|