કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના સરપટ નાકા નજીક નાગનાથ મંદિર પાસે રોંગસાઈડમાં બેફામ ઝડપે બાઈક હંકારીને સામેથી બાઈક પર આવતાં ASIને ટક્કર મારીને મૃત્યુ નીપજાવવાના ગુનામાં કૉર્ટે પોલીસ કોન્સ્ટેબલને ગુનેગાર ઠેરવીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. સજા મેળવનાર ૩૮ વર્ષિય આ એ જ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ નરશીભાઈ ઝાલા છે કે જે ગઈ ૧૬ મેની રાત્રે નલિયામાં દારૂ પીને છાકટો થતાં પોલીસે તેને પકડી ગુનો દાખલ કર્યો હતો. પ્રાણઘાતક અકસ્માતનો બનાવ ૮મી ઓક્ટોબર ૨૦૧૮ની રાત્રે ૮ વાગ્યાના અરસામાં બન્યો હતો. અકસ્માતમાં પશ્ચિમ કચ્છ પોલીસ દળમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ભુરાભાઈ વિછીયાભાઈ વલવાઈનું ગંભીર ઈજાથી મૃત્યુ નીપજ્યું હતું. ભુજના પાંચમા અધિક જ્યુ. મેજિસ્ટ્રેટ હાર્દિક બારડે ફરિયાદ પક્ષે રજૂ કરેલાં ૧૬ સાક્ષી અને ૭ દસ્તાવેજી આધાર પૂરાવા, બંને પક્ષના ધારાશાસ્ત્રીઓની દલીલો બાદ કલ્પેશ ઝાલાને દોષી ઠેરવી સજા ફટકારી છે.
કૉર્ટે કલ્પેશ ઝાલાને ઈપીકો કલમ ૩૦૪ એ હેઠળ ૧ વર્ષની સાદી કેદ અને ૧ હજાર રૂપિયા દંડ, ઈપીકો કલમ ૨૭૯ હેઠળ ૩ માસની સાદી કેદ અને ૫૦૦ રૂપિયા દંડ, મોટર વેહિકલ એક્ટની કલમ ૧૮૪ અને ૧૭૭ હેઠળ ૧ માસની કેદની સજા ફટકારી છે. તમામ સજા એકસાથે ભોગવવાની રહેશે.
કૉર્ટે કલ્પેશ ઝાલાને દોષી ઠેરવ્યાં બાદ બચાવ પક્ષના વકીલે તેને પ્રોબેશનનો લાભ આપવા રજૂઆત કરી હતી પરંતુ ગુનાનો પ્રકાર, ગંભીરતા અને તેનું સ્વરૂપ તથા આરોપી પોલીસ કર્મચારી હોઈ કાયદાથી સારી રીતે માહિતગાર હોય તેમ જણાવી તેને પ્રોબેશનનો લાભ આપવો ઉચિત નથી જણાતો કહી સજા ફટકારી હતી. આ કેસમાં ફરિયાદ પક્ષે એડવોકેટ કે.પી. ગઢવી, પી.ડી. ખુંગલા અને બી.જે. ભાનુશાલીએ દલીલો કરી હતી.
Share it on
|