|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ દિનદયાલ પોર્ટ કંડલાએ વર્તમાન નાણાંકીય વર્ષમાં ૧૦૦ મિલિયન મેટ્રિક ટન MMT કાર્ગો હેન્ડલ કરીને ઐતિહાસિક સિમાચિહ્ન સ્થાપિત કર્યું છે. ૧ એપ્રિલ ૨૦૨૫થી શરૂ થતાં વર્તમાન નાણાંકીય વર્ષમાં પહેલીવાર કંડલા મહાબંદર આટલાં ટૂંકા ગાળામાં ૧૦૦ MMT કાર્ગો હેન્ડલ કરનાર દેશનું સૌથી ઝડપી પોર્ટ બની રહ્યું છે. આ સિધ્ધિ પોર્ટની અસાધારણ ઓપરેશનલ કાર્યક્ષમતા, મજબૂત કાર્ગો-હેન્ડલિંગ ક્ષમતા અને તમામ હિતધારકો તેમજ પોર્ટ યુઝર્સ વચ્ચેના અવિરત સંકલનને પ્રતિબિંબિત કરે છે. આ ઐતિહાસિક સિદ્ધિ DPA કંડલાને ભારતના મેરીટાઇમ ગ્રોથની ગાથામાં અગ્રસ્થાને મૂકે છે, જે EXIM (નિકાસ-આયાત) વેપાર માટે દેશના સૌથી વિશ્વસનીય અને પ્રદર્શનલક્ષી પ્રવેશદ્વાર તરીકેની તેની પ્રતિષ્ઠાને મજબૂત બનાવે છે.
સ્પીડ, સ્કેલ અને સ્કીલ દ્વારા સિધ્ધિ હાંસલ કરી
સમય કરતાં ઘણો વહેલો ૧૦૦ MMTનો આંકડો હાંસલ કરવો એ DPAની સ્થિર ઉર્ધ્વગામી ગતિ અને લિક્વીડ, ડ્રાય બલ્ક, બ્રેક-બલ્ક અને કન્ટેઈનર સેગમેન્ટમાં વધતા કાર્ગો વોલ્યુમને હેન્ડલ કરવાની તેની ક્ષમતા દર્શાવે છે. આ સિદ્ધિ સાથે DPA કંડલા સ્પીડ, સ્કેલ અને સ્કીલ દ્વારા નેતૃત્વ કરીને, ભારતના સૌથી વધુ પરફોર્મન્સ કરતા મુખ્ય પોર્ટ તરીકેનું પોતાનું સ્થાન જાળવી રાખે છે.
PM મોદીના સપનાંને સુદ્રઢ કરતું DPA
આ સીમાચિહ્ન એવા સમયે હાંસલ કર્યું જ્યારે ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત ૨૦૪૭ના વિઝનને અનુરૂપ તેના પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતાનું ઝડપી આધુનિકીકરણ કરી રહ્યું છે. આ સિધ્ધિ ભારતના મેરીટાઇમ સેક્ટરને વૈશ્વિક નકશા પર અગ્રણી સ્થાન આપવાના વડાપ્રધાનના વિઝનમાં યોગદાન આપવાની DPA કંડલાની પ્રતિબદ્ધતાને સુદ્રઢ કરે છે.
પોર્ટના ચેરમેને સૌ સહભાગીઓનો હાર્દિક આભાર માન્યો
આ સિધ્ધિ બદલ પોર્ટના ચેરમેન સુશીલકુમાર સિંઘે પ્રસન્નતા દર્શાવતા જણાવ્યું કે રેકોર્ડ સમયમાં ૧૦૦ મિલિયન ટનનો આંકડો પાર કરવો એ DPA કંડલા અને ભારતીય મેરીટાઇમ સમુદાય માટે ગૌરવની ક્ષણ છે. આ સિદ્ધિ આપણાં સૌ શ્રમિકો, અધિકારીઓ, કર્મચારીઓ, કામદારો, મરીન ક્રૂ, પોર્ટ યુઝર્સ, હિતધારકો, સ્ટીવડોર, વેસલ એજન્ટો, વેપાર ભાગીદારો અને પોર્ટના ૨૪X૭ સંચાલનમાં યોગદાન આપનાર દરેક વ્યક્તિની સતત પ્રતિબદ્ધતા અને ટીમવર્કનું પરિણામ છે.
DPA કંડલા વડા પ્રધાનના 'વિકસિત ભારત ૨૦૪૭'ના વિઝન હેઠળ નિર્ધારીત લક્ષ્યોને હાંસલ કરવાના વિઝન સાથે સંપૂર્ણપણે જોડાયેલું છે.
અમે માત્ર નવા ઓપરેશનલ બેન્ચમાર્ક્સ સ્થાપિત નથી કરી રહ્યા, પરંતુ ગ્રીન હાઇડ્રોજન અને પુનઃપ્રાપ્ય ઊર્જાની પહેલ દ્વારા ભારતના ગ્રીન મેરીટાઇમ પરિવર્તનનું પણ નેતૃત્વ કરી રહ્યા છીએ. હું DPA કંડલા સાથે જોડાયેલા દરેક વ્યક્તિ પ્રત્યે અંતરથી આભાર વ્યક્ત કરું છું.
આ સીમાચિહ્ન એક સામૂહિક સિદ્ધિ છે અને આવનારા મહિનાઓમાં તેનાથી પણ વધુ મહાન સિદ્ધિઓ હાંસલ કરવા માટેનું એક પગથિયું છે.
સતત માળખાકીય વિસ્તરણ, સેવાઓનું ડિજિટાઇઝેશન, ગ્રીન એનર્જીનું એકીકરણ અને ચાલી રહેલા ક્ષમતાવૃદ્ધિ પ્રોજેક્ટ્સ સાથે, DPA કંડલા ભારતમાં નવી ઊંચાઈઓ સર કરવા અને મેરીટાઇમ શ્રેષ્ઠતાને પુન:વ્યાખ્યાયિત કરવા માટે મક્કમતાથી આગળ વધી રહ્યું છે.
Share it on
|