કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામમાં આધેડ શિક્ષિકાને ડિજિટલ અરેસ્ટ કરીને સાયબર માફિયાઓએ 15.50 લાખ રૂપિયા પડાવી લીધાં છે. ગાંધીધામના વૉર્ડ 7-Bમાં રહીને ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતાં બાવન વર્ષિય કાન્તાબેન નરેશભાઈ સોલંકીએ અજાણ્યા લોકો સામે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ૬ ફેબ્રુઆરીના રોજ તેમને અજાણ્યા નંબર પરથી વૉટસએપ કૉલ આવેલો. આ નંબરમાં સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટ, મુંબઈ લખેલું. ગભરાઈને તેમણે સામેથી કોન્ટેક્ટ કરતાં પોલીસ વર્દીમાં રહેલા સાયબર માફિયાએ તમારા આધાર કાર્ડના નંબર થકી મુંબઈની કેનેરા બેન્કમાં ખાતું ખૂલ્યું હોવાનું અને તેમાં નાણાંની હેરફેર થતાં મની લોન્ડરિંગનો કેસ દાખલ થયો હોવાના નામે દમ મારીને ફોન કટ ના કરવા સૂચના આપેલી.
આ રીતે 24 જણાં જોડે 538 કરોડનું ફ્રોડ થયું છે અને આ ગુનાનો સૂત્રધાર જેટ એરવેઝનો માલિક નરેશ ગોયલ હોવાના ગપ્પા મારીને સાયબર માફિયાઓએ કાન્તાબેનને ડરાવી દીધેલાં.
આરોપીઓએ આ કેસ નેશનલ સિક્રેટ હોવાનું, તમારા જીવને જોખમ હોવાનું કહીને અશોક સ્થંભવાળા સીબીઆઈ અને સુપ્રીમ કૉર્ટના અલગ અલગ ઓર્ડર વોટસએપ પર મોકલીને તેમને ડરાવી મૂક્યાં હતાં.
ફરિયાદીને સાયબર માફિયાઓએ આખી રાત સળંગ પંદર કલાક ડિજિટલ અરેસ્ટ કરી રાખેલાં. ત્યારબાદ પણ તે જ્યાં જાય તે અંગે મેસેજ કરી જાણ કરવા હુકમ કરેલો.
મકાન મિલકતો જપ્ત થવા સાથે ધરપકડ થવાની ચીમકી આપેલી. એટલે સુધી કે ફરિયાદીને પોતાની દીકરીને ભણાવવા હોય તો પણ સાયબર માફિયાઓ પાસેથી મંજૂરી મેળવવી પડતી. ચીટરોએ તેમને છાપું વાંચવા સુધ્ધાં ના પાડી હતી. વાત વાતમાં કાન્તાબેનને વિશ્વાસમાં લઈને માફિયાઓએ વિવિધ બેન્ક ખાતાઓની વિગતો આપીને 15.50 લાખ રૂપિયા મેળવી લીધાં હતાં. 18 ફેબ્રુઆરીના રોજ છાપું વાંચતા વડોદરાની એક મહિલાને પોતાની જેમ જ ડિજિટલ અરેસ્ટ કરીને સાયબર માફિયાઓએ રૂપિયા પડાવ્યાં હોવાનો કિસ્સો ધ્યાને આવતાં કાન્તાબેને નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર જાણ કરેલી. આ રીતે સમગ્ર બનાવ બહાર આવ્યો છે.
Share it on
|