click here to go to advertiser's link
Visitors :  
15-Feb-2026, Sunday
Home -> Gandhidham -> Daughter Of Industrialist Brainwashed and Extorted by ISKCON Online Group Admin
Saturday, 14-Feb-2026 - Gandhidham 4176 views
ગાંધીધામમાં ઈસ્કોનના દર્શને જતી દીકરીને ઓનલાઈન ગૃપમાં એડ કરી ડરાવી નાણાં પડાવાયા
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ઈસ્કોન મંદિરના દર્શને જતી ગાંધીધામના એક પરિવારની યુવાન દીકરીને ઓનલાઈન સત્સંગ ગૃપમાં જોઈન કરીને, તેનું બ્રેઈન વૉશ કરવા સાથે મારી નાખવાની ધમકી આપીને ગૃપ એડમીન યુવકે ૫૧ હજાર પડાવ્યાં હોવાનો બનાવ બહાર આવ્યો છે. પોલીસે જણાવ્યું કે આરોપી શખ્સ દીકરીનો પીછો મૂકતો ના હોવાનું અને ધાક-ધમકી આપી વધુ નાણાં પડાવવાની ફિરાકમાં હોઈ પિતાએ નછૂટકે ફરિયાદ નોંધાવી છે.  ૨૦ વર્ષિય દીકરી અવારનવાર ગાંધીધામમાં ઈસ્કોન મંદિરના દર્શને જતી હતી.
દીકરી મંદિરના ઓનલાઈન સત્સંગ ગૃપમાં એડ થયેલી

મંદિરે આવતા દર્શનાર્થી, બહેનપણીઓ મારફતે આ દીકરી ઈસ્કોન મંદિરના વોટસએપ પર ચાલતાં સત્સંગ ગૃપમાં જોઈન થયેલી. આ ગૃપનો એડમિન શુભ્રાંસુ દાસગુપ્તા નામનો પશ્ચિમ બંગાળનો યુવક છે અને ગૃપમાં શુભમ્ પરેઢા, શિલ્પા શેઠ, ખુશી દેવાંગન, ખુશી છેત્રી નામના અન્ય યુવક યુવતીઓ પણ જોડાયેલાં છે. પાછળથી ઓનલાઈન ગૃપ ટેલિગ્રામ એપ પર એક્ટિવ કરાયેલું. દરરોજ મોડી રાત્રે શુભ્રાંસુ દાસગુપ્તા ગૃપમાં સત્સંગ સહિતના વિવિધ અવનવા વિષયો પર ઓનલાઈન ચેટીંગ કરીને ક્લાસીસ લેતો.  

ગત મે માસમાં પરિવાર સાથે દીકરી અમદાવાદ ગયેલી ત્યારે મોડી રાત્રે તેને ઓનલાઈન સત્સંગ ગૃપના ક્લાસીસમાં ચેટ કરતી જોઈને પિતાએ પૂછપરછ કરતાં દીકરીએ આ બધી વાતો જણાવેલી.

પિતાએ દીકરીને આવા સત્સંગ ગૃપમાં રહેવા માટે ના પાડેલી.

સેવા કરવાના નામે ૫૧ હજાર રૂપિયા પડાવાયાં

થોડાંક સમય પછી એક દિવસ દીકરીએ અચાનક પિતા પાસે આવીને જણાવેલું કે પપ્પા આપણે વૃંદાવન આશ્રમમાં સેવા કરવાના હેતુથી ૫૧ હજાર રૂપિયા આપવાના છે તેવું મને ગૃપ એડમિન શુભ્રાંસુ દાસગુપ્તાએ જણાવ્યું છે. પિતાએ નાણાં આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દેતા દીકરી દુઃખી થઈને ખૂબ જ રડી હતી. અંતે, દીકરીની લાગણી ખાતર પિતાએ તેમના મોબાઈલ પરથી શુભ્રાંસુએ આપેલા શિલ્પા શેઠના પંજાબ નેશનલ બેન્કના ખાતામાં ૫૧ હજાર રુપિયા ઓનલાઈન પે કરી દીધા હતા.

૫૧ હજારનો ચાંદલો થયા બાદ પિતાએ દીકરીને મોબાઈલ ફોન વાપરવાની અને ઓનલાઈન સત્સંગ ક્લાસીસમાં જોડાવાની સાફ ના પાડી દીધી હતી.

તેમ છતાં શુભ્રાંસુ ગમે તે રીતે દીકરી સાથે ચેટ કરીને ઓનલાઈન ક્લાસીસ લેતો હતો.

અંતે દીકરીએ ચોધાર આંસુએ રડીને વ્યથા વ્યક્ત કરી

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આ ઘટના બાદ શુભ્રાંસુ દ્વારા ફરી નાણાંની માંગણી શરૂ થયેલી. ગભરાયેલી દીકરીને પિતાએ ભરોસો આપીને પૂછપરછ કરતાં દીકરીએ ચોધાર આંસુએ રડતાં જણાવેલું કે ‘પપ્પા આ શુભ્રાંસુ મને કહે છે કે હવે તારે ગૃપમાંથી લેફ્ટ થવાનું નથી. જો તું ગૃપમાં નહીં રહે તો હું તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ. મારી નાખવાની ધમકી આપીને જ તેણે સેવાના નામે ૫૧ હજાર રૂપિયા પડાવ્યાં હતા. તે મને પરિવારથી અલગ થઈને તેમની સાથે આવી જવાનું સતત દબાણ કરી ડરાવ્યાં ધમકાવ્યાં કરે છે’

ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ખંડણી અને મારી નાખવાની ધમકી આપવા સબબની કલમો તળે ગુનો દાખલ કર્યો છે.

પીઆઈ એમ.ડી. ચૌધરીએ જણાવ્યું કે શુભ્રાંસુ પશ્ચિમ બંગાળનો યુવક છે અને ગૃપમાં સામેલ મોટાભાગના મેમ્બર્સ અન્ય રાજ્યોના યુવક યુવતીઓ છે. આરોપીઓ ખરેખર ઈસ્કોન સાથે સંકળાયેલાં છે કે તે હજુ નિશ્ચિત થયું નથી.

Share it on
   

Recent News  
ટીચર નીકળ્યો ચીટર! છાત્રોને ક્રિકેટ ટુર્નામેન્ટમાં લઈ જવાનું કહી ૪.૪૩ લાખની ઠગાઈ
 
ભુજ એરપોર્ટ રોડ પર બે અકસ્માતમાં એકનું મોત, બે ઘાયલઃ ઉશ્કેરાયેલા લોકોનો ચક્કાજામ
 
નાણાં ના આપતા સાથીને યુવકે ગાંધીધામ રેલવે સ્ટેશન પાસે લાતો મારીને પતાવી દીધો