કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ક્રિપ્ટો કરન્સીના શૅરમાં રોકાણ કરીને ૨૦થી ૩૦ ટકાનો નફો મેળવવાના બહાને સાયબર માફિયાઓએ ગાંધીધામના ૫૧ વર્ષિય શખ્સના ૫૬.૪૭ લાખ રુપિયા ઓળવી ગયા હોવાનો બનાવ ગાંધીધામ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. ગાંધીધામની ગોપાલપુરીમાં એફસીઆઈ કોલોનીમાં રહેતા કિશોર શિવજી નરગુંદર (રહે. મૂળ પૂણે, મહારાષ્ટ્ર)એ ઓનલાઈન ટ્રેડીંગ કરતી કોનફોર્જ અને કોઈનબેઝ નામની બે કંપની તથા તેમને લલચાવનાર ત્રણ શખ્સો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. ઘેરબેઠાં એક્સ્ટ્રા ઈન્કમની લાલચમાં ફરિયાદીને લપેટ્યો
જૂન માસમાં ફરિયાદીને ટેલિગ્રામ પર દિપા નામની યુવતીનો સંદેશ મળેલો. જેમાં ઘેરબેઠાં વધારાની કમાણી કરવાની ઈચ્છા હોય તો અમારી સાથે જોડાવ તેવા સંદેશ સાથે CONFORGE FINANCE નામની કંપનીના ગૃપની લિન્ક હતી. ફરિયાદી ગૃપમાં જોઈન થયાં બાદ તેમને કંપની જે લિન્ક મોકલે તે ઓપન કરી તેને ફૉલો કરી તે સ્ક્રીન શોટ ગૃપ એડમિનને મોકલવા અને તેવા પ્રત્યેક ટાસ્કદીઠ પોઈન્ટ મળશે જેનું રોકડમાં રુપાંતર થશે તેમ જણાવાયું હતું.
ફરિયાદીએ સૂચના મુજબ આવા અલગ અલગ ટાસ્ક પૂરાં કરવાનું શરૂ કરેલું અને રોજેરોજ એક બે હજાર કમાવા માંડ્યો હતો.
થોડાંક સમય બાદ દિપા નામની યુવતીએ ફરિયાદીને તમે સારું કામ કરો છો અને કમાવ છો તો તે નાણાં ક્રિપ્ટો કરન્સીના શૅરમાં ઈન્વેસ્ટ કરી ૨૦થી ૩૦ ટકાનો નફો બૂક કરવા સૂચન કરાયું હતું. ફરિયાદીએ દિપાની સલાહ મુજબ પોતાની યુઝર આઈડી ક્રીએટ કરીને રોકાણ કરવાનું શરૂ કરેલું.
૨૬ લાખનું રોકાણ કર્યાં પછી ખાતું બંધ કર્યું
કોઈને શંકા ના જાય તે માટે કંપની રોકાણની રકમ સાથે ભારત સરકારના લોગોવાળું ગેરન્ટી એગ્રીમેન્ટ આપતી હતી. કંપનીના એકાઉન્ટમાં રોકાણ સામે ઓનલાઈન પ્રોફિટ દેખાતો હતો. ફરિયાદીએ એક હજારથી રોકાણની શરૂઆત કરેલી. ઘણીવાર રુપિયા વિડ્રૉ પણ કરેલાં. ધીમે ધીમે ૨૬ લાખ રૂપિયા જેટલું રોકાણ કરેલું. ત્યારબાદ નાણાં ઉપાડ બંધ થઈ ગયેલો. સાયબર માફિયાઓએ તમે કંપનીના નિયમોમાં ભંગ કર્યો છે અને પેનલ્ટી ભરશો તો ખાતું ફરી ખુલશે અને રૂપિયા ઉપાડી શકશો તેમ કહેલું.
ફરિયાદીએ ટુકડે ટુકડે પેનલ્ટી પેટે ૧૦.૬૫ લાખ રૂપિયા ભર્યાં હતા. ત્યારબાદ પણ ખાતું ખોલવામાં આવ્યું નહોતું અને વિવિધ બહાના કરાયાં હતા.
દરમિયાન, આરોપીઓએ ફરિયાદીને કોઈનબેઝ નામની બીજી એક કંપનીમાં ઓનલાઈન એકાઉન્ટ ખોલી ઈન્વેસ્ટ કરવા અને જૂના ખાતાના રુપિયા પણ ધીમે ધીમે વિડ્રો થઈ શકશે તેમ કહીને તેમાં રોકાણ કરવાની જાળમાં ફસાવ્યો હતો. ફરિયાદીએ બીજી કંપનીમાં ઈન્વેસ્ટ કરેલું અને તેમાં પણ ખાતું બંધ થઈ ગયેલું. ફરી ટેક્સ અને પેનલ્ટીના નામે તેની પાસે ૩૦.૩૭ લાખ રુપિયા ભરાવાયાં હતા. આ રીતે, સાયબર ફ્રોડસ્ટરોએ ૫૬.૪૭ લાખ રૂપિયા હજમ કરી ગયા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Share it on
|