|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ નાણાંકીય રોકાણ પર ઊંચું વ્યાજ મળવાની લાલચ આપીને ગુજરાતભરના અનેક રોકાણકારોના કરોડો રૂપિયા હજમ કરી જનારી અમદાવાદની યુનિક કંપની સામે ભુજમાં વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. કંપનીના એમડી, ચેરમેન, જનરલ મેનેજર સહિત પાંચ લોકોએ ભુજની મહિલા એજન્ટ મારફતે વિવિધ ૧૧૭ રોકાણ સામે પાકતી મુદ્દતે વ્યાજ સહિત આપવાના થતાં ૧ કરોડ ૧૪ લાખ ૭૯ હજાર રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું છે. ભુજની જૂની રાવલવાડીમાં રહેતા મહિલા એજન્ટ ભારતીબેન હેમંતભાઈ શાહે જણાવ્યું કે ૨૦૧૪માં કંપનીના ભુજના એજન્ટ રાજુ ઠક્કર મારફતે તે આ કંપની અને તેની રોકાણની યોજનાઓ અંગે પરિચિત થયેલાં. પોતાના છ લાખ રૂપિયાની એફડી કરવાથી તેમણે શરૂઆત કરેલી બાદમાં એજન્ટ તરીકે જોડાયેલાં.
એજન્ટોને મહત્તમ રોકાણ કરવા લાલચ આપતાં
યુનિક મર્કેન્ટાઈલ ઈન્ડિયા લિમિટેડ અને યુનિક મલ્ટીસ્ટેટ મલ્ટી પર્પઝ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડના ચેરમેન રાજકુમાર કૈલાસ રાય, એમડી રાહુલ રાજકુમાર રાય, ઉત્કર્ષ રાજકુમાર રાય, ઉષા રાજકુમાર રાય અને જનરલ મેનેજર હસમુખ ડોડિયા અવારનવાર ભુજની વિવિધ હોટેલમાં રોકાણકારોની જાગૃતિ માટે સેમિનારનું આયોજન કરતાં. એજન્ટોને મહત્તમ રોકાણ લઈ આવવા બદલ ઊંચું કમિશન મળવા સાથે વિદેશ ટૂર અને ગિફ્ટની લાલચ આપતાં.
ફરિયાદી વતી વિવિધ રોકાણકારોએ કંપનીની ફિક્સ્ડ ડિપોઝીટ, મંથલી ઈન્કમ સ્કિમ, રીકરીંગ ડિપોઝીટમાં ૮૨.૪૫ લાખનું રોકાણ કરેલું. જેની સામે પાકતી મુદ્દતે કંપનીએ ૧ કરોડ ૧૪ લાખ ૭૯ હજાર રૂપિયા ચૂકવવાના થતાં હતા.
અમુક જણને કેવળ ૯.૨૭ લાખ જ પરત મળ્યાં છે. ભુજ બી ડિવિઝન પોલીસે કંપનીના ચેરમેન સહિતના જવાબદાર પદાધિકારીઓ સામે ગુજરાત પ્રોટેક્શન ઈન્ટરેસ્ટ ઑફ ડિપોઝીટર્સ એક્ટ ૨૦૦૩ની કલમ ૩ તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૬ (૨), ૩૧૮ (૩) અને (૪), ૫૪ની કલમો તળે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અગાઉ કચ્છમાં ત્રણ ફરિયાદો નોંધાઈ ચૂકેલી છે
આ કંપની સામે ભૂતકાળમાં પણ ભુજ એ ડિવિઝન, ગાંધીધામ બી ડિવિઝન, અંજાર પોલીસ મથકમાં આ જ પ્રકારે કરોડો રૂપિયાની ઠગાઈની ફરિયાદો દાખલ થયેલી છે. ફરિયાદો અન્વયે આરોપીઓની ધરપકડ પણ થયેલી છે અને પાછળથી આરોપીઓ જામીન પર આઝાદ થઈ ગયેલાં છે.
અમદાવાદની કચેરીએ અગાઉ ભારે હોબાળો થયેલો
આ કંપની સામે અગાઉ જામનગર, મહેસાણા, અમદાવાદ, હૈદ્રાબાદ સહિતના સ્થળોએ છેતરપિંડીની ફરિયાદો નોંધાયેલી છે. અમારી કંપની ૧૧ હોટેલ ધરાવે છે અને વિવિધ વિસ્તારોમાં પ્લોટીંગની સ્કિમ ધરાવે છે તેમ જણાવી કંપની રોકાણકારોને બાટલીમાં ઉતારતી હતી. કોરોનાના લીધે નાણાંભીડ હોવાનું બહાનું આગળ ધરીને કંપની રોકાણકારોના રૂપિયાનું ફૂલેકું ફેરવી નાખેલું. ભૂતકાળમાં અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી કંપનીની ઑફિસમાં રોકાણકારોએ ભારે હોબાળો પણ મચાવ્યો હતો.
Share it on
|