કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાની ઈન્સ્ટાગ્રામ પર જોયેલી ઓનલાઈન એડ પર ભરોસો કરીને ગાંધીધામના ભાઈ-બહેને બે લાખ રૂપિયા ગૂમાવ્યાં છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે બનાવ અંગે ઈન્સ્ટાગ્રામમાં આઈડી બનાવનાર તથા જે UPI એકાઉન્ટમાં નાણાં જમા કરાવાયેલાં તે ચાર ખાતાં વિરુધ્ધ ઠગાઈ, વિશ્વાસઘાત, આઈટી એક્ટ તળે ગુનો નોંધ્યો છે. શિપીંગ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા અમન અભયભાઈ વોરા (સ્કાયપાર્ક એપાર્ટમેન્ટ, સેક્ટર- ૨, ગાંધીધામ)એ ફરિયાદમાં જણાવ્યું કે ૧૧ માર્ચના રોજ તેની નાની બહેન એકતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાની એડવર્ટાઈઝ જોયેલી. બહેને તેમાં આપેલા સંપર્ક નંબરથી ચેટ કરતાં અનુરાગ બાસુ નામની આઈડીમાંથી એડવર્ટાઈઝ અપાયેલી હોવાનું સ્પષ્ટ થયેલું. જાહેરખબર પર ભરોસો રાખીને ફરિયાદીની બહેને પોતાના બેન્ક એકાઉન્ટ ઉપરાંત તેના મિત્રો તથા ફરિયાદીના એકાઉન્ટમાંથી અલગ અલગ દિવસ અને સમયે ૨ લાખ ૫ હજાર રૂપિયા જમા કરાવેલાં. બાદમાં આરોપીએ નાણાં પરત આપવાના બહાના શરૂ કરતાં તેમને ફ્રોડ થયો હોવાનો ખ્યાલ આવ્યો હતો.
Share it on
|