કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ભુજ નજીક આવેલા દેશલપર ગામના વતની અને માધાપર નજીક આવેલા વિલામાં વેઈટરની નોકરી કરતાં ૨૬ વર્ષના યુવકને ગાંધીધામમાં ધોકા મારીને મોતને ઘાટ ઉતારી દેવાયો છે. યુવકની હત્યા કરનારાં બીજાં કોઈ નહીં પરંતુ તેના જ બે ખાસ મિત્રો સહિતના ચાર જણાં છે. આજે બપોરે ૧૨ વાગ્યાના અરસામાં ગાંધીધામના રમતગમત સંકુલના મેદાનમાં ઈજાથી કણસી રહેલો એક યુવક પડ્યો હતો. લોકો પૂછતાં ત્યારે તે કહેતો હતો કે ‘મને શંકર અને નરેશે ધોકાથી માર્યો છે’ આ બયાનનો કોઈકે વીડિયો પણ રેકોર્ડ કરી લીધો હતો. લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો. સૌપ્રથમ તેને રામબાગ હોસ્પિટલ લઈ જવાયો હતો, ગંભીર ઈજા હોઈ યુવકને ભુજ શિફ્ટ કરાતો હતો ત્યારે તેણે દમ તોડી દીધો હતો.
દેશલપરના પાર્થ પોતાનું નામ ગામ જણાવેલું
મરણ જનાર યુવક હોશમાં હતો. પોતે ભુજના દેશલપર ગામનો રહેવાસી હોવાનું જણાવીને પોતાનું નામ પાર્થ ચંદુલાલ મહેશ્વરી હોવાનું જણાવ્યું હતું. પાર્થના શરીર પર દેખીતી ઈજા કે ઉઝરડાં યા લોહી નીકળ્યું હોવાના કોઈ નિશાન નહોતાં. તેના મૃત્યુ અંગે જાણ થતાં જ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ ઈન્સપેક્ટર એમ.ડી. ચૌધરી અને તેમની ટીમ તુરંત એક્શનમાં આવી ગઈ હતી. ઘટના સંદર્ભે પોલીસે પોતાના નેટવર્કને એક્ટિવ કરીને તુરંત બે શકમંદને દબોચી લીધાં હતાં. બનાવ અંગે રાત્રે પોસ્ટમોર્ટમ થયાં બાદ મૃતકના પિતરાઈ ભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે ગુનાહિત કાવતરું ઘડીને હત્યાની કલમો તળે ચાર આરોપી સામે ગુનો નોંધ્યો છે.
શોપિંગના નામે ગાંધીધામ બોલાવી ધોકા માર્યાં
મરણ જનાર પાર્થ અપરિણીત હતો. તે ગાંધીધામ મહેશ્વરીનગરમાં રહેતાં શંકર રામજી મહેશ્વરી અને મુંદરાના મોટી ભુજપુર ગામના નરેશ દેવરાજ ધુવાનો ખાસ મિત્ર હતો. તેમાંય નરેશ અને પાર્થ બેઉ ક્લોઝ ફ્રેન્ડ હતાં. શંકર અને નરેશ બેઉ માસિયાઈ ભાઈઓ છે. ફરિયાદ અને પોલીસના ઈન્વેસ્ટીગેશનમાં પ્રાથમિક તબક્કે ખૂલ્યું છે કે શંકર અને નરેશની ત્રીજી માસીની દીકરી જોડે પાર્થને પ્રેમ સંબંધ હતો. આ સંબંધ મુદ્દે બેઉ જણે પાર્થને અવારનવાર ઠપકો આપ્યો હતો. પરંતુ, પાર્થે તો સુધરવાના બદલે એક આરોપીની ફોઈની દીકરી જોડે પણ સોશિયલ મીડિયા પર ચેટીંગ કરવાનું શરૂ કરી દીધેલું. જાણ થતાં બેઉ માસિયાઈ ભાઈની કમાન છટકી હતી.
મિત્રને સબકઆપવા પ્લાન બનાવ્યો પણ..
પાર્થને સબક આપ્યા વગર તે નહીં જ સુધરે તેમ માનીને નરેશ અને શંકરે તેને ગાંધીધામમાં બોલાવીને ઠમઠોરવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં તેમણે ગાંધીધામના મહેશ્વરીનગરમાં રહેતાં પ્રેમ જીંજીયા અને નિખિલ ઊર્ફે નિક ભર્યા નામના અન્ય બે મિત્રોને સામેલ કર્યાં હતાં. પાર્થને દિવાળીના કપડાંની ખરીદીની બહાને ગાંધીધામ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના મેદાનમાં બોલાવી ચારે જણે તેને મુઢ માર તથા ધોકાથી કૂટ્યો હતો. હુમલામાં ફેફસાં સહિતના અંગોમાં પાર્થને ગંભીર ઈજા થઈ હતી. પોલીસે ગુનાહિત ષડયંત્ર ઘડીને હત્યા કરવા સબબ ચાર સામે ફરિયાદ દાખલ કરી છે.
Share it on
|