click here to go to advertiser's link
Visitors :  
19-Jun-2025, Thursday
Home -> Gandhidham -> Couple robbed by three at Shinay Lake Aadipur Police held accused
Tuesday, 17-Jun-2025 - Aadipur 7338 views
આદિપુરઃ તળાવ પાસે બેસેલા યુગલને પોલીસના નામે દબાવી ત્રિપુટીએ ૨૧૦૦ રૂપિયા પડાવ્યા
કચ્છખબરડૉટકોમ, આદિપુરઃ આદિપુરના શિણાય તળાવની પાળે બેસેલી બૉયફ્રેન્ડ સાથે બેઠેલી યુવતી અને તેના મિત્રને પોલીસના નામે દબાવી, વીડિયો રેકોર્ડ કરી વાયરલ કરવાની ધમકી આપી અજાણી ત્રિપુટીએ બળજબરીપૂર્વક ૨૧૦૦ રૂપિયા કઢાવી લીધાનો બનાવ બહાર આવ્યો છે. રવિવારે રાત્રે ૮ વાગ્યાના અરસામાં બનેલા બનાવ અંગે આદિપુર પોલીસે ગુનો નોંધીને ત્રણ જણને દબોચી લીધાં છે. ૨૧૦૦ રૂપિયા પૈકી ૧ હજાર રૂપિયા ગુગલ પેથી મેળવવા જતાં ત્રિપુટી પોલીસના સકંજામાં આવી ગઈ છે!

આદિપુરની એક હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરતી ૨૦ વર્ષની ફરિયાદી યુવતી તેના બૉય ફ્રેન્ડ જોડે રવિવારે સાંજે રમાડા હોટેલ સામે આવેલા તળાવ કાંઠે ફરવા ગયેલી. બંને તળાવની પાળે બેસીને વાતો કરતા હતા ત્યારે અચાનક કાળાં કપડાં પહેરેલાં ૨૫થી ૩૦ વર્ષની વયના ત્રણ યુવકો હોન્ડા મોટર સાયકલ પર ધસી આવ્યાં હતાં.

‘આઠ વાગ્યા છે, અહીં કેમ બેઠાં છો? પોલીસે અમને આ રીતે બેઠેલાં લોકો વિશે જાણ કરવા કહેલું છે. હમણાં એ ડિવિઝન પોલીસ આવે છે, તમારા માતા પિતાને જાણ કરવામાં આવશે’ કહીને ત્રિપુટીએ યુગલને દબાવવાનું શરૂ કરેલું. એક જણે યુગલનો વીડિયો રેકોર્ડ કરી લીધો.

ફરિયાદી યુવતી અને તેના મિત્રએ ત્રિપુટીને કોઈ મચક આપી નહોતી અને પોલીસ સ્ટેશને લઈ જવાનું કહેતા તેમણે પોલીસ સ્ટેશને આવવાની તૈયારી દર્શાવી હતી.

ત્રિપુટીએ યુવતીના પુરુષ મિત્ર જોડે ગાળાગાળી, બોલાચાલી કરીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પર્સ બતાવવા કહીને તેમાં રહેલા ૧૧૦૦ રૂપિયા પડાવી લીધા હતાં.

આટલેથી સંતોષ ના થતાં તેમણે ફરિયાદી યુવતીનું પર્સ ચેક કરેલું પરંતુ તેમાં રૂપિયા નહોતા. જેથી તેમણે ઓનલાઈન એક હજાર રૂપિયા આપવા જણાવી મોબાઈલ સ્કેનર મારફતે રકમ ટ્રાન્સફર કરવા કહેલું. ગભરાઈ ગયેલી યુવતીએ તેના ફોનથી આરોપીના ખાતામાં ઓનલાઈન એક હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા.

જે એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કર્યાં તે ખાતાનું નામ સલીમ રાજા લખેલું હતું અને મોબાઈલના છેલ્લા ચાર નંબર ડિસ્પ્લે થતા હતા.

બાદમાં ત્રિપુટી બાઈક પર ત્યાંથી જતી રહી હતી.

રાત્રે ફરી રૂપિયા જમા કરાવવા રિક્વેસ્ટ મોકલી

યુવતી ઘરે આવી તો સલીમ રાજાના જીપે અકાઉન્ટથી યુવતીને એક-એક હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દેવાની બે વખત રિક્વેસ્ટ આવેલી. એટલું જ નહીં, અનીસ મલિક નામના અન્ય એક જી-પે એકાઉન્ટથી પણ નાણાં ટ્રાન્સફર કરી આપવા રિક્વેસ્ટ આવેલી પરંતુ યુવતીએ નાણાં જમા કરાવ્યા નહોતાં.

અનીસ મલિકના ખાતામાં તેનું નામ જત મોહમ્મદ અનીસ ગુલમામદ લખેલું હતું અને મોબાઈલના છેલ્લાં ચાર નંબર દેખાતા હતાં.

બનાવ બાદ ગભરાઈ ગયેલી યુવતીએ ગત રાત્રે પોલીસ સ્ટેશને આવી ફરિયાદ લખાવતાં આદિપુર પોલીસ તુરંત હરકતમાં આવી ગઈ હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ત્રણ યુવકોને દબોચી લઈને ગહન પૂછપરછ શરૂ કરી છે.

Share it on
   

Recent News  
સસ્તાં સોનાના નામે ભુજના ૩ ચીટરે રાજસ્થાનના યુવક જોડે ૬૦ લાખ રૂપિયાની ઠગાઈ કરી
 
કંડલામાં ટ્રકો પાસેથી ઉઘરાણાં કરતો કસ્ટમનો હેડ હવાલદાર ACBના છટકામાં સપડાયો
 
અંધશ્રધ્ધામાં ડૂબેલાં પડોશીએ તાંત્રિક વિધિ કરવા PIના માવતરની હત્યા સાથે લૂંટ કરી