કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ રંગોના પર્વ ધુળેટીના દિવસે આદિપુરના શિણાય ડેમમાં નહાવા ગયેલી પરિણીતા અને તેનો પરિચિત યુવક બેઉ અકસ્માતે ડૂબી જતાં મૃત્યુ પામ્યાં છે. દુર્ઘટના ગત સાંજે ચાર કલાકના અરસામાં બની હતી. લીલાશા સર્કલ પાસે આવેલા ફ્લેટમાં રહેતી મોનિકા સાજનભાઈ રાજપૂત (૨૪), આદિપુરના વૉર્ડ નંબર ૬-બી, સંત કંવરનગરમાં રહેતો પ્રશાંત દીપકભાઈ ફૂલે (૨૬) તથા મોનિકાની સહેલી સહિત ત્રણે જણ શિણાય ડેમમાં નહાવા પડ્યાં હતાં. થોડીકવાર બાદ મોનિકા અને પ્રશાંત અચાનક પાણીમાં ગાયબ થઈ જતાં મોનિકાની સહેલીએ અન્ય લોકોને જાણ કરી હતી. ઘટના બાદ તરવૈયાઓએ પાણીમાં પડીને સૌપ્રથમ મોનિકાના મૃતદેહને બહાર કાઢ્યો હતો. ઘણી શોધખોળ બાદ રાત્રે આઠના અરસામાં ડેમના પાણીમાંથી પ્રશાંતની લાશ પણ મળી આવી હતી. આદિપુર પોલીસે જણાવ્યું કે મોનિકાનો પતિ સાજન રોજગાર અર્થે સાઉદી અરેબિયામાં કામ કરે છે. બનાવ અંગે પોલીસે એક્સિડેન્ટલ ડેથની નોંધ પાડી તપાસ હાથ ધરી છે.
Share it on
|