કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ૩૦ લાખ રૂપિયામાં બે માળનું મકાન વેચીને ચાર મહિના બાદ ફરી તે જ મકાનના ગ્રાઉન્ડ ફ્લૉર પર ધામા નાખનાર દંપતી સામે લેન્ડગ્રેબિંગ એક્ટ તળે ફોજદારી ફરિયાદ નોંધાઈ છે. ગાંધીધામના ગળપાદરના ભવાનીનગરની ઘટના અંગે કલેક્ટરના હુકમ બાદ ગુનાનો ભોગ બનનાર મહિલાએ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. નિવૃત્ત આર્મીમેન દિનેશ યાદવના પત્ની રાગિણદેવીએ ગત જાન્યુઆરી માસમાં ગળપાદરના સર્વે નંબર ૧૨૯ પર વસેલાં ભવાનીનગરના પ્લોટ નંબર ૧૦૧/A પર બનેલું ડુપ્લેક્સ ગજેન્દ્રસિંઘ દિવાનસિંઘ સિસોદીયા પાસેથી ૩૦ લાખમાં ખરીદયું હતું. રાગિણીદેવીના નામે બનેલાં દસ્તાવેજમાં ડુપ્લેક્સની ખરીદ કિંમત ૨૩.૬૦ લાખ દર્શાવાઈ હતી. બાકીના ૬.૪૦ લાખ રૂપિયા તેમણે ગજેન્દ્રને અલગથી ચૂકવી આપેલાં.
દસ્તાવેજ અને પેમેન્ટ થયાં બાદ ગજેન્દ્ર મકાનનો સંપૂર્ણ કબજો વેચનારને સુપ્રત કરી પત્ની વિમલેશદેવી સાથે ઉત્તર પ્રદેશ ચાલ્યો ગયો હતો. અચાનક મે માસમાં ગજેન્દ્ર અને તેની પત્ની ફરી આવ્યાં હતા અને ગ્રાઉન્ડ ફ્લૉરના રૂમના તાળાં તોડી તેમાં બળજબરીપૂર્વક રહેવા માંડ્યાં હતાં.
મકાન ખાલી કરવા તેને અવારનવાર કહ્યું પરંતુ તેણે કશી પરવા ના કરી. આ મામલે રાગિણીદેવીએ લેન્ડગ્રેબિંગ એક્ટ તળે કલેક્ટરને અરજી કરેલી. જેમાં ગેરકાયદે કબજો ધરાવતા ગજેન્દ્ર અને તેની પત્ની સામે ફોજદારી ફરિયાદ નોંધાવવા હુકમ થયો હતો.
Share it on
|