કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામમાં પાર્સલ ટ્રાન્સપોર્ટ પેઢી મારફતે રાજસ્થાનના જોધપુરથી ત્રણ પાર્સલ મારફતે મિનરલ વૉટર અને સોફ્ટ ડ્રિંક્સની પ્લાસ્ટિકની બાટલીઓમાં ૧.૧૧ લાખની કિંમતનો ૬૪.૨૫ લીટર ઈંગ્લિશ શરાબ પકડાવાના મામલે નવો ખુલાસો થયો છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે પકડેલો હલકી ક્વૉલિટીનો સસ્તો દારૂ હકીકતે મોંઘી બ્રાન્ડની વિદેશી સ્કૉચ વ્હિસ્કીની ખાલી બાટલીઓમાં રીફીલ કરીને કમાવાનો નુસ્ખો હતો તેવું તપાસમાં બહાર આવ્યું છે.
સોમવારે પોલીસે દારૂ ભરેલાં ત્રણ પાર્સલ જપ્ત કરેલાં
ગાંધીધામ બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ગાંધીધામ જીઆઈડીસીમાં કચ્છ હાઈવે ટ્રાન્સપોર્ટ પેઢી મારફતે જોધપુરથી ઈંગ્લિશ શરાબના ત્રણ પાર્સલ મગાવી તેને લઈ જવા માટે રીક્ષાની રાહ જોઈ રહેલા ૩૭ વર્ષિય મહેન્દ્રસિંહ ઊર્ફે મુન્નો અરવિંદસિંહ જાડેજા (રહે. રવેચીનગર, અંતરજાળ, આદિપુર)ને પાર્સલ સાથે ઝડપ્યો હતો.
પાર્સલની તલાશી લેતાં તેમાંથી એક લીટર અને સવા બે લીટરની મિનરલ વૉટર તથા સોફ્ટ ડ્રિંક્સની પ્લાસ્ટિકની પારદર્શક બાટલીઓમાં ઈંગ્લિશ દારૂ ભરેલો હોવાનું માલૂમ પડેલું.
દારૂ ભરેલી આ બાટલીઓ જોધપુરથી મનોહરસિંહ પ્રેમસિંગ નામના શખ્સે મોકલી હતી. પોલીસે ૫૮ બોટલોમાંથી ૧.૧૧ લાખની કિંમતનો ૬૪.૨૫ લીટર ઈંગ્લિશ શરાબ જપ્ત કરી મુન્ના અને મનોહરસિંહ સામે ગુનો દાખલ કર્યો હતો.
પૂછપરછમાં કારસ્તાનનો થયો પર્દાફાશ
પાણી અને ઠંડા પીણાંની ખાલી બોટલોમાં આ રીતે ઈંગ્લિશ દારૂ ભરીને કેમ કચ્છમાં મોકલવામાં આવ્યો તે પ્રશ્ન પોલીસને મૂંઝવતો હતો. પોલીસે મુન્નાની ધરપકડ બાદ ગહન પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે મોંઘી બ્રાન્ડના વિદેશી શરાબની ખાલી બાટલીઓમાં પોલીસે ઝડપેલો સસ્તાં ભાવનો દારુ ભરીને, તે બાટલીઓને ઊંચા ભાવે વેચવાનો પ્લાન હતો.
પ્લાન મુજબ ચાર દિવસ અગાઉ મનોહરસિંહે આ જ ટ્રાન્સપોર્ટ પેઢી મારફતે વિવિધ ઊંચી બ્રાન્ડના શરાબની ૧૯૮ ખાલી બાટલીઓના ત્રણ પાર્સલ પણ મોકલ્યાં હતાં.
પોલીસે તે ખાલી બાટલીઓ પણ જપ્ત કરી છે. પીઆઈ એસ.વી. ગોજીયા, પીએસઆઈ એન.બી. બામ્ભા અને સર્વેલન્સ સ્ટાફે આ સફળ કામગીરી કરી છે.
Share it on
|