click here to go to advertiser's link
Visitors :  
21-Jul-2026, Tuesday
Home -> Bhachau -> Two Jailed for 3 Years over 47.93 Lakh Electricity Theft in Salt Unit at Bhachu
Monday, 20-Jul-2026 - Bhachau 3334 views
મીઠાના કારખાનામાં ૪૭.૯૩ લાખની વીજ ચોરીના ગુનામાં બે જણને ૩ વર્ષની સખ્ત કેદ
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ પોણા પાંચ વર્ષ અગાઉ ભચાઉના બાનિયારીમાં આવેલા મીઠાના કારખાનામાં ૪૭.૯૩ લાખની વીજચોરી કરતાં પકડાયેલાં કારખાનેદાર સહિત બે જણને ભચાઉની ખાસ કૉર્ટે ૩ વર્ષની સખ્ત કેદ સાથે ૫૨.૮૧ લાખનો દંડ ભરવા હુકમ કર્યો છે. સામાન્ય રીતે વીજ ચોરીના મોટાભાગના કેસોમાં આરોપીઓ સામેનો કેસ વિવિધ ટેકનિકલ કારણોસર સિધ્ધ થતો નથી ત્યારે આ ચુકાદો મહત્વપૂર્ણ છે.

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડની ટીમ દ્વારા ૫ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ બાનિયારી ગામે સર્વે નંબર ૩૫૫/૨૩માં કાર્યરત NRGP સોલ્ટ નામના મીઠા કારખાનામાં ચેકીંગ કરાયું હતું. ફેક્ટરીના વીજ મીટરને ચેડાં કરીને રીડીંગ બંધ કરી દઈ ડાયરેક્ટ વીજ પ્રવાહ મેળવાતો હોવાની ગેરરીતિ તપાસમાં બહાર આવેલી.

વીજ તંત્રએ પપ્પુ શંભુ વીરડા (આહીર) (રહે. ગળપાદર, ગાંધીધામ) અને લક્ષ્મણ ઊર્ફ બાબુભાઈ અરજણભાઈ વાઘેલા (રહે. બુઢારમોરા, અંજાર) વિરુધ્ધ ૪૭.૯૩ લાખની વીજ ચોરી અને  ૪.૮૮ લાખના કંપાઉન્ડીંગ ચાર્જ સાથે ૫૨.૮૧ લાખ રૂપિયા ભરવા જણાવી વીજ ચોરી બદલ ગુનો દાખલ કર્યો હતો.

આ કેસમાં આજે ૯ સાક્ષી અને ૪૨ દસ્તાવેજી પુરાવાના આધારે ભચાઉના બીજા અધિક સેશન્સ જજ તથા ખાસ ઈલેક્ટ્રીસીટી કૉર્ટના જજ ભરત એલ. ચૌઈથાણીએ ધી ઈન્ડિયન ઈલેક્ટ્રીસીટી એક્ટની કલમ ૧૩૫ અને ૧૫૦ હેઠળ બેઉને દોષી ઠેરવીને ૩ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. સજા સાથે કૉર્ટે બેઉ જણને ૫૨.૮૧ લાખનો દંડ ભરવા હુકમ કર્યો છે.

વીજ ચોરીનો ગુનો કેવળ આર્થિક લાભ કે હાનિ પહોંચાડતો ગુનો નહીં પરંતુ દેશના વિકાસને વિપરીત અસર કરતો, સમાજને ગંભીર અસર પહોંચાડતો ગુનો હોવાની કૉર્ટે ચુકાદામાં ટીપ્પણી કરી છે.

ભચાઉના અધિક જિલ્લા સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજાએ સરકાર તરફે કેસની પેરવી કરી હતી.

Share it on
   

Recent News  
ભુજના યુવકે ગાંધીનગરની લેડી પ્રોફેસરનો વિશ્વાસ કેળવીને ૧૩.૩૭ લાખની ઠગાઈ કરી
 
પરિવારની મરજી વગર ભાગીને લગ્ન કરનારી સોનમને પતિ સુલતાને ઢોર માર મારી મોત આપ્યું
 
પગ બાંધી, કોથળામાં પેક કરી નાળામાં ફેંકાયેલી લાશના કેસનું પગેરું બિહાર લંબાયું