|
કચ્છખબરડૉટકોમ, અંજારઃ જૂલાઈ ૨૦૨૩માં વચેટિયા વતી ગાંધીધામના લાકડાના વેપારી પાસેથી એક લાખ રૂપિયાની લાંચ લેવાના ગુનામાં ઝડપાયેલા અંજારના તત્કાલિન રેન્જ ફોરેસ્ટ ઑફિસર (ક્લાસ 2) જીતુ બટુકભાઈ ઝીંઝાળા વિરુધ્ધ એસીબીએ વધુ એક ફરિયાદ દાખલ કરી છે. લાંચ કેસમાં ઝડપાયાં બાદ એસીબીએ આરએફઓ જે.બી. ઝીંઝાળા (ઉ.વ. ૩૫, રહે. હાલ ગળપાદર, ગાંધીધામ મૂળ રહે. તળાજા, ભાવનગર)ની સંપત્તિની તપાસ કરતા ઝીંઝાળાએ આવકની તુલનાએ ૧૦૦ ટકાથી વધુ અપ્રમાણસર સંપત્તિ વસાવી હોવાનું સ્પષ્ટ થયું છે. ગાંધીધામ એસીબી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એલ.એસ. ચૌધરીએ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના સુપરવિઝનમાં બે વર્ષ સુધી ગહન તપાસ કર્યા બાદ ઝીંઝાળા વિરુધ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરીને ઝીંઝાળાની ધરપકડ કરી છે.
તપાસમાં બહાર આવ્યું હતું કે ઝીંઝાળા અને તેની પત્નીના ખાતામાં સરકારી વેતન પેટે જમા થયેલી રકમ સામે વધુ રોકડ રકમ જમા થઈ હતી. કેટલુંક રોકાણ શેર માર્કેટમાં કર્યું હોવાનું સ્પષ્ટ થયેલું.
ગુનાની તપાસ પાટણ એસીબી પીઆઈ એમ.જે. ચૌધરીને સુપ્રત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે જૂલાઈ ૨૦૨૩માં ગાંધીધામમાં લાકડાના વેપારીના ગોડાઉનમાં તપાસ કરીને વન વિભાગની મંજૂરી વગર કેટલુંક મટિરિયલ રાખીને વેપારી તેનું વેચાણ કરતો હોવાનો દમ મારીને ઝીંઝાળાએ વચેટિયા ધવલ પ્રજાપતિ મારફતે એક લાખની લાંચ માગેલી. એસીબીએ ટ્રેપ ગોઠવીને બેઉને ઝડપી પાડેલાં.
આ ગુનામાં વન વિભાગે ઝીંઝાળાને સસ્પેન્ડ કરી દાહોદમાં બદલી કરી નાખી હતી.
પૂર્વ કચ્છ વન વિભાગનો આ બીજો આરએફઓ અપ્રમાણસર મિલકત ધરાવવા બદલ એસીબીના ગુનામાં ફીટ થયો છે. અગાઉ ૨૦૧૮માં નિવૃત્ત આરએફઓ આર.એમ. આહીર વિરુધ્ધ પણ અપ્રમાણસર મિલકત ધરાવવા સબબ Disproportionate Assets DA Case દાખલ થયેલો.
Share it on
|