|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ગુજરાતીમાં કહેવત છે કે ‘ઘર હોય ત્યાં વાસણ ખખડે’ તેમાં’ય વાત કોઈ રાજકીય પક્ષની હોય તો એકમેકના ટાંટિયા ખેંચવાની કળા જ જાણે કે પ્રગતિનો માપદંડ બની જતો હોય છે! શિસ્તબધ્ધ અને કેડરબેઝ્ડ ગણાતી ભારતીય જનતા પાર્ટીના કચ્છ જિલ્લાના સંગઠનમાં જિલ્લા કક્ષાના બે હોદ્દેદારો વચ્ચે પ્રવર્તતો આંતરિક ડખો આજે ખૂલીને સૌની સામે આવી ગયો હતો. બપોર બાદ ભુજમાં પાર્ટીના જિલ્લા કાર્યાલય કમલમમાં હોદ્દેદારોની બેઠક યોજાયેલી તે સમયે બે હોદ્દેદારો વચ્ચે જાહેરમાં શાબ્દિક બોલાચાલી થયેલી. એક હોદ્દેદારે ચેમ્બરમાંથી બહાર આવીને તેમની જ સમકક્ષના પદાધિકારીની મા બેનને ઉદ્દેશીને ભૂંડી ગાળો ભાંડી ઝઘડો કરવા માંડતા હાજર સૌ આગેવાનો હતપ્રભ થઈ ગયાં હતા.
જો કે, સમય વર્તે સાવધાન થઈને બે-પાંચ મિનિટમાં જ મામલો સમેટી લેવાયો હતો. હોદ્દેદારે બબાલ કરતાં એક જણનું બીપી વધી ગયું હતું. સમગ્ર મામલે કચ્છખબરે જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદને પૂછતાં તેમણે આવો કોઈ બનાવ બન્યો હોવાનો જ ઈન્કાર કર્યો હતો.
બીજી તરફ, થોડાંક દિવસો અગાઉ યોજાયેલી સરદાર એકતા યાત્રામાં ભુજ તાલુકા સંગઠનના લેવા પટેલ સમાજની બહુમતિ ધરાવતા માધાપર અને માનકૂવા ગામના બે અગ્રણી પટેલ આગેવાનો વચ્ચે થયેલો ડખો પણ ચર્ચાની એરણે ચડ્યો છે. સત્તાધારી પાર્ટીના આગેવાનો વચ્ચેનો આંતરિક કલહ કચ્છ ભાજપમાં બધુ સમુસૂતરું ના હોવાનો નિર્દેશ આપી રહ્યો છે. આગામી ચૂંટણીઓમાં આ આંતરિક કલહ પક્ષને નુકસાન કરશે તેવી આશંકા જાણકારોએ વ્યક્ત કરી છે. હાલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહ મંત્રી કચ્છ આવ્યાં છે, રવિવારે મુખ્યમંત્રી ભુજ આવી રહ્યાં છે અને તેમના હસ્તે ભુજમાં કરોડોના વિકાસકામોના ખાતમુહૂર્ત થવાના છે ત્યારે સપાટી પર તરી આવેલો આ આંતરિક ડખ્ખો ઘણી બધી બાબતો સૂચવી રહ્યો છે.
Share it on
|