|
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ જામીન પર છૂટીને ફરી દારૂ વેચવાનો ધંધો કરતા રાપરના ફતેહગઢના રીઢા બૂટલેગર ગંગારામ વેરશી કોલી સામે વધુ એક ગુનો નોંધાતા પોલીસે તેના બબ્બે જામીન રદ્દ કરાવ્યાં છે. ૦૭-૦૧-૨૦૨૪ના રોજ રાપર પોલીસે ફતેહગઢથી મોવાણા જતા રોડ પર આવેલી વાડીની ઓરડીમાંથી ૧.૬૫ લાખનો વિદેશી શરાબ બિયરનો જથ્થો જપ્ત કરેલો. જેમાં કૉર્ટે તેને ૨૦-૦૪-૨૦૨૪ના રોજ ફરી આવો ગુનો નહીં આચરવાની શરતે જામીન પર મુક્ત કરેલો. ત્યારબાદ, ૦૮-૦૩-૨૦૨૫ના રોજ ૨.૭૭ લાખના દારૂના ગુનામાં ફરી ગંગારામ રાપર પોલીસના ચોપડે ચઢેલો. આ ગુનામાં ૦૧-૦૪-૨૦૨૫ના રોજ ભચાઉ કૉર્ટે તેને દર મહિનાની પહેલી તારીખે રાપર પોલીસ મથકમાં હાજરી પૂરાવવા અને તપાસમાં સહકાર આપવાની શરતે આગોતરા જામીન આપેલાં.
આગોતરા મેળવ્યા બાદ ગંગારામ પોલીસ સ્ટેશનમાં નિયત તારીખે હાજર થયો નહોતો. તેને ત્રણવાર નોટિસ પાઠવાયેલી પરંતુ તેનો જવાબ આપવાની પણ તસ્દી ના લઈને આગોતરાની શરતોનો ભંગ કરેલો. જેથી, ગુનાની તપાસ કરી રહેલી લાકડીયા પોલીસે બંને ગુનામાં તેને મળેલા જામીન રદ્દ કરવા અરજી કરેલી.
ભચાઉના ત્રીજા અધિક સેશન્સ જજ અંદલિપ તિવારીએ અરજીને ગ્રાહ્ય રાખતાં જણાવ્યું કે જામીન રદ્દ કરવા તે કઠોર નિર્ણય છે, કારણ કે તે વ્યક્તિ સ્વાતંત્ર્યને અવરોધે છે. પરંતુ, કેસની હકીકત જોતાં આરોપીએ શરતોનો ભંગ કર્યો છે. તેથી જામીન રદ્દ કરવામાં આવે છે.
Share it on
|