|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામના કાર્ગો ઝૂંપડામાં ૩૮ દિવસ અગાઉ ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરનારી ૨૧ વર્ષિય યુવતીએ પ્રેમીના ત્રાસથી આપઘાતનું અંતિમ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. મૃતકની માતાએ પ્રેમી સામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે દીકરીને ત્રાસ આપી મરવા માટે મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે. મરણ જનાર કિંજલ નરેશભાઈ શ્રીમાળી ઘરમાં સૌથી મોટી દીકરી હતી. કિંજલ ફ્રી ટ્રેડ ઝોનની કંપનીમાં કામ કરતી હતી. બેએક વર્ષથી તેને ગાંધીધામની સુંદરપુરીમાં રહેતા વિશાલ જલાભાઈ પરમાર નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. માતાએ અગાઉ તેને વિશાલ જોડે સંબંધ ના રાખવા ઠપકો પણ આપ્યો હતો.
મોબાઈલ ફોનના લીધે પરિવારને ખબર પડી
૨૪ ઓક્ટોબરની રાત્રે કિંજલે અગમ્ય કારણોસર ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃત્યુના થોડાં દિવસો બાદ પરિવારજનોએ કિંજલનો મોબાઈલ ફોન ચેક કરતાં ‘માય હાર્ટ’ના નામે સેવ થયેલો વિશાલનો નંબર જોવા મળ્યો હતો.
કિંજલે જુદા જુદા દિવસ અને સમયે વિશાલને યુપીઆઈથી ઓનલાઈન ટુકડે ટુકડે ૨૪ હજાર ૩૮૨ રૂપિયા ટ્રાન્સફર કર્યાં હોવાનું સ્પષ્ટ થયેલું.
કિંજલની માતા રમીલાબેને વિશાલ સામે નોંધાવેલી ફરિયાદમાં આરોપ કર્યો છે કે તે તેમની દીકરી પાસે અવારનવાર રૂપિયા માંગીને હેરાન પરેશાન કરતો હતો. તેના ત્રાસથી કંટાળીને કિંજલે મોતને મીઠું કરી લીધું હતું.
Share it on
|