|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ કચ્છમાં કરોડો રૂપિયાનો જથ્થાબંધ દારુ મગાવીને છૂટક પોઈન્ટો પર સપ્લાય કરતા નામચીન લિસ્ટેડ બૂટલેગર પુનો ભાણા ભરવાડે ધંધાકીય હિસાબમાં પોતાના સાગરીતનું ‘મોબ લિન્ચીંગ’ કરી ઘાતકી હત્યા કરી નાખી છે. મરનાર વિજય શિવરામ કાપડી (બાવાજી) (રહે. આડેસર, રાપર)ને રાજસ્થાન મળવા બોલાવીને પાલી ટોલનાકા નજીક બાવળની ઝાડીઓમાં લઈ જઈ પુના અને તેના સાગરીતોએ ધોકા તથા પાઈપો મારીને મરણતોલ ઢોર માર માર્યો હતો. ઘટના અંગે વિજયના મોટા ભાઈ અજય કાપડી (રહે. માધાપર, ભુજ)એ ગત મોડી રાત્રે આડેસર પોલીસ મથકે ફોરચ્યુનર કારમાં પોતાના સાગરીતો સાથે આવેલા પુના ભરવાડ તથા ક્રેટા કારમાં આવેલા અન્ય ચાર સાગરીતો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩ (૨) (પાંચ કે તેથી વધુ લોકોના ટોળાં દ્વારા અંગત અદાવત અથવા ધર્મ, જાતિ, ભાષાના ભેદભાવના આધારે કરાતી હત્યા), કલમ ૧૨૬ (૨) (ગેરકાયદે ગોંધી રાખવો) કલમ ૬૧ (૨) (ગેરકાયદે કૃત્ય આચરવા બે કે તેથી વધુ લોકો દ્વારા ગુનાહિત કાવતરું રચવું) હેઠળ ફરિયાદ નોંધાવી છે. જેની હત્યા થઈ છે તે વિજય કાપડી સામે પણ દારૂબંધીને લગતાં વિવિધ ગુના નોંધાયેલાં છે.
મરનારે ભાઈને કહેલું કે પુનો બોલાવે છે, જવું જ પડશે
ફરિયાદી અજયે પોલીસને જણાવ્યું કે ૧૪ જૂને વિજયે તેને ફોન કરીને જણાવેલું કે ‘ધંધાનો હિસાબ કરવા માટે પુનો તેને રાજસ્થાન રૂબરૂ આવવા માટે દબાણ કરતો હોઈ તેને જવું પડે તેમ છે’ ફરિયાદીએ વિજયને તેના મિત્ર મહાવીરસિંહ ચનુભા સોઢાને સાથે લઈ જવા સૂચન કરેલું.
વિજય અન્ય મિત્રો સાથે મથુરા, મનાલી ફરેલો
ત્યારબાદ રાજસ્થાન થઈ પંજાબ- હિમાચલ પ્રદેશ ફરવા જઈ રહેલાં હરેશ સુસરા (ભરવાડ) (રહે. પલાંસવા), કાના ભરવાડ (રહે. ગાગોદર), રમેશ ભરવાડ (માણાબા), બાબુ ભરવાડ (રહે. ગેડી) સાથે કિઆ કારમાં બેસીને વિજય અને મહાવીરસિંહ પણ ફરવા નીકળેલાં. સૌએ વૃંદાવન, મથુરા, મનાલી, વાઘા બોર્ડર, અમૃતસર સુવર્ણ મંદિર ખાતે પ્રવાસ કરેલો અને પરત ફરતી વખતે ૨૦ જૂનની પરોઢે સાડા છના અરસામાં રાજસ્થાનના ઓમ બન્ના ખાતે દર્શન કરવા નીકળેલાં.
પાલી ટોલનાકા નજીક પુનો સાગરીતો સાથે ઊભેલો
ઓમ બન્ના જતી વખતે પાલી ટોલનાકા નજીક સફેદ ફોરચ્યુનર કાર અને ક્રેટા કારમાં પોતાના સાગરીતો સાથે આવેલો પુનો ભરવાડ વિજય કાપડીની રાહ જોતો ઊભો હતો. વિજય કાપડી અને મહાવીરસિંહ બેઉ ત્યાં ઉતરી ગયેલાં અને બાકીના લોકો ઓમ બન્નાના દર્શન કરવા નીકળી ગયેલાં. પુનાએ વિજયને તેની સાથે ફોરચ્યુનર કારમાં બેસાડેલો અને મહાવીરને ક્રેટા કારમાં બેસાડેલો. બાદમાં તેઓ ગાડીઓને થોડેક આગળ બાવળની ઝાડીઓ તરફ લઈ ગયેલાં.
કોઈ પૂછે તો કહેજે કે વિજયનો એક્સિડેન્ટ થયો છે, નહિતર
ફોરચ્યુનરમાંથી વિજયને બહાર કાઢી પુના અને તેના સાગરીતોએ બાવળની ઝાડીઓમાં લઈ જઈને પાઈપ ધોકાથી ઢોર માર મારી ફેંકી દીધો હતો. ત્યારબાદ ક્રેટા કારમાં બેસેલાં મહાવીર પાસે આવીને પુનાએ તેને ફોન અને પાંચ હજાર રૂપિયા આપીને જણાવેલું કે ‘વિજયને આગળ ઉતારતાં જઈએ છીએ. તેને હોસ્પિટલે લઈ જજે. કોઈ પૂછે તો વિજયને માર માર્યો છે તેવું બોલતો નહીં, તેને એક્સિડેન્ટ થયો છે તેમ કહેજે નહિંતર તારા હાલ પણ વિજય જેવા થશે’
થોડેક આગળ રોડની સાઈડમાં વિજય ગંભીર હાલતમાં પડ્યો હતો. પુનો અને તેના સાગરીતો મહાવીરને ક્રેટા કારમાંથી ઉતારીને જતા રહેલાં. મહાવીર જે ક્રેટા કારમાં બેઠેલો તેમાં મોંઢે બુકાની પહેરીને ચાર જણાં બેઠેલાં. તે સૌ ગુજરાતીમાં વાતો કરતાં હતા.
મહાવીરે હાઈવે ઑથોરિટીની એમ્બ્યુલન્સ બોલાવી વિજયને પાલીની સરકારી હોસ્પિટલે ખસેડેલો. ફરિયાદીને ફોન કરીને વિજયને એક્સિડેન્ટ થયો હોવાની જાણ કરેલી. આ દરમિયાન અન્ય એક બૂટલેગર દેવેન્દ્ર ઊર્ફે દેવો ખોડીદાસ કાપડી કે જે થોડાંક સમય અગાઉ રાપર સબ જેલમાં મોબાઈલ ફોન સાથે ઝડપાયેલો તેનો ફોન આવેલો અને વિજયને શું થયું છે? તેવી પૂછપરછ કરેલી.
સારવાર દરમિયાન અમદાવાદમાં વિજયનું મોત
ઈજા ગંભીર હોઈ વિજયને એમ્બ્યુલન્સમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયેલો અને માધાપરથી ગાડી લઈને પાલી જવા નીકળેલો વિજયનો ભાઈ પાલનપુરથી એમ્બ્યુલન્સમાં બેઠેલો. રસ્તામાં વિજયે પુના અને તેના માણસોએ પોતાને ધોકા પાઈપથી ઢોર માર્યો હોવાનું જણાવેલું. જો કે, પુનાની બીકથી તેમણે હોસ્પિટલમાં વિજયને અકસ્માતમાં ઈજાઓ થઈ હોવાનું જણાવેલું. ગંભીર હાલતમાં વિજયને અમદાવાદની એઈમ્સમાં ખસેડાયેલો જ્યાં સોમવારની સાંજે ૪ વાગ્યે તેનું મૃત્યુ નીપજ્યું હતું.
Share it on
|