|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગત મધરાત્રે બાતમીના આધારે મુંદરાના પ્રતાપપર-૧ ગામની સીમમાં આવેલા તળાવકાંઠે બાવળની ઝાડીઓમાં દરોડો પાડીને વિવિધ બ્રાન્ડના શરાબ અને બિયર મળી ૧૫.૪૦ લાખની કિંમતનો ઈંગ્લિશ દારૂ જપ્ત કર્યો છે. માંડવી મુંદરાના લિસ્ટેડ બૂટલેગર દેવરાજ ગોપાલ ગઢવી (રહે. ભક્તિનગર, કલવાણ રોડ, માંડવી)એ અન્ય રાજ્યમાંથી દારૂ મગાવીને અહીં ઉતાર્યો હોવાનું તથા આ દારૂ અન્ય વાહનોમાં સગેવગે કરાતો હોવાની બાતમીના આધારે પોલીસ ત્રાટકી હતી. LCB હાથ ઘસતી રહી ગઈ ને સૌ બૂટલેગર ફરાર
LCBના આગમનની ગંધ આવી ગઈ હોય તેમ પોલીસ ત્યાં ત્રાટકે તે પહેલાં જ હાજર બૂટલેગરો અને મજૂરો અંધારામાં બે ટ્રક, બે કાર અને એક બાઈકને સ્થળ પર પડતાં મૂકીને ગાયબ થઈ ગયાં હતા. દેવરાજ પોલીસની નજર સામે જ કાળા રંગની સ્કોર્પિયો કારમાં નાસી ગયો હતો અને પોલીસ હાથ ઘસતી રહી ગઈ હતી!
૧૫.૪૦ લાખનો શરાબ જપ્ત કરાયો
પોલીસે સ્થળ પરથી તેમજ ત્યાં પડેલાં વિવિધ પાંચ વાહનોમાંથી ૧૩ લાખ ૪૦ હજાર ૭૦૦ના મૂલ્યની વિવિધ બ્રાન્ડ અને સાઈઝની વ્હિસ્કીની ૫૭૭૨ નંગ બાટલીઓ તથા ૧ લાખ ૯૯ હજાર ૫૪૮ રૂપિયાની કિંમતના બિયરના ૧૫૮૪ નંગ ટીન મળીને કુલ ૧૫ લાખ ૪૦ હજાર ૨૮૪ રૂપિયાનો શરાબનો જથ્થો જપ્ત કર્યો છે.
સ્થળ પરથી દારૂ ભરેલાં આ પાંચ વાહનો પકડાયાં
જે ટાટા ટ્રકમાં દારૂ લવાયેલો તે ટ્રકનો નંબર GJ-12 AT-6580 છે. આ ટ્રકનો માલિક માંડવીના બાગ ગામનો સિકંદર હુસેન સુમરા હોવાનું તથા ટ્રકમાંથી બાગના રિયાઝ રઝાક સુમરાનું ડ્રાઈવીંગ લાયસન્સ મળી આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે. એ જ રીતે, GJ-11 VV-5008 નંબરની આઈશર ટ્રકનો માલિક અંજારના વરસામેડી પાસે આવેલી અંબાજી સીટીમાં રહેતો ગણેશ ચેતન રામ છે. સફેદ રંગની અર્ટિકા કાર નંબર GJ-12 BR-7787નો માલિક વિજયનગર, અંજારનો ગૌતમ ભીમજી થારૂ છે. સફેદ ક્રેટા કાર નંબર GJ-12 DS-6242નો માલિક કનૈયા દેવરાજ ગઢવી છે. હિરો હોન્ડા નંબર GJ-12 HE-3453નો માલિક મોટી ભુજપુરનો જશરાજ લધા રામાણી હોવાનું પોલીસે ફરિયાદમાં નોંધ્યું છે.
સૂત્રધાર ઉપરાંત વાહનમાલિકો ડ્રાઈવરો સામે ગુનો
LCBએ દારૂ ઉપરાંત ૩૯.૫૦ લાખની કિંમતના પાંચે વાહનો, વાહનોમાંથી મળી આવેલાં ૨૦ હજારના બે મોબાઈલ ફોન મળી કુલ ૫૫.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી દેવરાજ ગઢવી તથા વાહનોના માલિકો અને ડ્રાઈવરો સામે પ્રોહિબિશનની એક્ટની વિવિધ ધારાઓ તળે મુંદરા પોલીસ મથકે સરકાર તરફે ગુનો દાખલ કરાવ્યો છે. દરોડાની કામગીરીમાં LCB પીઆઈ એ.એમ. મકવાણા, પીએસઆઈ એમ.એચ. શીણોલ, ASI પ્રદ્યુમનસિંહ ગોહિલ, અનિરુધ્ધ રાઠોડ, હેડ કોન્સ્ટેબલ મુળરાજ ગઢવી, લીલાભાઈ દેસાઈ, રાજદીપ ગોહિલ વગેરે જોડાયાં હતા.
Share it on
|