|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગુજરાતમાં ઘટતાં ગુનાઓમાં પોલીસની નબળી તપાસ, સરકારી વકીલ વચ્ચે તાલમેલનો અભાવ સહિતના વિવિધ પરિબળોના લીધે ગંભીર ફોજદારી કેસોમાં આરોપીઓ નિર્દોષ છૂટી જવાનું પ્રમાણ વધ્યું છે. જેના પગલે ગુજરાત સરકાર ચોંકી ઉઠી છે અને ગૃહ વિભાગે દરેક જિલ્લામાંથી આરોપીઓ નિર્દોષ છૂટી ગયાં હોય અને સજા પામ્યાં હોય તેવા પાંચ પાંચ કેસોની ફાઈલ મગાવીને કન્વિક્શન રેટ વધારવા માટે કવાયત હાથ ધરી છે. આ કવાયત વચ્ચે ભચાઉ સેશન્સ કૉર્ટમાં અધિક જિલ્લા સરકારી વકીલ તરીકે કાર્યરત ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વર્ષ ૨૦૨૧થી ૨૦૨૫ના સમયગાળા દરમિયાન ૩૧ કેસમાં આરોપીઓની દોષસિધ્ધિ પુરવાર કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમારે પ્રશંસાપત્ર એનાયત કર્યો છે.
૩૧ કેસ પૈકી ૧૦ કેસમાં ગુનેગારોને આજીવન કેદની સજા થયેલી જ્યારે અન્ય પાંચ કેસમાં આરોપીઓને દસથી વીસ વર્ષની કેદની સજા થયેલી છે.
એસપી બાગમારે જાડેજાની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું છે કે ગંભીર અને ચકચારી કેસોમાં કૉર્ટમાં સાક્ષીઓ અને પંચોને કેસ બાબતે વિગતવાર સમજ કરી તથા કૉર્ટમાં અસરકારક દલીલો કરીને આરોપીઓને દોષી ઠેરવવા માટે તેમણે મહત્વની ભૂમિકા ભજવેલી છે.
Share it on
|