કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ પૂર્વ કચ્છમાં ટ્રકોની ટ્રકો ભરીને ઈંગ્લિશ શરાબ ઠાલવતાં જથ્થાબંધ બૂટલેગર અશોક બાલુભા જાડેજા ઊર્ફે મામાને પોલીસે વધુ એકવાર પાસાના પાંજરે પૂર્યો છે. પૂર્વ કચ્છ LCBએ જણાવ્યું કે અશોક સામે ૨૦૧૮થી અત્યારસુધીમાં એકલાં ભચાઉ પોલીસ સ્ટેશનમાં જ દારૂબંધીના ૮ કેસ નોંધાયેલાં છે. કલેક્ટરે પાસાની દરખાસ્તને મંજૂર કર્યાં બાદ એલસીબીએ તેને પકડીને અમદાવાદની સાબરમતી જેલમાં ધકેલી દીધો છે. દારૂબંધીની પોકળતા છતી કરતો જીવતો જાગતો બૂટલેગર
ભચાઉના દરબાર ગઢમાં રહેતો ૫૨ વર્ષિય અશોક ગુજરાતની દારૂબંધીની પોકળતાને છતી કરતો જીવતો જાગતો દાખલો છે. અશોકના લીધે ભૂતકાળમાં ભચાઉ પોલીસ સ્ટેશનના અનેક પોલીસ ઈન્સપેક્ટર સહિતનો સ્ટાફ ઘરભેગો થઈ ગયેલો છે. અશોક સામે ભચાઉ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલાં દારૂના કેસની યાદી જાહેર કરનાર પોલીસે પૂર્વ અને પશ્ચિમ કચ્છ સહિતના વિવિધ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલાં તમામ કેસનું લિસ્ટ જાહેર કર્યું નથી. આ લાં..બી. યાદી દારૂબંધીની પોકળતા છતી કરી દે તેવી છે! લિસ્ટેડ બૂટલેગર ગણાતાં પોતાના બે ભત્રીજાઓની મદદથી અશોક અંદર હોય કે બહાર બિન્ધાસ્ત રીતે તેનું કામકાજ ચાલતું રહે છે. એ તો ઠીક, અશોક અગાઉ કેટલી વખત પાસામાં પકડાયેલો છે તે પણ પોલીસે જાહેર કર્યું નથી!!
ખાસ બીમારીના નામે જામીન પર છૂટી જાય છે
છેલ્લાં ઘણાં સમયથી ધરપકડ બાદ ખાસ બીમારીનું કારણ આગળ ધરી સારવાર કરાવવાના બહાને આરોપી અશોક જામીન પર બહાર આવી જાય છે.
અદાલતો અને દારૂના ક્વૉલિટી કેસમાં નીમાયેલાં ખાસ સરકારી વકીલો એ પણ જોતાં નથી કે સારવારના નામે જામીન મેળવીને છૂટી જતો અશોક જામીન પર છૂટીને ફરી દારૂ જ વેચે છે! સારવાર તો જેલમાં રહીને સરકારી હોસ્પિટલમાં પણ થઈ જ શકે છે.
દર વખતે જામીનમાં કૉર્ટ શરત રાખે છે કે જામીન મેળવ્યાં બાદ ફરી દારૂના ધંધામાં સામેલ ના થવું છતાં પોલીસ કદી જામીનના શરત ભંગ બદલ જામીન કેન્સલ કરાવવા પ્રયાસ કરતી નથી. જે રીતે અગાઉ અશોક પાસામાંથી બહાર આવી ગયેલો છે તે જોતાં હવે પાસા બૉર્ડ કેટલાં દિવસમાં પાસાનો ઓર્ડર રીવોક કરીને અશોકને છોડી દે છે તેના પર સૌની મીટ મંડાઈ છે.
Share it on
|