click here to go to advertiser's link
Visitors :  
18-Sep-2025, Thursday
Home -> Gandhidham -> Anjar THO honey trapped Demanded 30 Lakh Two booked in Adipur
Thursday, 26-Sep-2024 - Aadipur 74417 views
અંજાર તાલુકા હેલ્થ ઑફિસર ડૉ.અંજારીયાને હનીટ્રેપ કરાઈ ૩૦ લાખની માગણી કરાતા ચકચાર
કચ્છખબરડૉટકોમ, આદિપુરઃ અંજારના તાલુકા હેલ્થ ઑફિસર તરીકે છેલ્લાં ૧૪ વર્ષથી કાર્યરત ૫૮ વર્ષિય ડૉ. રાજીવ એ. અંજારીયાને હની ટ્રેપ કરાઈ, અશ્લીલ વીડિયો ક્લિપ રેકોર્ડ ઉતારી બ્લેકમેઈલ કરીને ૩૦ લાખ રૂપિયા પડાવવા પ્રયાસ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. બનાવ અંગે ડૉ. અંજારીયાએ આપેલી ફરિયાદના આધારે આદિપુર પોલીસે અંતરજાળના રાજનગરમાં રહેતી નર્મદાબેન દિનેશ વાળંદ અને તેના કથિત પતિ દિનેશ વાળંદ ઊર્ફે ગુલામ હાજી વિરુધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અજાણી મહિલાએ આ રીતે કેળવેલો પરિચય

ફરિયાદીએ જણાવ્યું કે સૌપ્રથમવાર ૧૭ ઑગસ્ટે અજાણ્યા નંબર પરથી તેમને વોટસએપ મેસેજ મળ્યો હતો. મેસેજ મોકલનારે પોતાનો ફોટો મોકલી પોતાનું નામ નર્મદા દિનેશભાઈ વાળંદ હોવાનું જણાવી તેને આશા વર્કર તરીકે મેઘપરમાં કામ કરવું હોવાનું જણાવેલું. ડૉ. અંજારીયાએ કોઈ પ્રત્યુત્તર ના વાળતાં નર્મદાએ તેમને ફોન કરીને ફરિયાદીની અંજાર ઑફિસે રૂબરૂ મળવા ઈચ્છતી હોવાનું જણાવી બપોરે ત્રણ વાગ્યે રૂબરૂ મળવા આવેલી.

નર્મદાએ પોતે ભક્તિનગર-૩માં રહેતી હોવાનું જણાવી અને નોકરીની ખૂબ જરૂરિયાત હોવાનું કહીને જગ્યા પડે ત્યારે જાણ કરવા વિનંતી કરીને ફરિયાદીનો મોબાઈલ નંબર મેળવ્યો હતો.

ત્યારબાદ નર્મદાએ ફરિયાદીને સવાર સાંજ પોતાના ફોટોગ્રાફ સાથે ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટના મેસેજ મોકલવાનું શરૂ કરીને પરિચય વધુ ઘનિષ્ઠ બનાવવાનું શરૂ કરેલું. વધુ એકવાર તે રૂબરૂ ઑફિસે આવેલી અને ફરિયાદી સાથે વોટસએપ કૉલ પર પણ અવારનવાર વાતચીત કરતી હતી. નર્મદા ફરિયાદીને અવારનવાર ઘરે ચા-પાણી માટે બોલાવતી હતી.

શનિવારે ચા પાણી કરવા તબીબને ઘરે બોલાવ્યા

શનિવાર ૨૧ સપ્ટેમ્બરે સવારે નર્મદાએ પોતે હાલ અંતરજાળ ખાતે રાજનગરમાં માતા પિતાને ઘેર રોકાવા આવી હોવાનું કહી માતા પિતા પણ મળવા ઈચ્છતાં હોવાનું જણાવી ફરિયાદીને ઘેર બોલાવ્યાં હતાં. ફરિયાદી ઘેર ગયાં ત્યારે તેના માતા પિતા કોઈ હાજર નહોતાં. નર્મદાએ તેમને રૂમમાં બેસાડીને ચા પાણી પીવડાવ્યાં હતા અને પછી અચાનક તેના ઉપરનાં વસ્ત્રો કાઢી નાખ્યાં હતાં. એટલામાં દિનેશ નામનો નર્મદાનો કહેવાતો પતિ અચાનક ઘરમાં આવી ચઢ્યો હતો.

અચાનક વસ્ત્રો કાઢી નાખ્યાં ને ત્યાં પતિ પ્રગટ થયો

‘તેં મારી જિંદગી બરબાદ કરી નાખી’ કહીને દિનેશે ફરિયાદીને બે ત્રણ મુક્કા માર્યાં હતાં. ‘હવે તો તને નહીં છોડું’ કહીને ફરિયાદીનો શર્ટ ઉતારાવી, બાજુમાં નર્મદાને બોલાવી બેઉની વીડિયો ક્લિપ રેકોર્ડ કરી લીધી હતી. ત્યારબાદ દિનેશે વીડિયો ક્લિપ વાયરલ કરવાની અને બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવવાની ધમકી આપીને ફરિયાદી પાસે પતાવટ પેઠે ૩૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી. ફરિયાદીએ ઑફિસે જઈ તત્કાળ પચાસ હજાર રૂપિયા આપવાનું અને બાકીના નાણાં વ્યવસ્થા કર્યા બાદ આપવાનું કહેલું.

વીડિયો વાયરલ કરવાનું કહીને ૩૦ લાખ માગ્યા

ગુલામ હાજી ઊર્ફે દિલીપ વાળંદ ફરિયાદી અને નર્મદાને પોતાની સ્વિફ્ટ કારમાં બેસાડીને ફરિયાદીની ઑફિસે આવેલો. ફરિયાદીએ પોતાની પાસે રહેલી ચેકબૂકમાંથી પચાસ હજાર રૂપિયાનો બેરર ચેક લખીને પ્યૂનને બેન્કમાં જઈ નાણાં લઈ આવવા મોકલેલો.

ગુલામે ફરિયાદી પાસેથી પાંચ પાંચ લાખ રૂપિયાની રકમ લખાવી, સહી કરાવીને ૬ ચેક પડાવી લીધાં હતાં. એટલું જ નહીં અન્ય બે કોરાં ચેકમાં પણ સહી કરાવી પડાવી લઈ મંગળવાર સુધીમાં બેન્કમાં રૂપિયાની વ્યવસ્થા કરાવી દેવાની ધમકી આપેલી. પ્યૂન બેન્કમાંથી નાણાં લઈને આવ્યો તે પચાસ હજાર રૂપિયા લઈને ગુલામ નર્મદા સાથે નીકળી ગયો હતો.

મંગળવારે ગુલામે ફરિયાદીને વોટસએપ કૉલ કરીને નાણાંની ઉઘરાણી કરેલી. ફરિયાદીએ નાણાંની વ્યવસ્થા ના થઈ શકી હોવાનું જણાવતાં બુધવાર સુધીમાં રૂપિયાની વ્યવસ્થા કરાવી દેવાની નહિતર બળાત્કારની ખોટી ફરિયાદમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી હતી. બનાવ અંગે ફરિયાદીએ પોતાના બનેવીને સમગ્ર વાત કરી હતી અને બાદમાં ફરિયાદ લખાવવા મોડી રાત્રે આદિપુર પોલીસ મથકે પહોંચ્યાં હતાં.

Share it on
   

Recent News  
ભુજના મમુઆરા પાટિયા પાસે સરાજાહેર ભરબપોરે માનકૂવાના યુવકની છરી મારી ઘાતકી હત્યા
 
ભચાઉઃ જૂના કટારીયામાં ૬.૧૮ એકરનું ખેતર પચાવી પાડનારની લેન્ડગ્રેબિંગ હેઠળ ધરપકડ
 
સાળીના માથામાં કુહાડી ઝીંકી હત્યાનો પ્રયાસ કરનાર જીજાજીને સાત વર્ષનો કારાવાસ