click here to go to advertiser's link
Visitors :  
26-Apr-2026, Sunday
Home -> Gandhidham -> Amazon Return Turns Into a Nightmare Housewife Scammed Out of Rs 4.90 Lakh
Saturday, 25-Apr-2026 - Gandhidham 1949 views
એમેઝોન પરથી મગાવેલી વસ્તુ રીટર્ન કરવાનું ગૃહિણીને ભારે પડ્યું! ૪.૯૦ લાખ ઉપડી ગયા
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ આદિપુરની ગૃહિણીને ગૂગલ પર ઈ-કોમર્સ વેબસાઈટના કસ્ટમર કેર નંબર શોધીને મદદ મેળવવાનું ભારે પડી ગયું છે. ઓનલાઈન ચીટરોએ ગૃહિણીનો મોબાઈલ નંબર પોર્ટ કરાવવાની રીક્વેસ્ટ કરાવીને, ફોન બંધ કરાવી ૪.૯૦ લાખ રૂપિયા જેવી માતબર રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધી છે. આ ઘટના પરથી તમામ લોકોએ બોધપાઠ લેવાની જરૂર છે.  

આદિપુરના શિણાયમાં રહેતી ૩૨ વર્ષિય ગૃહિણી કોમલબા હરદેવસિંહ સરવૈયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તેનો પતિ એક ખાનગી કંપનીમાં સિનિયર મેનેજર તરીકે કામ કરે છે. ફરિયાદીએ એમેઝોન કંપની પરથી ઓનલાઈન એક પ્રોડક્ટની ખરીદી કરેલી જે પસંદ ના આવતાં રીટર્ન કરવાની હતી.

આ માટે ફરિયાદીએ ગૂગલમાં એમેઝોન કંપનીના કસ્ટમર કેર નંબર સર્ચ કરતાં એક નંબર જોવા મળેલો.

ફરિયાદીએ તે નંબર પર ફોન કરતાં સામેવાળાએ તેમને ડેબિટ કાર્ડનો ફોટો પાડીને મોકલવાનું જણાવેલું. કોમલને શંકા જતા ઈન્કાર કરેલો.

ચીટરે વોટસએપ કૉલ કરીને મોબાઈલમાં PORT લખીને 1900 નંબર પર SMS મોકલી આપવા જણાવેલું. ફરિયાદીએ કસ્ટમર કેરના પ્રતિનિધિના સ્વાંગમાં બેઠેલાં ગઠિયાની વાતમાં આવીને તેના કહ્યા મુજબ અનુસરણ કરેલું.

હકીકતે તમારો મોબાઈલ નંબર બદલ્યાં વગર મોબાઈલ ફોન સર્વિસ પ્રોવાઈડર કંપની બદલવી હોય એટલે કે નંબર યથાવત્ રાખીને આઈડિયાથી એરટેલ અથવા એરટેલથી બીએસએનએલમાં જવું હોય તેના માટેની આ સેવા છે. પાંચ દિવસ બાદ ગૃહિણીના મોબાઈલનું સીમકાર્ડ બંધ થઈ ગયેલું. મોબાઈલ કંપનીનો કોન્ટેક્ટ કર્યો તો તેમણે નજીકના કસ્ટમર કેર સેન્ટરમાં રૂબરૂ જવા કહેલું.

બીજા દિવસે ગૃહિણીના જી-પે એકાઉન્ટમાંથી જુદાં જુદાં પાંચ ટ્રાન્ઝેક્શન મારફતે ૪.૯૦ લાખ રૂપિયા ઉપડી ગયાં હતા.

બેન્કમાં રૂબરૂ ગયાં બાદ ત્યાંથી માર્ગદર્શન મળ્યાં બાદ તે જ દિવસે ઓનલાઈન સાયબર ફ્રોડ અંગેની હેલ્પલાઈન ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવેલી. જેના પગલે આજે આદિપુર પોલીસે અજાણ્યા ગઠિયાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
૨૯.૮૫ કરોડની GST ચોરીના ગુનામાં જેલમાં કેદ ઓડિશાની કંપનીના માલિકને જામીનની ના
 
આદિપુરના શિણાય નજીક પાણી ભરેલાં ઊંડા ખાડામાં જુવાનજોધ પિતા પુત્ર ડૂબી ગયાં
 
જખૌ પાસે ૩૮૪.૬૮ કરોડના ૭૭ કિલો હેરોઈન સાથે ઝડપાયેલા ૬ પાકિસ્તાનીને ૨૦ વર્ષની કેદ