કચ્છખબરડૉટકોમ, આદિપુરઃ આદિપુરની ચારવાળીમાં નશાખોર યુવકે નશો કરવા માટે અન્ય યુવક પાસે પૈસાની કરેલી માંગણી સામે ઈન્કાર થતાં છરીથી હુમલો કર્યો બનાવ બન્યો છે. આજે સવારે સાડા નવના અરસામાં શહેરના ટીસીપીસી ગ્રાઉન્ડ પાસે જાહેરમાં બનાવ બન્યો હતો. અહીં રહેતો ૩૦ વર્ષિય તુષાર નારાયણદાસ મહેશ્વરી છૂટક મજૂરી કરે છે. સવારે સાડા નવ વાગ્યે તે ફોન પર વાતો કરવામાં મશગુલ હતો ત્યારે જગદીશ પૂનમ પાતારીયા નામના નશાખોર યુવકે આવીને તેની પાસે નશો કરવા માટે પૈસા માગ્યા હતા. તુષારે જણાવ્યું કે જગદીશ અવારનવાર તેની પાસે નશો કરવા માટે પૈસા માગતો રહે છે. તુષારે નાણાં આપવા ઈન્કાર કરતાં જગદીશે તેની પાસે રહેલી છરીથી તેના પર હુમલો કર્યો હતો.
હુમલાથી બચવા તુષારે નાસી જવા પ્રયાસ કર્યો ત્યારે જગદીશે તેની પીઠમાં છરી ભોંકી દઈને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો.
બૂમાબૂમના પગલે આસપાસના લોકો દોડી આવતા આરોપી નાસી ગયો હતો. તુષારને પડખા, ડાબા હાથ અને પીઠમાં છરીથી ઈજા થઈ છે. આદિપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
Share it on
|