કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ હોન્ડા, એક્ટિવા, કાર અને ખટારા વગેરે જેવા વાહનો ખરીદવા પર ગ્રાહકોને લોન આપતી રાજકોટની એસ.કે. ફાઈનાન્સ નામની પેઢી સાથે તેના જ એજન્ટે ૪૭.૩૩ લાખની છેતરપિંડી કરી છે. મે ૨૦૨૩માં થયેલી છેતરપિંડી અંગે પોલીસે ફરિયાદ દાખલ ના કરતાં પેઢીએ ગુજરાત હાઈકૉર્ટમાં દાદ માંગી હતી. હાઈકૉર્ટે પોલીસને હુકમ કરતાં બે વર્ષ બાદ પોલીસે એજન્ટ સામે ગુનો દાખલ કર્યો છે. ફરિયાદી જિજ્ઞેશ પારેખે જણાવ્યું કે તે રાજકોટની એસ.કે. ફાઈનાન્સ પેઢીમાં સૌરાષ્ટ્ર કચ્છ ઝોનના એરિયા મેનેજર તરીકે નોકરી કરે છે. તેમની ગાંધીધામ બ્રાન્ચે લોનથી વાહનો ખરીદવા ઈચ્છતાં નવા ગ્રાહકો શોધીને, લોન કરાવી આપવા માટે વિશાલ જેશાભાઈ ધોળકીયા (રહે. વાલરામ સોસાયટી, રેલવે ટ્રેક પાસે, મેઘપર, અંજાર)ને સપ્ટેમ્બર ૨૦૨૨માં ડીએસએ એજન્ટ તરીકે કરાર આધારીત નોકરી પર રાખ્યો હતો.
મે ૨૦૨૩માં અમુક ગ્રાહકોની લોન બાબતે ફરિયાદો આવતા જિજ્ઞેશ પારેખે ગાંધીધામ દોડી આવીને તપાસ કરી હતી. જેમાં, ૧૧ જેટલા ગ્રાહકોના દસ્તાવેજો રજૂ કરીને જિજ્ઞેશે નવા વાહનો નામે ૪૭.૩૩ લાખની લોન મંજૂર કરાવી હતી પરંતુ આ ગ્રાહકોને ના તો વાહન મળ્યું હતું કે ના લોન.
ફાઈનાન્સ પેઢીએ મંજૂર થયેલી લોનની રકમ વિશાલના ખાતામાં જમા કરાવેલી અને વિશાલ આ રુપિયા હજમ કરી ગયો હતો.
હાઈકૉર્ટે હુકમ કર્યો પછી બે વર્ષે ફરિયાદ નોંધાઈ
ઘટના બાબતે ફાઈનાન્સ પેઢીએ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા તજવીજ કરેલી પરંતુ પોલીસે ટેકનિકલ કારણો રજૂ કરીને ફરિયાદ ના નોંધતા પેઢીએ હાઈકૉર્ટમાં દાદ માંગેલી. હાઈકૉર્ટે પોલીસને ગુનો બનતો હોય તો ફરિયાદ નોંધવાનો આદેશ કર્યાં બાદ પોલીસે વિધિવત્ ફરિયાદ દાખલ કરી હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે.
Share it on
|