કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ૪ વર્ષ અગાઉ ભચાઉ તાલુકાના આમરડી ગામની વાડીમાં સગા પિતાની કુહાડી વડે ઘાતકી હત્યા કરનારા ૩૫ વર્ષિય પુત્રને ભચાઉ સેશન્સ કૉર્ટે સખ્ત જનમટીપની સજા ફટકારી છે. હત્યાનો બનાવ ૧૫-૧૬ જૂન ૨૦૨૧ની રાત્રે બન્યો હતો. મરણ જનાર રતાભાઈ ઊર્ફે ભીખાભાઈ માવાભાઈ ગોઠી (પટેલ) અને તેમનો પુત્ર પ્રકાશ બેઉ વાડીએ રહીને ખેતીકામ કરતા હતા. નિત્યક્રમ મુજબ આગલા દિવસની રાત્રે નવ વાગ્યે રતાભાઈ ઘરેથી વાળુ કરીને વાડીએ રહેલા પુત્ર પ્રકાશ માટે ટિફિન લઈને ગયા હતા. સવારે સાત વાગ્યે દીકરી પુષ્પા તેની બહેન સાથે પિતા અને ભાઈ માટે શિરામણ લઈને ખેતરે ગઈ ત્યારે પિતા લોહીલુહાણ હાલતમાં ખાટલાં પર પડ્યાં હતા. તેમના માથા અને ગળા પર કુહાડીના ઘા મારી હત્યા કરી નખાઈ હતી. પ્રકાશ વાડીમાંથી નાસી ગયો હતો. બનાવ અંગે પુષ્પાએ પિતાની હત્યા બદલ ભાઈ પ્રકાશ સામે ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પ્રકાશ કશો કામ-ધંધો કરતો ના હોઈ પિતા તેને ખેતીમાં ધ્યાન આપવા અવારનવાર ઠપકો આપતા હતા. પ્રકાશને ખેતી કરવામાં કશો રસ નહોતો. તેથી આ મુદ્દે પ્રકાશે પિતાની હત્યા કરી નાખી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
આ ગુનામાં ફરિયાદ પક્ષે રજૂ થયેલાં ૨૩ સાક્ષી અને ૧૮ દસ્તાવેજી આધાર પુરાવા, પબ્લિક પ્રોસિક્યૂટર અને ડિફેન્સના ધારાશાસ્ત્રીઓની દલીલો, કાયદાની જોગવાઈઓ અને અર્થઘટનના આધારે આજે સવારે ભચાઉના ત્રીજા અધિક સેશન્સ જજ અંદલિપ તિવારીએ પ્રકાશ ગોઠીને પિતાની હત્યા બદલ દોષી ઠેરવી ઈપીકો કલમ ૩૦૨ હેઠળ સખ્ત આજીવન કેદ સાથે પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હત્યા કર્યા બાદથી પ્રકાશ જેલમાં જ કેદ છે.
સૌથી નોંધપાત્ર બાબત એ હતી કે ફરિયાદ નોંધાવનારી બહેને પિતાની હત્યા બદલ ભાઈ વિરુધ્ધ કેસને સમર્થન આપતી જુબાની આપી હતી.
ફરિયાદ પક્ષે તેને ન્યૂટ્રલ વીટનેસ (તટસ્થ સાક્ષી) ગણવા દલીલ કરેલી અને બચાવ પક્ષે તેને ઈન્ટરેસ્ટેડ વીટનેસ (હિતધારી સાક્ષી) ગણવા રજૂઆત કરેલી. કેસની તપાસ તત્કાલિન ડીવાયએસપી કે.જી. ઝાલાના માર્ગદર્શનમાં પીઆઈ સિધ્ધાર્થ એન. કરંગિયાએ કરેલી અને ભચાઉના મદદનીશ જિલ્લા સરકારી અધિવક્તા ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજાએ ધારદાર દલીલો કરેલી.
Share it on
|