કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ આધાર કાર્ડ અપડેટ કરી આપવા બદલ પબ્લિક પાસેથી એકસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા સુધીના ગેરકાયદે ઉઘરાણાં કરતો ઓપરેટર એસીબીના સકંજામાં સપડાયો છે. બાતમીના આધારે એસીબીએ સામેથી માણસ મોકલી છટકું ગોઠવીને યુવરાજસિંહ બટુકસિંહ વાઘેલા નામના ઓપરેટરને ૧૦૦ રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. ગાંધીધામમાં પંજાબ નેશનલ બેન્કની બહાર આધાર કાર્ડમાં અપડેટેશનની કામગીરી કરતો યુવરાજ જનતા પાસેથી નિયત સરકારી ચાર્જ ઉપરાંત ગેરકાયદેસર રીતે ઉઘરાણાં કરતો હોવાની એસીબીને બાતમી મળેલી. જેના પગલે પૂર્વ કચ્છ એસીબી ઈન્સ્પેક્ટર એલ.એસ. ચૌધરીએ બોર્ડર એકમ, એસીબીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર કે.એચ.ગોહિલના સુપરવિઝનમાં છટકું ગોઠવીને આરોપીને એકસો રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. ACB બોર્ડર એકમે આજે પેન્ડિંગ બિલના ચૂકવણા પેટે એક લાખ રૂપિયાની લાંચ લેતાં પાટણમાં વાસ્મોના આસિસ્ટન્ટ ટેકનિકલ એન્જિનિયર રવિ શાંતિલાલ દરજીને ઝડપી પાડી એક જ દિવસમાં બે સફળ કેસ કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૨૦-૦૪-૨૦૨૪ના રોજ એસીબીએ ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં છટકું ગોઠવીને આયુષ્માન કાર્ડ કઢાવી આપવાના નામે પાંચસો રૂપિયાની લાંચ લેતા હોસ્પિટલના કર્મચારી હર્ષ ગુર્જરને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
Share it on
|