click here to go to advertiser's link
Visitors :  
13-Jul-2026, Monday
Home -> Gandhidham -> Elder Daughter in Law Orchestrates House break in Samkhiyali
Sunday, 12-Jul-2026 - Samkhiyali 1782 views
વહુએ વગોવ્યાં મોટાં ખોરડા! સામખિયાળીમાં મોટી વહુએ જ ઘરફોડનું કાવતરું પાર પાડેલું
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ સામખિયાળીની પટેલ રેસિડેન્સીમાં ગત ૬ઠ્ઠી જૂલાઈએ ધોળા દિવસે બંધ ઘરમાં થયેલી ૯.૪૦ લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણાંની ચોરીના ગુનામાં ઘરની મોટી વહુ અને તેના ધર્મના ભાઈની સંડોવણી બહાર આવી છે. ઘરમાં હાથફેરો કરનાર અમરકુમાર ભૈરવસિંઘને લોકલ ક્રાઈમ બ્રાન્ચે મુંબઈના વસઈથી પકડી લાવી પૂછપરછ કરતાં મોટી વહુ રૂબી ઊર્ફે રાધા માસ્ટરમાઈન્ડ હોવાનું સ્પષ્ટ થયું છે. સામખિયાળી પોલીસે બેઉની ધરપકડ કરી રિમાન્ડ પર લઈ સઘન પૂછપરરછ હાથ ધરી છે.

સામખિયાળીમાં લક્ષ્મી પેટ્રોલ પંપ પાછળ આવેલી પટેલ રેસિડેન્સીમાં મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરના વતની ધર્મપ્રકાશ શર્મા તેમના પત્ની, ત્રણ પુત્રો, બે પુત્રવધૂના સંયુક્ત પરિવાર સાથે વર્ષોથી વસવાટ કરે છે. મોટો પુત્ર પ્રશાંત અને તેની પત્ની રૂબી ઘરના ઉપલા માળે રહે છે.

ધર્મપ્રકાશ, તેમના પત્ની મનોરમા, નાના પુત્ર શશાંક, તેની પત્ની આકાંક્ષા અને સૌથી નાનો પુત્ર સત્યમ, સૌ નીચેના રૂમમાં રહે છે.

શશાંક ગેરેજ ચલાવે છે અને તેની પત્ની ઈટી કંપનીમાં નોકરી કરે છે. ચોથી જૂલાઈના રોજ વતનમાં લગ્ન પ્રસંગ નિમિત્તે ધર્મપ્રકાશ તેમના પત્ની અને સૌથી નાના પુત્ર સાથે વતન જવા રવાના થયેલાં. ૬ઠ્ઠી જૂલાઈના રોજ સવારે નવ વાગ્યે શશાંક અને તેની પત્ની ઘરને તાળાં મારી કામ-ધંધે રવાના થયેલાં.

જૂની ટેવ મુજબ તાળાંની ચાવી ઘર બહાર રાખેલા જૂનાં બૂટમાં સંતાડીને રાખતાં ગયેલાં. યુગલ સાંજે ઘરે પરત ફર્યું તે સમયગાળામાં અજાણ્યા તસ્કરો ચાવીથી તાળું ખોલી, ઘરની અંદર રાખેલા બે લૉકરના લૉક તોડીને ૯.૪૦ લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણાં ચોરી ગયેલાં.

બીજા દિવસે સવારે ચોરીનો બનાવ ધ્યાને આવ્યા બાદ શશાંકે ભાભી રૂબીની સાથે સામખિયાળી પોલીસ મથકે દોડી જઈ અજાણ્યા તસ્કરો સામે ચોરીની ફરિયાદ નોંધાવેલી.

જે રીતે ચોરીનો બનાવ બનેલો તેનાથી પોલીસને પહેલાંથી જ તેમાં જાણભેદુની સંડોવણી હોવાની આશંકા હતી.

ટેકનિકલ સર્વેલન્સમાં LCBને એક મોબાઈલ નંબર જાણવા મળેલો. આ નંબરને ટ્રેસ કરીને LCB મુંબઈના વસઈ ખાતે જઈને અમરકુમાર નામના યુવકને પકડીને પૂછપરછ કરતાં તેની અને રૂબીની સંડોવણી બહાર આવેલી. LCBએ ચોરીના દાગીના રિકવર કરીને, અમરકુમારને કચ્છ લઈ આવી સામખિયાળી પોલીસના હવાલે કરી દીધો છે. પોલીસે રૂબીની પણ ધરપકડ કરી છે.

ઘરેણાં વેચી પ્લોટ ખરીદવાની વાતથી વહુ ભડકેલી

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે સાસુ મનોરમા ઘરની બંને વહુના ઘરેણાં પોતાની પાસે સાચવીને રાખતાં હતા. થોડાંક સમય અગાઉ સાસુએ અમુક ઘરેણાં વેચીને પ્લોટ બૂક કરાવવા ઘરમાં ચર્ચા કરેલી.

પોતાના દાગીના પણ વેચી મરાશે તેવા અનુમાનથી મોટી વહુ રૂબી ભડકી ગઈ હતી. જેથી તેણે યેનકેન રીતે પોતાના ઘરેણાં પાછાં મેળવવા પ્લાન કરેલો.

સાસુ-સસરાં અને દિયર કાનપુર જતા હોવાનું જાણીને તેણે ધરમના ભાઈ અમરકુમારને પોતાના ઘરે આવીને, બૂટમાં રહેલી ચાવી વડે તાળું ખોલી ઘરેણાં ચોરીને મુંબઈમાં તેની પાસે રાખી મૂકવા જણાવેલું. બનાવના દિવસે અમર મુંબઈથી આવીને, ઘરેણાં ચોરીને ચૂપચાપ પરત મુંબઈ જતો રહેલો. મોટી વહુનું કારસ્તાન જાણીને શર્મા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

Share it on
   

Recent News  
ચના ચટપટી વેચનારને યુક્તિપૂર્વક ભુજની ભાગોળે લઈ જઈ ત્રિપુટીએ માર મારી લૂંટી લીધો
 
ગાંધીધામના ગણેશનગરમાં બૂટલેગરના ઘરમાં ફિલ્મી ઢબે તોડફોડ સાથે લૂંટ-ધાડ