કચ્છખબરડૉટકોમ, સામખિયાળીઃ ભચાઉ તાલુકાના કંથકોટ ગામે ગોગા મહારાજના બે મંદિરોમાંથી તસ્કરો ચાંદીની ૩૦૧ નાગફણી અને ૩૬ નંગ સોના ચાંદીના છત્તરો ચોરી જતાં ચકચાર મચી ગઈ છે. બનાવ અંગે સામખિયાળી પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ચોરીનો બનાવ ગત રાત્રિ દરમિયાન ગમે ત્યારે બન્યો હતો.
ગામમાં આવેલા રબારી જૂનાવાસમાં ખટાણા પરિવારો દ્વારા નિર્મિત ગોગા મહારાજના મંદિરમાંથી તસ્કરો ચાંદીની ૩૦૦થી વધુ નાની મોટી નાગફણી અને એક છત્તર ચોરી ગયાં છે. તેની અંદાજીત કિંમત ૧.૨૦ લાખ રૂપિયા જેટલી થાય છે. તો, નજીકમાં આવેલા નાંગશ પરિવારના ગોગા મહારાજના મંદિરમાંથી તસ્કરો ૭૦ હજારની કિંમતના ચાંદીના નાનાં મોટાં ૩૫ છત્તર, એક સોનાનું છત્તર અને એક નાગફણી ચોરી ગયાં છે.
આજે સવારે સાત વાગ્યે ચોરીનો બનાવ બહાર આવતાં રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં મંદિરો આગળ એકત્ર થઈ ગયાં હતા.
બનાવ અંગે મંદિરની સેવા પૂજા કરતા વિભાભાઈ કરસન ખટાણા (રબારી)એ અજાણ્યા તસ્કરો સામે સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
Share it on
|