click here to go to advertiser's link
Visitors :  
07-Jul-2025, Monday
Home -> Vishesh -> 181 Abhayam Team Rescue Young Woman Held In Room For Month
Sunday, 06-Jul-2025 - Gandhidham 4457 views
ભચાઉમાં એક માસથી ઓરડામાં પૂરી રખાયેલી યુવતીને ૧૮૧ અભયમની ટીમે મુક્ત કરાવી
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ  પરિવારની મરજી વિરુધ્ધ પ્રેમ લગ્ન કરનારી મહારાષ્ટ્રની ૨૨ વર્ષની યુવતીના ખરીદ વેચાણ અને તેના પર ગુજારાયેલાં અત્યાચારની આ સત્ય ઘટના વાંચીને તમે ચોંકી ઉઠશો. સદભાગ્યે ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈનની ટીમે આ યુવતીને રેસ્ક્યુ કરી સહીસલામત તેના પતિ જોડે પરત મોકલી આપી છે.
અભયમની ટીમને પડોશીએ જાણ કરી

ભચાઉ તાલુકાના એક ગામમાં રહેતા પરિવારે એક માસથી ઘરના એક રૂમમાં યુવતીને પૂરી રાખી હતી. આ પરિવાર યુવતી જોડે  મારકૂટ કરતો રહેતો હતો. પડોશમાં રહેતા જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈનને જાણ કરતાં કાઉન્સેલર નિરૂપા બારડ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રિકાબેન ઠાકોર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયાં.

યુવતી એક મહિનાથી રૂમમાં પૂરી રખાયેલી

જે ઘરમાં યુવતીને બંધ કરી રાખવામાં આવી હતી ત્યાં જઈને તપાસ કરતાં સૌપ્રથમ ઘરવાળાએ રૂમમાં કોઈ યુવતીને બંધક બનાવી હોવાનો ઈન્કાર કર્યો હતો.

૧૮૧ ટીમે કાયદાની ભાષામાં કડકાઈથી વાત કર્યાં બાદ તેમણે બંધ રૂમમાંથી આ યુવતીને બહાર કાઢી હતી. યુવતી ખૂબ જ ડરી ગયેલી હતી.

અભયમની ટીમે તેને સહાનુભૂતિ સાથે સંપૂર્ણ મદદની ખાતરી આપીને કાઉન્સેલિંગ કરતા યુવતીએ જે જણાવ્યું તે જાણીને સૌ ચોંકી ઉઠ્યાં.

સગાં માવતરે દલાલ મારફતે દીકરીને વેચેલી

સંગીતા (નામ બદલેલું છે)એ જણાવ્યું કે તે બે દિવસથી ભૂખી છે. તે મહારાષ્ટ્રની રહેવાસી છે. થોડાંક સમય અગાઉ તેણે મહારાષ્ટ્રમાં જ એક યુવક સાથે માવતરની મરજી વિરુધ્ધ જઈ પ્રેમ લગ્ન કરેલાં. લગ્ન કર્યાના થોડાંક સમય બાદ તે પિયરે આવેલી.

તે સમયે સગાં માવતરે જ દલાલ મારફતે બે લાખ રૂપિયા લઈ ભચાઉના આ ગામમાં લગ્નના નામે તેને પરાણે વેચી મારી હતી.

યુવતીએ લગ્નના નામે પૈસા આપી તેને ખરીદનાર કહેવાતા પતિ અને સાસરિયાને બધી સાચી વાત કરી.

સંગીતા પર ગુજારાયો આવો અત્યાચાર

સંગીતાએ જે પ્રથમ યુવક જોડે પ્રેમ લગ્ન કરેલાં તે યુવક સાથે કાયદેસર રીતે છૂટાંછેડા થયાં નહોતાં. પૈસા ચૂકવી ખરીદી કરનાર બીજા પતિ અને તેના પરિવારને મનમાં ડર પેઠો કે સંગીતા લાગ જોઈને પહેલાં પતિ જોડે રહેવા નાસી જશે. તેથી તેમણે સંગીતાને ઘરના એક રૂમમાં બંધ કરી દીધી.

માવતરે કરેલા સોદાની સજા સંગીતાને આપવાનું શરૂ થયેલું.

પતિ અને સાસરિયા તેને ખાવાનું પણ માંડ આપતા. આખો દિવસ તેઓ મારકૂટ અને શારીરિક અત્યાચાર ગુજારતાં રહેતાં.

માવતરે મદદ કરવા ઘસીને ના પાડી દીધી  

અભયમની ટીમે સંગીતાના માવતર જોડે તેમની દીકરી પર ગુજારાઈ રહેલાં અત્યાચાર અંગે વાત કરી. પરંતુ, કળિયુગી માવતરે કશી જ લાગણી દર્શાવ્યાં વગર ટીમને જણાવી દીધું કે ‘સંગીતા અમારી દીકરી નથી, તેને મારી નાખો’

પહેલો પતિ ફરી અપનાવવા થયો તૈયાર

અભયમની કાર્યવાહીના પગલે બીજા પતિ અને સાસરિયાએ પણ સંગીતાને રાખવા ઈન્કાર કરતાં જણાવ્યું કે ‘અમને તેના પહેલાં લગ્નની જાણ નહોતી, હવે અમે તેને રાખશું નહી’ સંગીતાને મુક્ત કરાવનાર અભયમની ટીમ મૂંઝવણમાં મૂકાઈ ગઈ. બાદમાં સંગીતા પાસેથી તેના પહેલાં પતિનો નંબર લઈ તેનો સંપર્ક કર્યો.

પહેલાં પતિને સંગીતાના ખરીદ વેચાણ અને બીજા પતિએ ગુજારેલાં અત્યાચાર અંગે સઘળી વાત કરી. સંગીતા સાથે થયેલાં અત્યાચારથી પહેલો પતિ દ્રવી ઉઠ્યો.

તેણે અભયમની ટીમને જણાવ્યું કે ‘મારી સંગીતાને મારી પાસે મોકલી આપો, હું તેને જીવનભર પત્ની તરીકે રાખવા તૈયાર છું’

મહારાષ્ટ્ર પહોંચી સંગીતાએ માન્યો આભાર

અભયમની ટીમ સંગીતાને પોતાની સાથે લઈ આવી. સૌપ્રથમ તો બે દિવસથી ભૂખી રહેલી સંગીતાને ભરપેટ ભોજન કરાવ્યું. તાત્કાલિક તેને મહારાષ્ટ્ર પરત મોકલવા માટે ટ્રેનની ટિકિટ બૂક કરાવી. ટ્રેનમાં સહીસલામત રીતે બેસાડીને જરૂરી નાસ્તો લઈ આપ્યો. નિરુપાબેને અંગત ગજવામાંથી તેને વાપરવા માટે થોડાં રૂપિયા પણ આપ્યાં. સંગીતા સહીસલામત પ્રથમ પતિ પાસે પહોંચી ગઈ. પતિ પાસે પહોંચ્યા બાદ બેઉ જણે વીડિયો કૉલ કરીને અભયમનો હૃદયપૂર્વક આભાર માન્યો.

ગુનેગારો કાયદાની જાળથી બચી ગયાં

સંગીતા પર ગુજારાયેલાં અત્યાચારની ઘટનાનો સુખદ અંત આવી ગયો છે પરંતુ અફસોસ કે તેને એક માસ સુધી બંધક બનાવી અત્યાચાર ગુજારનાર ભચાઉના એ નિર્દયી પતિ, સાસરિયા તથા સંગીતાના માવતર કાયદાની જાળમાંથી છટકી ગયાં છે.

કાયદા મુજબ કોઈ પણ સ્ત્રીની મરજી વિરુધ્ધ તેનું ખરીદ વેચાણ કરવું, બંધક બનાવી મારકૂટ કરવા બદલ હ્યુમન ટ્રાફિકીંગ સહિતની કલમો તળે ગંભીર અપરાધ બને છે.

આ કિસ્સામાં અભયમની ટીમે કાયદેસર કાર્યવાહી કરવા પ્રયાસ કરેલો પરંતુ સંગીતાએ કોઈ જ પ્રકારની ફોજદારી ફરિયાદ નોંધાવવાનો સતત ઈન્કાર કર્યે રાખ્યો હતો.

Share it on
   

Recent News  
મુંદરાની કિશોરીને ધાણેટીના પરિણિત યુવકે લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું
 
ભચાઉઃ કંથકોટમાં ગોગા મહારાજના મંદિરોમાંથી ૩૦૧ નાગફણી અને ૩૬ છત્તર ચોરાતાં ચકચાર
 
મિથેનોલ ખાલી કરીને જતું જહાજ ભેદી ધડાકા બાદ દરિયામાં એકબાજુ નમી ગયું