|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ બે દિવસ અગાઉ ભુજના કોટડા (ચકાર) ગામે ઘરના રસોડામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરનાર ૨૮ વર્ષિય યુવકના અપમૃત્યુના કિસ્સામાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. ગામમાં રહેતા મોહન મુરજી ધેડા નામના યુવકે મૃતકની પત્ની સાથે લફરું કરી, ગર્ભવતી બનાવી તેના સુખી સંસારમાં આગ ચાંપેલી. યુવકે પત્નીને છૂટાછેડાં આપી દીધા બાદ મોહન મૃતકની બહેનના ફોટો અને વિડીયો વાયરલ કરવાની સતત ધમકી આપી માનસિક ત્રાસ આપી રહ્યો હતો. મૃતકે આ અંગે દોઢ માસ અગાઉ પધ્ધર પોલીસ મથકે મોહન વિરુધ્ધ ફરિયાદ અરજી આપેલી, છતાં મોહનનો ત્રાસ જારી રહેલો.
મોહને સુખી ઘરસંસારમાં આગ ચાંપેલી
મંગળવારે રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં કોટડા ગામે રહેતા યુવકે ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરેલી. મૃતક યુવકના ૬ વર્ષ અગાઉ લગ્ન થયેલાં. લગ્નજીવન દરમિયાન એક પુત્રીનો પિતા બનેલો જે હાલ ચાર વર્ષની છે.
ગામમાં રહેતા મોહન ધેડા સાથે મૃતકની પત્નીને આડા સંબંધ બંધાયા હતા. આ બાબતને લઈ યુગલ વચ્ચે કંકાસ શરૂ થયેલો. કંકાસના લીધે પત્ની છેલ્લાં એક વરસથી રીસાઈને પિયર જતી રહેલી.
પાંચ માસ અગાઉ પત્નીએ પતિ સામે કૉર્ટમાં કેસ કરેલો. જેમાં બેઉ પક્ષ વચ્ચે સમાધાન થયેલું. પોતાનો ઘર સંસાર બચાવવા હતભાગી યુવક પોતાનું ગામ છોડીને પત્ની જોડે મુંદરાના ગુંદાલા ગામે રહેવા જતો રહેલો.
પ્રેમીએ પત્નીને ગર્ભવતી કરતા છૂટાછેડાં
ગુંદાલા રહેવા ગયાના એકાદ માસ બાદ હતભાગીને ખબર પડેલી કે તેની પત્ની ગર્ભવતી છે અને પેટમાં ત્રણ માસનો ગર્ભ છે. મૃતકે આ અંગે પત્નીને પૂછતાં પત્નીએ જણાવેલું કે તે મોહન સાથેના સંબંધોથી ગર્ભવતી થઈ છે અને ગર્ભમાં વિકસી રહેલું બાળક મોહનનું છે. આ ઘટનાથી મૃતક હચમચી ગયો હતો. દોઢેક માસ અગાઉ તેણે પત્નીને છૂટાછેડાં આપી દીધેલા અને પરત કોટડા ગામે રહેવા આવી ગયેલો.
મોહને મૃતકની બહેનને બદનામ કરવાનું કહેલું
મૃતકે જે-તે સમયે પત્નીને મોબાઈલ ફોન લઈ આપેલો. છૂટાછેડાં બાદ પત્નીને આપેલો ફોન તે પરત લઈ આવેલો. એક દિવસ બેઠાં બેઠાં ફોનમાં ઈન્સ્ટાગ્રામ ચેક કરતા તેની પૂર્વ પત્ની અને તેના પ્રેમી મોહન વચ્ચે થયેલી વાતચીતની ચેટ નજરે પડેલી. મોહને મૃતકની પૂર્વ પત્નીને જણાવેલું કે ‘તને માવતરે મૂકી છે તેથી હું તારી નણંદના ફોટા અને વીડિયો વાયરલ કરીને તેને બદનામ કરી દઈશ. તારી નણંદની સગાઈ થયેલી છે ત્યાં મીટીંગ કરીશ’
પોલીસને અરજી આપેલી છતાં ત્રાસ યથાવત્ રહ્યો
પોતાના સુખી સંસારમાં આગ ચાંપનારો મોહન હવે બહેનને બદનામ કરવા પેંતરા કરી રહ્યો હોવાનું જાણીને મૃતક હચમચી ગયેલો. તેણે માતાને આ અંગે વાત કરીને તેની પૂર્વ પત્ની અને મોહનની ચેટ બતાડેલી. બીજી તરફ, મોહને મૃતકને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરેલું. તણાવમાં રહેલા મૃતકે આ અંગે મોહન ધેડા સામે પધ્ધર પોલીસ મથકે ફરિયાદ અરજી આપેલી. પરંતુ, મોહનનો ત્રાસ ચાલુ રહેતા આખરે તેણે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. સમગ્ર મામલે મૃતક યુવકની માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પધ્ધર પોલીસે મોહન ધેડા સામે આત્મહત્યાના દુષ્પ્રેરણ બદલ ગુનો નોંધ્યો છે.
બનાવની તપાસ કરી રહેલા પીઆઈ અશ્વિનકુમાર ધુળાભાઈ ખાંટે કચ્છખબરને જણાવ્યું કે ‘મોહન હાલ ફરાર થઈ ગયો છે. અમે જે-તે સમયે અરજીના આધારે મોહન સામે અટકાયતી પગલાં ભર્યાં હતા’
જો પોલીસે જે-તે સમયે ગહન તપાસ કરીને મોહન સામે કડક કાર્યવાહી કરી હોત તો કદાચ ફરી ત્રાસ આપવાની તેણે હિંમત ના કરી હોત અને ૨૮ વર્ષના યુવકને ફાંસો ખાવાનો વારો ના આવ્યો હોત.
Share it on
|