click here to go to advertiser's link
Visitors :  
05-Jun-2026, Friday
Home -> Bhuj -> Mundra Land Scam Bhuj Court Rejects Anticipatory Bail
Thursday, 04-Jun-2026 - Bhuj 1146 views
બોગસ દસ્તાવેજોથી મુંદરાના લુણીમાં કરોડોની જમીન પચાવવાના ગુનામાં આગોતરા નામંજૂર
કચ્છખબરડૉટકોમ, ભુજઃ મુંદરાના લુણી ગામની લગડી જેવી ખેતીની જમીનના બોગસ સાટા કરાર બનાવી બીજાને બારોબાર વેચી મારવાની પેરવી કરી કૌભાંડ આચરવાના ગુનાના એક આરોપીને ધરપકડ સામે રક્ષણ આપવા કૉર્ટે ઈન્કાર કરી દીધો છે. કૌભાંડમાં સંડોવાયેલા મુંદરાના હિમાંશુ નવીનભાઈ મકવાણા નામના જમીન દલાલની આગોતરા જામીન અરજી ભુજ સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે.

ચકચારી જમીન કૌભાંડ અંગે ગત ૨૨ મેના રોજ હિમાંશુ મકવાણા, સૂત્રધાર નિરોણાના નીતિન ઉમરશી ભાનુશાલી અને પોતાને નોટરીની કચેરીનો સ્ટાફ ગણાવનાર યોગેશ આયડી નામના શખ્સ સામે મુંદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. કેસમાં સરકાર તરફે અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશ મહેશ્વરી અને મૂળ ફરિયાદી તરફે એડવોકેટ કુલદીપ જે. મહેતા, કૈલાસદાન ગઢવીએ દલીલો કરી હતી. 

૬૭ લાખ આપીને ૧૭.૪૨ કરોડની જમીન પચાવવાનો કારસો

મુંબઈ સ્થાયી થયેલા ૬૬ વર્ષિય ફરિયાદી પ્રફુલ નરશીભાઈ શાહે પોલીસને જણાવેલું કે લુણીમાં તેમના તથા તેમના બે ભાઈ અને એક ભત્રીજાના નામે વિવિધ સર્વે નંબરની સંયુક્ત માલિકીના ખેતરો છે. મુંદરાના જમીન દલાલ હિમાંશુ અને નીતિને ફરિયાદીનો ફોન પર સંપર્ક કરીને આ જમીનો ૧૭.૪૨ કરોડમાં વેચાણ સોદો નક્કી કર્યો હતો.

વાતચીત મુજબ ૧૫-૧૨-૨૦૨૫ના રોજ નીતિન, હિમાંશુ અને યોગેશ ત્રણે મુંબઈ ગયેલા અને ૧૨ લાખ રૂપિયા ટોકન આપીને સાટા કરારમાં ફરિયાદી તથા તેમના ભાઈ ભત્રીજાઓની સહીઓ મેળવી લીધી હતી. સાટા કરાર મુજબ વારંવાર માંગણી કરાતાં આરોપીઓએ ટુકડે ટુકડે વધુ ૫૫ લાખ રૂપિયા આપેલાં.

આરોપીઓ વેચાણની નક્કી થયેલી મૂળ રકમ આપતાં નહોતા. એટલું જ નહીં તેમણે આપેલા ત્રણ ચેક બાઉન્સ થયેલાં. દરમિયાન, આરોપીઓએ સાટા કરારના બે પાનાં બદલીને, ફરિયાદી તથા તેમના ભાઈઓ ભત્રીજાની નકલી સહીઓ, નોટરીના ખોટા સિક્કા મારીને આ ખેતરોના ઓછાં ભાવે અન્યો સાથે સાટા કરાર બનાવેલાં. એટલું જ નહીં, ફરિયાદી સહિતના લોકો સામે મુંદરા કોર્ટમાં ખોટા આરોપ સાથે દિવાની દાવો દાખલ કરેલો.

સૂત્રધાર નીતિન છે રીઢો આરોપી

આ ગુનામાં ત્રણે નાસતાં ફરે છે. નીતિન ભાનુશાલી સામે છેલ્લાં દસ વર્ષ દરમિયાન કચ્છના વિવિધ પોલીસ મથકોમાં આ પ્રકારની અગણિત ફોજદારી ફરિયાદો તથા ચેક બાઉન્સના કેસો નોંધાયેલાં છે. પોલીસને મેનેજ કરવાની ખૂબીના લીધે નીતિન ગામમાં બિન્ધાસ્ત ફરી રહ્યો છે.

Share it on
   

Recent News  
સુખી સંસારમાં પલીતો ચાંપનાર પત્નીના પ્રેમીના ત્રાસથી કોટડામાં યુવકે કર્યો આપઘાત
 
પૌત્રની વયના બાળકને હવસનો શિકાર બનાવનાર મોટી તુંબડીના આધેડને ૨૦ વર્ષનો કારાવાસ
 
ગુજસીટોકમાં ફીટ થયેલાં અંજારના બે રીઢા આરોપીને ચાર્જશીટ બાદ જામીનનો ઈન્કાર