click here to go to advertiser's link
Visitors :  
04-Jun-2026, Thursday
Home -> Bhuj -> Bhuj POCSO Court orders 20 year RI to POCSO convict
Thursday, 04-Jun-2026 - Bhuj 1535 views
પૌત્રની વયના બાળકને હવસનો શિકાર બનાવનાર મોટી તુંબડીના આધેડને ૨૦ વર્ષનો કારાવાસ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ પોતાના પૌત્રની ઊંમરના સાડા પાંચ વર્ષના બાળકને હવસનો શિકાર બનાવનાર મુંદરાના મોટી તુંબડી ગામના ૫૨ વર્ષિય આધેડને ભુજની ખાસ પોક્સો કૉર્ટે ૨૦ વર્ષની સખ્ત કેદ સાથે ૨૮ હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે. બનાવ ગત ૯મી ઑગસ્ટ ૨૦૨૫ના રોજ રક્ષાબંધનના પર્વે બન્યો હતો. સાડા પાંચ વર્ષનો બાળક શેરીમાં અન્ય બાળકો સાથે રમતો હતો ત્યારે બળદેવપુરી ઊર્ફે બળુ દયાલપુરી ગુસાઈ તેને પાંચ રૂપિયાનો સિક્કો આપવાની લાલચ આપીને પોતાના ઘરે લઈ ગયેલો.

તેણે બાળકને નિર્વસ્ત્ર કરી સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરવા પ્રયાસ કરેલો. ડરી ગયેલાં બાળકે બૂમો પાડવાનું શરૂ કરતાં તેને છોડી મૂક્યો હતો. રડતાં રડતાં ઘરે આવીને બાળકે માતાને ઘટના વિશે વાત કરેલી. બનાવ અંગે પ્રાગપર પોલીસે બળદેવ સામે પોક્સો સહિતની ધારાઓ તળે ગુનો નોંધી અટક કરેલી.

પોલીસે ભોગ બનનાર બાળકનું જ્યુ. મેજિસ્ટ્રેટ સમક્ષ બીએનએસ ૧૮૩ હેઠળ નિવેદન નોંધાવડાવીને કુલ ૧૨ સાક્ષી અને ૧૫ દસ્તાવેજી પુરાવા સાથે આરોપી સામે કૉર્ટમાં ચાર્જશીટ રજૂ કરેલ.

કૉર્ટે આજે આરોપીને દોષી ઠેરવી સજા ફટકારી છે. વિશેષ પોક્સો કૉર્ટ જજ જે.એ. ઠક્કરે એક પરિણીત અને પુખ્ત વયના બે સંતાનોનો પિતા કે જે ગુનાનો ભોગ બનનાર બાળક માટે દાદા તુલ્ય હતો તેણે આચરેલાં ગુનાને ગંભીર ગણી આજે સબકરૂપ ચુકાદો આપ્યો છે. કૉર્ટે પોક્સો એક્ટની કલમ ૫ (એલ) ૬ મુજબ બળુને ૨૦ વર્ષનો સખ્ત કારાવાસ અને ૨૫ હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે. એ જ રીતે, પોક્સો એક્ટની કલમ ૭ સાથે ૮ હેઠળ ૧ વર્ષની સખ્ત કેદ સાથે બે હજાર રૂપિયા દંડ તથા પોક્સો એક્ટની કલમ ૧૧ (૬) અને ૧૨ હેઠળ ૬ માસની સખ્ત કેદ સાથે ૨ હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે.

ગુનાનો ભોગ બનનાર બાળકને ચાર લાખ રૂપિયા વળતર ચૂકવવા હુકમ કરાયો છે.

ગુનાની તપાસ તત્કાલિન પીઆઈ ધવલ ડી. શિમ્પીએ કરેલી. આ કેસમાં સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ સાક્ષીઓ તપાસીને દલીલો કરેલી. ભોગ બનનારના કાયદા સહાયક તરીકે એડવોકેટ માલશ્રીબેન ટી. ગઢવીએ મદદ કરી હતી. બળદેવ ધરપકડ થઈ ત્યારથી જેલમાં કેદ છે અને સમગ્ર કેસ અંડર ટ્રાયલ પ્રિઝનર તરીકે ચાલ્યો છે.

Share it on
   

Recent News  
સુખી સંસારમાં પલીતો ચાંપનાર પત્નીના પ્રેમીના ત્રાસથી કોટડામાં યુવકે કર્યો આપઘાત
 
ગુજસીટોકમાં ફીટ થયેલાં અંજારના બે રીઢા આરોપીને ચાર્જશીટ બાદ જામીનનો ઈન્કાર
 
‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ તળે કચ્છમાંથી ૧૨ સ્ત્રીઓ સાથે ૩૪ બાંગ્લાદેશીઓ ઝડપાયાં