કચ્છખબરડૉટકોમ, ભુજઃ પોલીસની આંખથી ઓઝલ રહીને પશ્ચિમ કચ્છમાં રોજેરોજ લાખો કરોડો રૂપિયાનો વિદેશી શરાબ અને બિયરનો જથ્થો ઠાલવી રહેલા બે નામચીન વૉન્ટેડ બૂટલેગર યુવરાજસિંહ જાડેજા અને જીતુભા ઊર્ફે જીતીયો સોઢા પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યાં છે. આ બૂટલેગરો જાણે પોલીસને પડકારી રહ્યાં છે કે દારૂ ભરેલી ટ્રકો તો આવશે જ, રોક શકો તો રોક લો! પ્રાગપર પાસેથી ૮૨ લાખનો શરાબ ભરેલી બીજી ટ્રક ઝડપાઈ
કોડાય પોલીસે આ બૂટલેગર બેલડીએ ટ્રકમાં મગાવેલો ૪૦.૭૮ લાખનો શરાબ ઝડપ્યાના ૨૪ કલાકમાં પોલીસે પ્રાગપર પાસેથી ૮૨ લાખનો શરાબ બિયર ભરેલી બીજી એક ટ્રક પકડી છે! બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મુંદરા પોર્ટ રોડ પર હોટેલ રંગલા પંજાબ સામે પાર્ક થયેલી GJ-12 Z-3532 નંબરની ટ્રકમાંથી ૭૦.૨૨ લાખની કિંમતની વિવિધ બ્રાન્ડની વ્હિસ્કીની નાની મોટી ૭૫૮૪ બાટલીઓ અને ૧૧.૮૪ લાખના મૂલ્યના વિવિધ બ્રાન્ડના ૫૬૪૦ નંગ બિયર ટીનનો જંગી જથ્થો જપ્ત કર્યો છે.
કોડાય પોલીસે પકડેલા આઈદાનની માલિકીની છે ટ્રક
વ્હિસ્કીની બાટલીઓ પંજાબના મોહાલીની ડિસ્ટલરીની છે અને બાટલીઓ પરના બેચ નંબર ભૂસી નખાયેલા છે. ગઈકાલે કોડાય પોલીસે ૪૦.૭૮ લાખના શરાબ સાથે ટ્રકમાંથી જે આઈદાન ગોવર્ધનસિંહ રાઠોડને ઝડપ્યો હતો તે આઈદાનની માલિકીની આ ટ્રક છે. આઈદાન મૂળ રાજસ્થાનના પોખરણનો વતની છે અને ગાંધીધામના મીઠીરોહરમાં તેની કહેવાતી ઑફિસ આવેલી છે.
શરાબનો આ જથ્થો યુવરાજસિંહ વજુભા જાડેજા (રહે. ત્રગડી, માંડવી) અને જીતુભા ઊર્ફે જીતીયો મંગલસિંહ સોઢાએ પાર્ટનરશીપમાં મગાવ્યો હતો.
મોડી રાત્રે આ ટ્રકમાં રહેલા માલનું કટિંગ થવાનું હોવાની પોલીસને બાતમી મળી હતી. આમ ૨૪ કલાકની અંદર પોલીસે આ બંને બૂટલેગર બેલડીએ પંજાબથી શરાબ ભરીને કચ્છ મગાવેલી બે ટ્રક સાથે કુલ ૧ કરોડ ૨૨ લાખ ૮૫ હજાર રૂપિયાની કિંમતનો શરાબ ઝડપી પાડ્યો છે.
Share it on
|