click here to go to advertiser's link
Visitors :  
12-Jun-2026, Friday
Home -> Bhuj -> Panchayat Malice Leaves Thousands Without Water in Madhapar Nava Vas
Friday, 12-Jun-2026 - Bhuj 1520 views
માધાપરમાં ગ્રામ પંચાયતની કિન્નાખોરીથી લાખો લોકો પાણી વગર ટળવળી રહ્યાં છે
કચ્છખબરડૉટકોમ, ભુજઃ એશિયાના સૌથી સમૃધ્ધ ગણાતાં માધાપર ગામમાં હલકટ શાસકોના કિન્નાખોરીભર્યાં વલણના લીધે છેલ્લાં ત્રણ મહિનાથી લાખો લોકો પાણી વગર ટળવળી રહ્યાં છે. માધાપર નવા વાસની પંચાયતમાં વર્ષો સુધી કોંગ્રેસ સમર્થિત શાસકો શાસન કરી રહ્યાં હતા પરંતુ આ વખતે ભાજપ સમર્થિત બૉડીને ચૂંટવાના કડવા ફળનો સ્વાદ આમજનતા ચાખી રહી છે.

માર્ચના આખરી સપ્તાહથી માધાપર નવા વાસની ભાગોળે આવેલી સોસાયટીઓમાં ભેદી રીતે પાણીનો કાપ મૂકાવા માંડ્યો હતો. દરરોજ પાણી છોડવાના બદલે ત્રણ ચાર દિવસે માંડ એકાદ કલાક પાણી છોડવાનું શરૂ કરાયેલું. જે પાણી આવતું તે પણ પૂરતાં દબાણ વગર આવતું. લોકો તલાટી અને સરપંચને રજૂઆત કરી કરીને થાક્યાં. ધારાસભ્યથી લઈ ટીડીઓ અને જિલ્લા કલેક્ટરને રજૂઆતો કરી પરંતુ આજ દિન સુધી નઘરોળ અને નફ્ફટ શાસકોના પેટનું પાણી હલ્યું નથી.

આઘાતજનક બાબત એ છે કે સોસાયટીઓના ભાગનું પાણી ગામની અંદરના વિસ્તારો કે જ્યાં કમળને મત આપતા મતદારો મોટાપાયે વસવાટ કરે છે તેમને નિયમિત રીતે પૂરતું પાણી અપાય છે. 

શરૂઆતમાં વાલ્વમેનની બેદરકારી પર દોષારોપણ કરતા શાસકો સમક્ષ હવે રજૂઆત કરાય ત્યારે હાથ અધ્ધર કરીને એવો સ્ટાન્ડર્ડ જવાબ અપાય છે કે નવી નવી સોસાયટીઓ બની રહી છે, વસ્તીમાં વધારો થઈ રહ્યો છે એટલે પાણીની તંગી સર્જાઈ રહી છે. વક્રતા એ છે કે ફેબ્રુઆરી સુધી નિયમિત પાણી મળતું હતું ત્યારે કોઈ વસ્તી વધારો નડતો નહોતો! ગયા ઉનાળે કોઈ વસ્તી વધારો નડ્યો નહોતો, બસ એક જ ઉનાળામાં વસ્તી વિસ્ફોટ થઈ ગયો!

નવી સોસાયટીઓ બની રહી હોય તો તેના બાંધકામ સહિતની આનુષાંગિક મંજૂરીઓ આ જ પંચાયત આપે છે. મંજૂરી આપતી વખતે પાણીના વ્યવસ્થાપનની કેમ ચિંતા સેવાતી નથી?

ક્યારેક એવા જવાબ અપાય છે કે પાણીની લાઈન વર્ષોજૂની છે અને હવે તેને સમાંતર બીજી લાઈન નાખવા દરખાસ્ત કરાઈ છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવો ઘાટ સર્જાયો હોય તેમ પાણીની આપૂર્તિ માટે નવો બોરવેલ ખોદવા દરખાસ્ત કરાઈ છે. કૂવો ખોદાય ત્યારે સાચું.

જ્યારે જ્યારે લોકો રજૂઆત કરે કે બે યા ત્રણ દિવસથી ટીપું પાણી નથી આવ્યું ત્યારે શાસકો પાણીની લાઈન તૂટી ગઈ હોવાના, વોટર વર્ક્સ પર વીજ પુરવઠો ના હોવાના કે વીજ કનેક્શનમાં ફોલ્ટ હોવાના નિર્લજ્જતાથી જૂઠ્ઠાં અને ઉડાઉ જવાબ આપીને મૂરખ બનાવે છે.

જો કોઈ ઉગ્ર થઈને રજૂઆત કરે કે ટેક્સ તો પૂરેપૂરો વસૂલો છો ને પાણી આપવામાં કેમ નાગાઈ કરો છો? તો બાપાએ સાત પેઢી સુધીના ગરાસમાં ગામ લખી આપ્યું હોય તેવો તોછડો જવાબ મળે છે કે ટેક્સના પૈસા પાછાં લઈને અહીંથી બીજે રહેવા જતાં રહો! પાણીની તંગીના કારણે ખાનગી ટેન્કરોવાળા માટે કમાણીની ટંકશાળ શરૂ થઈ ગઈ છે.

વિકાસની ખોખલી વાતો કરતા ભાજપનું જ્યાં જ્યાં શાસન આવી રહ્યું છે ત્યાં ત્યાં આમજનતાનો મરો થઈ રહ્યો છે તે એશિયાના આ સમૃધ્ધ ગામની ઘટના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. 
Share it on
   

Recent News  
રેલડીમાં ફળદ્રુપ ખેતરો ઉપરથી જ ઓવરબ્રિજ બનાવવા હાઈવે ઑથોરિટીએ કેમ જીદ્દ પકડી છે?
 
નખત્રાણામાં ટ્રેલરની ટક્કરે બાઈક લઈને જતાં કોટડા (જ)ના બે યુવકના ગંભીર ઈજાથી મોત
 
લાખોની વીજળી ચોરીના બે ગુનામાં આધોઈના ૮૨ વર્ષના વૃધ્ધને કારાવાસ અને મોટો દંડ