|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ૦૬-૦૯-૨૦૨૪ના રોજ ગુજસીટોકના ગુનામાં ફીટ થયેલા અંજારના ગોસ્વામી બંધુ-બહેનોના મનાતા ૩.૩૯ લાખ રોકડાં રૂપિયા કોના તે મુદ્દે ભુજ કૉર્ટમાં જબરો રસપ્રદ ખટલો ચાલ્યો છે. સેશન્સ જજે રૂપિયા કોના તે મુદ્દો મૂળ કેસનો ચુકાદો ના આવે ત્યાં સુધી અનિર્ણિત રાખીને, તે રૂપિયા બેન્કમાં ફિક્સ ડિપોઝીટ તરીકે જમા કરાવી દેવા હુકમ કર્યો છે. એક ભાઈ અને બે બહેન ‘સંગઠિત ટોળકી’ બનાવીને અંજારમાં ગેરકાયદે વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણી કરીને વારંવાર ગંભીર ગુના આચરી રહ્યા હોવાના આરોપ બદલ અંજાર પોલીસે આરતી ઈશ્વર ગોસ્વામી, રીયા ગોસ્વામી અને તેજસ ગોસ્વામી વિરુધ્ધ ૨૦૨૪માં ગુજસીટોકનો ગુનો દાખલ કરેલો. કાયદાની જોગવાઈ મુજબ પોલીસે આરોપીઓએ ગુના દ્વારા પ્રાપ્ત કરેલાં મકાન, પ્લોટ, વાહનો, દર દાગીના, રોકડ રૂપિયા વગેરે કબજે કરેલાં.
તપાસ દરમિયાન પોલીસને માહિતી મળેલી કે ૩.૩૯ લાખ રોકડાં રૂપિયા અને અમુક વાહનો તેજસ ગોસ્વામીના મિત્ર વિવેક ઊર્ફે વિક્કી વિજય વિલાણી (રહે. મહાદેવનગર, અંજાર) પાસે પડ્યાં છે.
પોલીસે વિક્કીના ઘરે તપાસ કરીને તિજોરીમાંથી ૩.૩૯ લાખ રોકડાં રૂપિયા અને કેટલાંક વાહનો કબજે કરેલાં.
વિકકીએ અરજી કરી કહ્યું કે રૂપિયા મારા છે, પરત આપો
પોલીસે જપ્ત કરેલા ૩.૩૯ લાખ રૂપિયા પરત મેળવવા ૧૪ નવેમ્બરે વિક્કીએ ભુજની વિશેષ ગુજસીટોક કૉર્ટમાં અરજી કરેલી. અરજી સાથે છેલ્લાં બે વર્ષના ઈન્કમ ટેક્સ રિટર્નની નકલ જોડીને દાવો કરેલો આ રૂપિયા તો તેની અંગત કમાણી માલિકીના છે. અરજદારે આઠ લાખ રૂપિયા રોકડ રકમ પોતાની પાસે ઈમરજન્સી ફંડ તરીકે હાથ પર રાખેલી (કૅશ ઓન હેન્ડ) છે. આ રૂપિયા આરોપીઓના છે જ નહીં જેથી તેને પરત કરવામાં આવે.
આરોપીની માતાની અરજીઃ રૂપિયા તેને ના મળે, અમારા છે
કૉર્ટ અરજી પર કોઈ નિર્ણય કરે તે પૂર્વે આરોપીઓની માતા તારાબેન ગોસ્વામીએ વિક્કીની અરજી સામે વાંધા અરજી દાખલ કરી રૂપિયા તેને ના આપવા રજૂઆત કરી. તારાબેને અરજીમાં જણાવ્યું કે રૂપિયા તેમના પુત્ર તેજસના છે. ખુદ વિક્કીએ દસ દિવસ પૂર્વે ૪ નવેમ્બરના રોજ સોગંદનામું કરીને એ મતલબનું લખી આપેલું છે કે ‘આ રૂપિયા તેના નથી અને તેજસને પરત મળે તો તેને કોઈ વાંધો કે તકરાર નથી. તારાબેન વિક્કીના ઘેર રોકાવા ગયેલા અને તેને આ રૂપિયા રાખવા આપેલાં. સારા સંબંધના લીધે વિક્કીએ આ રૂપિયા સાચવવા માટે રાખેલાં’ તારાબેને વિક્કીએ લખી આપેલા સોગંદનામાની નકલ પણ વાંધા અરજી સાથે જોડેલી.
કૉર્ટે કહ્યું કે કેસનો ચુકાદો ના આવે ત્યાં સુધી FD કરાવો
વિચક્ષણ સેશન્સ જજ દિલીપ પી. મહિડાએ બેઉની અરજી ફગાવી દીધી અને જપ્ત થયેલી રોકડ રકમ જવાબદાર પોલીસ અધિકારીને પોલીસ ખાતાના નામે એફડી તરીકે બેન્કમાં જમા કરાવી દેવા હુકમ કરતાં કહ્યું કે આ રૂપિયા કોના તે હવે કેસનો ચુકાદો આવે ત્યારે જ નક્કી થશે. ત્યાં સુધી આ રૂપિયા બેન્કમાં એફડી તરીકે જમા રહેશે. જજે ઉમેર્યું કે ખરેખર તો આ રૂપિયા કોની માલિકીના છે તેના સચોટ આધાર પુરાવા બેમાંથી એકેય પક્ષે રજૂ કર્યાં નથી. આ રૂપિયા ગુનાનો ભોગ બનનાર સામાન્ય પ્રજાજનોના હોવાની શક્યતા પણ આ તબક્કે નકારી શકાય તેમ નથી.
Share it on
|