કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજની હોટેલ રીજેન્ટાના રુમ નંબર ૪૦૪માં બુધવારે મધરાત્રે પોલીસે પાડેલો દરોડો મોરબીનો ‘ટંકારાકાંડ પાર્ટ ટૂ’ જેવો હોવાની ચોંકાવનારી વિગતો સાંપડી રહી છે. દરોડો પાડનારી ભુજ પોલીસે જુગાર કાંડ મામલે મોઢું સીવી લીધું છે. પોલીસના ચોપડે ચીતરાયેલી વિગતો જ સ્વયંસ્પષ્ટ કરી રહી છે કે ખોટું થયું છે. ચોપડા પર બે આરોપીની અટક ખોટી લખવામાં આવી છે. આ ખોટું કામ પકડાયેલાં આરોપીઓએ કર્યું છે કે પોલીસે, તે તપાસનો વિષય છે. પરંતુ આ કરતૂત વધુ એક ગુનો બને જ છે. ડુડીયા બન્યા ડોડીયા અને રામજીયાણી બન્યા પટેલ!
દારુની મજા માણતાં માણતાં તાશ વડે તીનપત્તી રમતાં પકડાયેલા પૂર્વ IAS સહિતના સાત ખેલીઓ પૈકી ચિરાગ બળદેવભાઈ ડુડીયા ભુજમાં માર્ગ અને મકાન કચેરીના પેટા વિભાગમાં નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે નોકરી કરે છે.
માર્ગ અને મકાન વિભાગના ચોપડે તેમની અટક ડુડીયા લખાય છે પરંતુ પોલીસ એફઆઈઆરમાં ડુડીયા અટકને ડોડીયા તરીકે લખવામાં આવી છે.
એ જ રીતે, માર્ગ અને મકાન વિભાગના રાપર પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર સંજય પ્રવિણભાઈની અટક રામજીયાણી છે, આખું ગામ તેમને એસ.પી. રામજીયાણી તરીકે ઓળખે છે પરંતુ એફઆઈઆરમાં રામજીયાણીના બદલે પટેલ અટક દર્શાવાઈ છે.
અટકમાં થયેલી આ હેરાફેરી અંગે જાણવા કચ્છખબરે બંને અધિકારીનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો પરંતુ તેમના ફોન બંધ છે અને કચેરીમાં હાજર નથી.
માર્ગ અને મકાન વિભાગના અધીક્ષક ઈજનેર કે.બી. નાયીએ બેઉ જણ રજા પર છે કે કેમ તે અંગે અજાણતા દર્શાવી છે. પીઆઈએ તો ગઈકાલથી જ મૌનવ્રત ધારણ કરી લીધું છે! સરકારી રેકર્ડ પર ખોટું નામ કે અટક લખાવવા તે ફોજદારી ગુનો બને છે.
બાજુના રૂમમાં રહેલા અધિકારીએ રેઈડ કરાવેલી?
થ્રી-સ્ટાર હોટેલના એર કન્ડિશન્ડ સ્યૂટમાં દારુ જુગારની મહેફિલ માણી રહેલા નિવૃત્ત અને વર્તમાન સરકારી અધિકારીઓ પર કોણે રેઈડ કરાવી તે અંગે સૂત્રોમાંથી નવી વાત જાણવા મળી છે. જે રૂમમાં મહેફિલ જામી હતી તે રૂમની બાજુમાં ગુજરાતના કોઈ વરિષ્ઠ પોલીસ અધિકારી રોકાયાં હતા.
દારૂ પીને છાકટાં થયેલા અધિકારીઓ અડધી રાત્રે રૂમમાં જોર જોરથી ઠઠ્ઠા મશ્કરી અટ્ટહાસ્ય કરતા હતા.
ભુજ પોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે બંધ રૂમની બહાર પણ તેમનો શોરબકોર સંભળાતો હતો. નજીકના રૂમમાં રોકાયેલા પોલીસ અધિકારીએ છાકટાં અધિકારીઓના શોરબકોરથી ત્રાસીને પોલીસને ફોન કરીને જાણ કરી હતી.
વગ અને વહીવટ બંનેએ ભાગ ભજવ્યાની ચર્ચા
DySPનું વૉરન્ટ કઢાવીને ભુજ પોલીસે હોટેલમાં રેઈડ પાડી ત્યારે સૌને આરોપીઓ હાઈ પ્રોફાઈલ હોવાનો અંદાજ હતો જ. આમ તો કાયદો સૌ માટે સમાન હોય પરંતુ ખેલીઓ વગદાર હોઈ તેમને રાતોરાત જામીન પર મુક્ત કરી દેવાયાં. તેમના ફોટા સાથેની પ્રેસનોટ પણ ધરાર જારી ના કરાઈ.
હાઈ પ્રોફાઈલ ખેલીઓના આવા થાબડભાણાં માટે વગની સાથોસાથ વહીવટ થયો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
ગુનો દાખલ કર્યા બાદ પત્રકારોને એફઆઈઆરની કોપી ના મળે તે હેતુથી એફઆઈઆરને ‘સંવેદનશીલ’ કરી દેવા માટે ઓપરેટરને સૂચના અપાઈ હતી પરંતુ ઓપરેટરે ભૂલથી એફઆઈઆર ‘સંવેદનશીલ’ ના કરતાં તેની કોપી ગામમાં વાયરલ થવા માંડી હતી તેવો પણ સૂત્રો દાવો કરે છે. આ ચર્ચાઓ વિશે ભુજ પીઆઈનો કશો ખુલાસો સાંપડ્યો નથી.
Share it on
|