કચ્છખબરડૉટકોમ, ભુજઃ વિવિધ ગંભીર ગુનાઓમાં નાસતાં ફરતાં ખૂંખાર આરોપીઓને ઝડપી પાડવા પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાએ અનુભવી અને ચુનંદા પોલીસ અધિકારીઓ કર્મચારીઓની ખાસ સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી છે. SITનું સુકાન અગાઉ એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વૉડમાં કામ કરી ચૂકેલાં પધ્ધર પીએસઆઈ એચ.એમ. ગોહિલને સોંપવામાં આવ્યું છે. રચના સાથે તુરંત એક્ટિવ થઈ ગયેલી સીટે હત્યા, હત્યાના પ્રયાસ, હુમલા સહિતના ૬ ગંભીર ગુનામાં ૪ વર્ષથી નાસતાં ફરતાં સાહિલ દાઉદ અજડિયા (રહે. સંજોગનગર, ભુજ) નામના રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે.
ગંભીર ગુનામાં નાસતાં સાહિલને સીટે પકડ્યો
સીટે વિગતો આપતાં જણાવ્યું કે ૭-૦૫-૨૦૧૭ના રોજ મુંદરાના વાંકલ ફળિયામાં રહેતા સાહિલના ૨૨ વર્ષિય ભાઈ નદિમ અજડિયાની મુંદરાના મુસ્તાક કકલ સહિતના અન્ય આરોપીઓએ છરી મારી હત્યા કરી હતી. ૨૦૧૬માં બાવા ગોરના મેળામાં મુસ્તાક કકલના પિતરાઈ ભાઈ અસીન પર સાહિલ, નદિમ સહિતના પાંચ જણે ઘાતક હુમલો કરીને હત્યાનો પ્રયાસ કરેલો. તેની અદાવતમાં મુસ્તાક સહિતના ૬ આરોપીએ નદિમની હત્યા કરેલી.
‘ખૂન કા બદલા ખૂન’ની જેમ સાહિલે અન્ય સાગરીતો સાથે મળી ભુજની ભાગોળે સેડાતા પાસે ૨૭-૦૭-૨૦૧૮ના રોજ મુસ્તાકની જાહેર રોડ પર ક્રૂરતાપૂર્વક હત્યા કરેલી.
મુસ્તાક ભુજ કૉર્ટની મુદ્દત ભરી બાઈક પર પરત મુંદરા જતો હતો ત્યારે સેડાતા પાસે સાહિલ અને તેના ત્રણ સાગરીતોએ મુસ્તાકની મોટર સાયકલને તૂફાન જીપની ટક્કર મારી નીચે પાડી દઈ તલવારો, ધારિયા, ગુપ્તીથી ભરબપોરે જાહેર રોડ પર રહેંસી નાખ્યો હતો.
આરોપીએ ભુજ કૉર્ટમાં મારામારી કરેલી
મુસ્તાકના મર્ડર કેસમાં પાલારા જેલમાં રહેલા સાહિલ અને અન્ય કેદીઓને ૧૫-૦૨-૨૦૨૦ના રોજ ભુજ કૉર્ટમાં મુદ્દતે લવાયાં ત્યારે તેમણે કૉર્ટ કંપાઉન્ડમાં અંદરોઅંદર મારામારી કરેલી. વચ્ચે પડનાર જાપ્તાના પોલીસ કર્મચારીઓ સાથે પણ ઝપાઝપી કરેલી. જે અંગે સાહિલ સહિત ચાર આરોપી સામે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરજમાં રૂકાવટ, મારામારી સહિતની કલમો તળે ફરિયાદ નોંધાયેલી.
પેરોલ પર ફરાર થઈ યુવક પર ખૂની હુમલો કરેલો
ભુજની ઘટના બાદ સાહિલને ગળપાદર જેલ મોકલી દેવાયો હતો. ૨૭-૧૦-૨૦૨૦ના ૪ દિવસના પેરોલ પર બહાર નીકળીને તે ફરાર થઈ ગયેલો. પોલીસ ચોપડે ફરાર રહેલાં સાહિલે અન્ય ત્રણ સાગરીતો સાથે મળી ૭-૦૧-૨૦૨૪ના રોજ ભુજમાં ભારતનગર પાસે જાહેર રોડ પર બુલેટ અને એક્ટિવા પર મિત્રો સાથે જઈ રહેલાં જાવેદ મામદ સમા પર છરી સહિતના હથિયારોથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો.
સ્વિફ્ટ કાર હંકારી રહેલા સાહિલે મુસ્તાકની કરેલી હત્યાની સ્ટાઈલમાં જાવેદ સમા અને તેના મિત્રોના વાહનોને પાછળથી ટક્કર મારીને નીચે પાડી દઈ છરી, ધોકા, પાઈપથી હુમલો કર્યો હતો. જેમાં ત્રણ જણને ઈજાઓ થઈ હતી. આ મામલે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ફરિયાદ નોંધાઈ હતી.
સીટે આપેલી વિગતો મુજબ વર્ષ ૨૦૧૫માં પણ સાહિલ વિરુધ્ધ મુંદરા પોલીસ મથકે મારામારીની ફરિયાદ નોંધાઈ હતી. સાહિલને પકડનારી ટીમમાં પીએસઆઈ ગોહિલ સાથે પ્રોબેશનરી પીએસઆઈ કે.એચ. આહીર, એએસઆઈ રુદ્રસિંહ જાડેજા, હરીભાઈ બારોટ, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાવલ, કનકસિંહ જાડેજા, વિમલ ગોડેશ્વર, બલવંતસિંહ જાડેજા વગેરે સામેલ હતાં.
Share it on
|