કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભારત પાકિસ્તાન વચ્ચે પ્રવર્તતા તણાવ સમયે સોશિયલ મીડિયા પર પોતાના સ્ટેટસમાં ભારતવિરોધી સંદેશો પોસ્ટ કરનાર ભુજના યુવક સામે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે. આરોપી અનિસ આબિદઅલી ભાન (૨૬, રહે. તૈયબાહ ટાઉનશીપ, સંજોગનગર, ભુજ)એ તેના સ્ટેટસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે ઘસાતી ટીપ્પણી સાથે અલ્લાહ પાકિસ્તાનની રક્ષા કરે તેવા પ્રકારનો એક લાંબો સંદેશ પોસ્ટ કર્યો હતો. અનિસ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ અને વેબસાઈટ ડેવલોપર તરીકે કામ કરે છે.
પોલીસે આ હરકતને ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાની વિરુધ્ધની તથા દેશમાં અલગાવવાદની લાગણીને પ્રોત્સાહન આપતી ગણીને અનિસ વિરુધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૫૨ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
સાયબર ક્રાઈમ પીઆઈ એલ.પી. બોડાણા અને કે.એમ. રાઠોડ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. વર્તમાન પરિસ્થિતિ સંદર્ભે પોલીસે દેશવિરોધી સંદેશા પોસ્ટ કરતાં કે રાષ્ટ્રભાવનાને હાનિ પહોંચાડતા ખોટાં સમાચારો વાયરલ કરતાં લોકો અંગે માહિતી આપવા જનતાને અનુરોધ કર્યો છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ માંડવી પંથકના એક યુવક સામે પણ દેશવિરોધી લાગણીને ભડકાવતો સંદેશ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા સબબ ગુનો દાખલ થયો હતો.
Share it on
|