|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ અઢી વર્ષ અગાઉ કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચકચારી બનેલાં મુંદરાના ૩.૭૫ કરોડના સોપારી તોડકાંડમાં છેલ્લાં અઢી વર્ષથી નાસતો રહેલા હેડ કોન્સ્ટેબલ ભરત આશરીયા ગઢવી (રહે. માંડવી)ની અંતે ધરપકડ થઈ છે. ગુનાની તપાસ કરી રહેલા થરાદના DySP એસ.એમ. વારોતરીયાએ જણાવ્યું કે આરોપી ભરતે ગત શનિવારે મુંદરા પોલીસ મથકે આત્મસમર્પણ કરેલું. તેની ધરપકડ કરી ૪ દિવસના રીમાન્ડ મેળવાયાં હતા અને ત્યારબાદ કૉર્ટે તેને જેલહવાલે કરી દીધો છે. એપ્રિલમાં તોડ થયેલો, ઓક્ટોબરમાં FIR
૧૩-૦૪-૨૦૨૩ના રોજ મુંદરાના ઝીરો પોઈન્ટ પાસે રેન્જ આઈજી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ૪ કર્મચારીએ ૧.૫૪ કરોડની સોપારી ભરેલી ટ્રક પકડેલી. આ ટ્રકમાં જે ગોડાઉન પરથી સોપારી ભરાયેલી તે ગોડાઉન પર પોલીસ પહોંચેલી. પોલીસ કર્મચારીઓએ ગોડાઉન મેનેજર આશિષ પટેલને બોલાવીને લાફો મારી કારમાં બેસાડી તેનું અપહરણ કરેલું.
‘આ સ્મગલિંગની સોપારી છે અને પતાવટ કરવા પેટે નાણાં નહીં આપો તો ગોડાઉનને સીલ મારી માલ જપ્ત કરાશે અને ફરિયાદ દાખલ કરાશે’ તેવો દમ મારેલો.
ને વચેટિયા પંકિલ મોહતા અને શૈલેન્દ્રસિંહ ઊર્ફે જ્યોતિભાઈ ઊર્ફે ભાણુભા માધુભા જાડેજા વતી ગાંધીધામના સંચાલક સુનિલ પંડિત પાસેથી ૩.૭૫ કરોડ રૂપિયાની માંગણી કરી વિવિધ રીતે નાણાં પડાવ્યાં હતા.
સોપારીને સગેવગે કર્યા બાદ પોલીસ કર્મચારીઓનું નાક દબાવીને તોડના રૂપિયા પરત મેળવવા સુનિલ પંડિતે ૨૭-૦૬-૨૦૨૩ના રોજ તત્કાલિન રેન્જ આઈજી જે.આર. મોથલિયાને રૂબરૂ મળીને તોડ કરનારાં પોલીસ કર્મચારીઓ સામે અરજી આપી હતી.
પંડિતે અરજી આપી હોવાની જાણ થતાં જ ખાખીધારીઓ અંડરગ્રાઉન્ડ થઈ ગયેલાં. બનાવની ગહન તપાસ કર્યા બાદ પોલીસ કર્મચારી ASI કિરીટસિંહ બળદેવસિંહ ઝાલા (રહે. સપનાનગર, ગાંધીધામ), ASI રણવીરસિંહ જગદીશસિંહ ઝાલા (રહે. ગાંધીધામ), ASI રાજેન્દ્રસિંહ બળવંતસિંહ ઝાલા (રહે. અંજાર) અને હેડ કોન્સ્ટેબલ ભરત આશરીયા ગઢવી (રહે. માંડવી) તથા નાણાંની માંગણી અને લેવડદેવડમાં વચેટિયાની ભૂમિકા ભજવનારાં પંકિલ મોહતા અને કચ્છમાં ફરજ બજાવી ચૂકેલાં દિવંગત રેન્જ આઈજી એ.કે. જાડેજાના ભાણિયા શૈલેન્દ્રસિંહ જાડેજા વિરુધ્ધ ૧૦-૧૦-૨૦૨૩ના રોજ અનિલ પંડિતે ઈપીકો કલમ ૧૨૦ બી, ૩૬૫, ૩૪૨, ૩૮૯ અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો તળે ફરિયાદ નોંધાવેલી. પંડિતની ફરિયાદ અન્વયે પંકિલ મોહતાની ધરપકડ થયેલી.
કિરીટ અને ભાણુ સહિતના પાંચે આરોપીઓ નાસતાં ફરતાં રહ્યાં હોઈ તેમની વિરુધ્ધ ૫-૧૨-૨૦૨૩ના રોજ ભુજ કૉર્ટે અરેસ્ટ વૉરન્ટ ઈસ્યૂ કરી તેમને વોન્ટેડ જાહેર કરેલાં.
પાછળથી તબક્કાવાર ચાર આરોપીની ધરપકડ થયેલી પરંતુ ભરત ગઢવી અને રણવીરસિંહ ઝાલા નાસતાં રહ્યાં હતા.
તપાસકર્તા વારોતરીયાએ જણાવ્યું કે રણવીરસિંહ હજુ પણ ફરાર છે.
ફરિયાદી પંડિત એન્ડ કંપની સામે પોલીસે કરચોરીની ફરિયાદ નોંધેલી
ફરિયાદ નોંધાવતી વેળા અનિલ પંડિતે પૂરાવારૂપે સોપારીને લગતાં ઈ-વે બિલ સહિતના જે પૂરાવા રજૂ કરેલાં તેની ગહન તપાસમાં ફરિયાદી પંડિત, પંકજ કરસન ઠક્કર સહિતની ટોળકી ઈન્ડસ્ટ્રીયલ સોલ્ટની આડમાં દુબઈથી સોપારી સ્મગલિંગ કરીને, ગોડાઉનમાં કન્ટેઈનરોના સીલ તોડી સોપારી કાઢીને મીઠું ભરીને ફરી તેવા જ સરખાં નકલી સીલ મારી દઈને, ખોટાં બિલ-દસ્તાવેજો મારફતે સોપારી ભારતમાં વિવિધ રાજ્યોમાં સપ્લાય કરીને કરોડો રૂપિયાની કરચોરી કરતી હોવાનું બહાર આવતાં ૨૬-૧૦-૨૦૨૩ના રોજ પંડિત, પંકજ, તેના પાર્ટનરો વિરુધ્ધ ફરિયાદ નોંધાવેલી. આ કેસમાં અંજાર DySP મુકેશ ચૌધરીની અધ્યક્ષતામાં ખાસ સીટની રચના કરાયેલી.
એક વર્ષ સુધી પ્રકરણ ખૂબ ગાજતું રહેલું
આ કેસમાં અમુક આરોપીએ રેન્જ આઈજી મોથલિયા સામે પણ કાદવ ઉછાળતી આરોપબાજી કરેલી. આરોપીઓની કૉર્ટોમાં દાખલ થતી જામીન અરજીઓ અને તેના ચુકાદા, સામસામી આરોપબાજીઓની ઑડિયો ક્લિપો, ધરપકડ અને પોલીસ કાર્યવાહીના પગલે સમગ્ર પ્રકરણ લાંબા સમય સુધી ગાજતું રહેલું. દરમિયાન, ૧૪-૦૪-૨૦૨૪ના રોજ પોલીસ અધિકારીઓની થયેલી સામૂહિક બદલીઓ અંતર્ગત મોથલિયાની અમદાવાદ રેન્જ આઈજી તરીકે બદલી થયેલી અને થોડાંક સમય બાદ વયનિવૃત્ત થઈ ગયેલાં.
મોથલિયાની બદલી નિવૃત્તિ બાદ હવે ચુપકીદી
મોથલિયાની બદલી બાદ સમગ્ર પ્રકરણ ભેદી રીતે શાંત થઈ ગયેલું. બંને ફરિયાદોના આરોપીઓ નિયમિત જામીન પર છૂટી ગયાં છે. ભરત ગઢવી હાજર થયો, તેની ધરપકડ થઈ, રીમાન્ડ લેવાયાં અને જેલહવાલે થયો પરંતુ આ મામલે પોલીસ ખાતાએ અગાઉની જેમ મોટા ઉપાડે કોઈ પ્રેસનોટ કે આરોપીના ફોટા જાહેર કરવાના બદલે ભેદી રીતે ચુપકીદી જ જાળવી રાખી!
સૂત્રોમાંથી મળેલી માહિતીના આધારે વારોતરીયાના મોઢામાં આંગળા નાખ્યા ત્યારે તેમણે મોઢું ખોલ્યું.
આરોપીની ધરપકડ અંગેનો ફોટો પણ ના હોવાનું જણાવ્યું. આ બાબત એ કહેવતને સાર્થક કરે છે કે ‘ઉતર્યો અમલદાર કોડીનો’
Share it on
|