|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના નવા રેલવે સ્ટેશન સામે અઢી એકરમાં ૨૫ કરોડના ખર્ચ સાથે મુસ્લિમ શિફા ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરાયું છે, હોસ્પિટલનું નિર્માણ કાર્ય પૂર્ણ થવાના આરે છે. ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે રાહતદરે ઉપલબ્ધ થનારી આરોગ્ય સેવા માટે અંતરિયાળ ગામના લોકો એટલાં ઉત્સાહી અને આશાન્વિત છે કે ઘણાં પોતાના ઘેટાં બકરાં વેચીને પણ રૂપિયા એકઠાં કરી હોસ્પિટલને દાન આપી રહ્યાં છે. ટ્રસ્ટને છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન હિંદુ અને મુસ્લિમ સમાજના અનેક લોકોએ દિલ ખોલીને આર્થિક સહાય જાહેર કરી છે. જો કે, ભુજની રણકાંધીએ આવેલા પચ્છમના અંતરિયાળ જુણા અને તુગા ગામના લોકોએ આપેલું દાન સૌ ટ્રસ્ટીઓ માટે ઉત્સાહવર્ધક બની ગયું છે.
નાનકડાં જુણા ગામના લોકોએ એકઠાં થઈને યથાશક્તિ ફંડ-ફાળો એકત્ર કરીને ટ્રસ્ટને ૧૧.૫૦ લાખનું દાન આપ્યું છે.
ગ્રામજનો વતી દાન આપનારાં મૌલાના સુલેમાન મોહમ્મદીએ જણાવ્યું કે આરોગ્ય સેવાના અભાવ વચ્ચે ભુજમાં રાહતદરે સુવિધાસજ્જ હોસ્પિટલ બની રહી છે તે વાતથી રોમાંચિત થઈને ગામનાં અનેક ગરીબ માલધારી પરિવારોએ પોતાની પાસે રહેલાં બકરાં, વાછરડાં કે ભેંસનું દાન જાહેર કરેલું.
એક જણે પોતાની પાસે રહેલાં પચાસ બકરાંનું દાન આપેલું. આ પશુધનને વેચીને તેમાંથી ઉપજેલી રોકડ રકમ ટ્રસ્ટને દાન પેટે અર્પણ કરાઈ છે.
જુણા નજીક આવેલા તુગા ગામના લોકોએ પણ ટ્રસ્ટને બે લાખથી વધુ રકમનું દાન આપ્યું છે. તુગાના ગામના એક બુઝુર્ગે સિંધી કચ્છીમાં ટ્રસ્ટીઓને જણાવ્યું કે બે ત્રણ વર્ષ અગાઉ જ્યારે ભુજમાં આવી અદ્યતન હોસ્પિટલ બનાવવાની શિફા ટ્રસ્ટે જાહેરાત કરેલી ત્યારે અમને જરાય વિશ્વાસ બેઠો નહોતો.
કરોડોના ખર્ચે આવી હોસ્પિટલ કઈ રીતે બની શકે? પટેલ સમાજ સહિતના અન્ય સમાજોના વિદેશ વસતાં એનઆરઆઈઓ કે શ્રેષ્ઠીઓનું પીઠબળ હોય તો જ આવી મોટી હોસ્પિટલ બની શકે. અલ્લાહના કરમ કે જે માન્યામાં નહોતું આવતું તે હોસ્પિટલ આજે પૂર્ણતાના આરે છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૨૧માં કોવિડની મહામારી વખતે ભુજમાં ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓને રાહતદરે આરોગ્ય સેવા આપવા માટે આદમભાઈના મનમાં આવી અત્યાધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવાનો વિચાર આવ્યો હતો. જે હવે ટૂંક સમયમાં સાકાર થવાના આરે છે.
ગરીબ ગ્રામજનોએ કરેલી આ સહાયે લોકોની સેવા માટેનો સંકલ્પ વધુ સુદ્રઢ બનાવવા સાથે ટ્રસ્ટીઓમાં નવા ઉત્સાહના સંચાર કર્યો છે.
આ પ્રસંગે જુણા અને તુગા ગામે પ્રમુખ આદમભાઈ ચાકી, હાજી યુસુફ ખત્રી, ઈસ્માઈલ સાહેબ સોનેજી, હાજી સિધિક ત્રાયા, હાજી રશીદ અબ્દુલ લતીફ ખત્રી, ઈશાકભાઈ હિંગોરા, મૌલાના મુફ્તી હાજી ઇલિયાસભાઈ, જત હાજી ઈબ્રાહીમ અને જુણા તથા તુગા ગામના આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.
Share it on
|