click here to go to advertiser's link
Visitors :  
14-May-2026, Thursday
Home -> Bhuj -> Wanted Bootlegger in 4 Crore Liquor Case Boldly Opens New Outlets in Madhapar
Friday, 17-Apr-2026 - Madhapar Bhuj 24106 views
૪ કરોડના દારૂના કેસમાં વોન્ટેડ બૂટલેગરના માધાપરમાં ઈંગ્લિશના પોઈન્ટ શરૂ!
કચ્છખબરડૉટકોમ, ભુજઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે દારૂની રેલમછેલ અટકાવવા સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ ઠેર ઠેર દરોડા પાડી રહી છે. જો કે, સ્થાનિક સ્તરે ખાખીધારીઓની બૂટલેગરો સાથેની મિલિભગતના કારણે આ બદી પર નિયંત્રણ આવતું નથી. ભુજના વડવારા ગામની સીમમાં SMCએ પકડેલાં વિક્રમી ૪ કરોડના દારૂનો જથ્થો મગાવનાર હાર્દિક મારાજ નામના વોન્ટેડ બૂટલેગરે માધાપરમાં ફરી તેના પોઈન્ટ શરૂ કર્યા છે. કહેવાય છે કે હાર્દિક ભુજમાં ખાસ જગ્યાએ રહેલા તેની રાશિવાળા સાહેબનો બહુ લાડકો છે!

અગાઉ આ કહેવાતા સાહેબ અને તેની ટીમની જુગલબંધી અંગે જાહેરમાં સવાલો ઉઠાવનારાને આ જોડીએ યુક્તિપૂર્વક ટ્રેપ કરીને ફસાવ્યો હતો. પૈસાની લાલચ એટલી હદે છે કે સાહેબને જ્યાં સુધી પોઝીશન પર છે ત્યાં સુધી કમાઈ લેવાની લ્હાય છે. આત્મસન્માન, નૈતિક્તા, લાજ શરમ તો ઊભી બજારે વેચી નાખી છે!

SMCએ બે માસ અગાઉ વિક્રમી દારૂ પકડેલો

ગત ૨૦મી ફેબ્રુઆરીએ SMCએ ભુજના વડવારા ગામની સીમમાં એક બંધ પ્લાન્ટમાં કટીંગ સમયે દરોડો પાડીને ૪ કરોડ ૮૫ લાખના દારૂનો વિક્રમી જથ્થો જપ્ત કરેલો. સ્થળ પરથી  ફક્ત બે જણ હાથમાં આવેલાં અને ૨૦ આરોપીઓ નાસી ગયેલાં. રેઈડના પગલે પધ્ધર પોલીસ સ્ટેશનના પીઆઈ અને ડી-સ્ટાફ સામે બદલી અને સસ્પેન્સનની કડક કાર્યવાહી કરાયેલી. ગુનાની તપાસ મુંદરાના ASP ગૌતમ વિવેકાનંદન કરી રહ્યાં છે.

માધાપરમાં હાર્દિક બાવાજીના ત્રણ સ્થળે પોઈન્ટ શરૂ

દારૂ મગાવનારાં ૨૦ બૂટલેગરો પૈકી બે મહિના દરમિયાન જેકી બાવાજી, શિવરાજ ગઢવી અને ગોપાલ મારાજ નામના ત્રણ આરોપી જ પકડાયાં છે. સૂત્રધાર અનોપસિંહ સહિતના ૧૭ જણાં હજુ હાથ લાગ્યાં નથી! ફરાર બૂટલેગરોમાં એક આરોપી હાર્દિક બાવાજી પણ હતો.

વક્રતા તો જૂઓ કે પોલીસ સ્ટાફ સસ્પેન્ડ થઈ ગયો પરંતુ SMCએ જે ૨૩ સામે ફરિયાદ નોંધાવેલી તેમાંના વોન્ટેડ બૂટલેગર હાર્દિક બાવાજીએ માધાપરમાં સોની સમાજવાડી સહિતના ત્રણ સ્થળે ફરી પોઈન્ટ શરૂ કરી દીધા છે.

માધાપરમાં સોની સમાજવાડી પાસે મુખ્ય પોઈન્ટ ઉપરાંત કેસરબાગ અને નળવાળા સર્કલ પાસે પણ પોઈન્ટ ચાલુ થયાં છે. છેક ભુજથી પ્યાસીઓ અહીં સુધી લાંબા થાય છે.

કેસરબાગ પાસે મેન્દ્રા કોલીનો દેશીનો અડ્ડો ધમધમે છે

કેસરબાગ પાસે મેન્દ્રો કોલી નામનો દેશી દારૂનો બૂટલેગર પણ છૂટથી દેશી દારૂ વેચી રહ્યો છે. સાંજ પડે ને અહીં રીતસર પ્યાસીઓનો મેળો ભરાય છે. ઉપરથી લઈ નીચે સુધી મહિને લાખો રૂપિયાનો ‘પ્રસાદ’ વહેંચતા લિસ્ટેડ બૂટલેગર મેન્દ્રા કોલીએ પ્યાસીઓને સ્થળ પર પીવાની સગવડ માટે દિવાલબંધ શેડવાળો અડ્ડો બનાવ્યો છે. પોલીસના દંભની પરાકાષ્ઠા તો જૂઓ કે ડ્રાઈવ વખતે અડ્ડા પરથી બે-ચાર પોટલીઓ લઈને કે દારૂ પીને નીકળતાં અનેક લોકોને નશાબંધીના ગુનામાં પકડીને ફીટ કરાય છે પરંતુ અડ્ડો બેરોકટોક ધમધમતો રહે છે!

દેશી વિદેશી દારૂની જેમ હવે માધાપરમાં ‘ચકલાં પોપટ’ના જુગારની માફક ‘સુરતી’ના પોઈન્ટો પણ શરૂ થઈ ગયાં છે. હવે SMC અહીં ક્યારે રેઈડ પાડે છે તેની રાહ જોવી રહી.
Share it on
   

Recent News  
રાપરમાં છરીની અણીએ પંગુ વેપારીને લૂંટનાર ત્રણ ઝડપાયાં: અંગત અદાવતમાં બન્યો બનાવ
 
કંડલામાં ટીમ્બર ભરેલાં જહાજમાં ફ્યુમિગેશન સમયે ઝેરી ગેસથી ત્રણ મજૂરનાં મોત
 
બેન્કમાંથી બારોબાર ૬.૫૨ લાખ ઉપડી ગયાં! અંજારના વેપારી અને તેના ભાભી જોડે ઠગાઈ